Categories
વાચન સમૃદ્ધિ

ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા)

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી ૧૮૩૬માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને ૧૮૩૭માં એ તૈયાર થઈ ગયા પછી એના પ્રથમ નિયામક તરીકે રાજાએ જ્હૉન કાલ્ડેકૉટ નામના ખગોળશાસ્ત્રીની નિમણૂક કરી. કાલ્ડેકૉટ આ અગાઉ એલેપી બંદર ખાતે ત્રાવણકોર સરકારના વ્યાપારિક આડતિયા તરીકેની ફરજ બજાવતા હતા. કાલ્ડેકૉટને ખગોળ ઉપરાંત હવામાનના અભ્યાસમાં પણ એટલો જ રસ હતો. ત્રિવેન્દ્રમ ખાતે આવી બેવડી કામગીરી બજાવતી વેધશાળા સ્થાપવાનો મૂળ વિચાર એનો જ હતો અને ફ્રેઝરને આની અગત્ય પણ એણે જ સમજાવી હતી.

ત્રિવેન્દ્રમ વેધશાળા (રેખાચિત્ર)

કાલ્ડેકૉટનો જન્મ કયા વર્ષે થયો અને મૃત્યુ કયા વર્ષે થયું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક સંદર્ભ અનુસાર એનો જન્મ ૧૮૧૩માં અને અવસાન ૧૮૪૭માં થયું. જ્યારે બીજા સંદર્ભ અનુસાર એનું જન્મવર્ષ ૧૮૦૦ છે, જ્યારે મૃત્યુવર્ષ ૧૮૪૯ છે. પરંતુ, એણે બજાવેલી કામગીરી અને એનો કાલાનુક્રમ જોતાં એનો જીવનકાળ સન ૧૮૦૦થી ૧૮૪૯ વધુ બંધબેસતો આવે છે. આ વેધશાળા જુલાઈ ૧૮૩૭થી કામ કરતી થઈ અને આરંભનાં મોટા ભાગનાં નિરીક્ષણો કાલ્ડેકૉટે પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી કર્યાં; પરંતુ ત્રાવણકોરના રાજા નવું નવું જાણવાના શોખીન હોવાથી અને વિજ્ઞાનમાં પોતાનો દેશ યુરોપનાં રાષ્ટ્રો સાથે કદમ મિલાવી શકે તેવી તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાથી વેધશાળાને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો. પરિણામે વેધશાળા ચાલુ થયા પછી થોડા જ સમય બાદ કાલ્ડેકૉટને જરૂરી ઉપકરણોની ખરીદી કરવા યુરોપ મોકલવામાં આવ્યા. ૧૮૪૧માં એ પાછા ફર્યા અને પોતાની સાથે ખગોળ ઉપરાંત હવામાન અને ચુંબકીય અભ્યાસ માટેનાં જરૂરી સાધનો પણ લેતા આવ્યા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા), પૃ. 74 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિવેન્દ્રમ વેધશાળા/)

Categories
વાચન સમૃદ્ધિ

શશી કપૂર

જ. 18 માર્ચ, 1938 અ. 4 ડિસેમ્બર, 2017

હિન્દી સિનેમાના મહાન અભિનેતા અને પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના દીકરા શશી કપૂર એટલે હિન્દી સિનેમામાં અવિચળ સ્થાન ધરાવતા કપૂર કુટુંબની બીજી પ્રતિભાશાળી પેઢી. પિતાના નિર્માણ હેઠળના પૃથ્વી થિયેટરમાં તેમણે ઘણાં નાટકોમાં કામ કર્યું. બાળકલાકાર તરીકે શશીરાજ નામથી તેમણે મોટા ભાઈ રાજ કપૂરની ફિલ્મ ‘આગ’ (1948), ‘આવારા’(1951)માં યાદગાર અભિનય આપ્યો. 1948થી 1954 સુધી તેમણે રાજ કપૂર, અશોક કુમાર વગેરેના બાળપણનાં પાત્ર બખૂબી નિભાવ્યાં. પુખ્ત કલાકાર તરીકે 1961માં તેમની પ્રથમ ફિલ્મ ‘ધરમપુત્ર’ આવી. પછી તો તેમની સફળ ફિલ્મોની હારમાળામાં ‘વક્ત’, ‘યે દિલ કિસકો દૂં’, ‘આ ગલે લગ જા’, ‘ચોર મચાયે શોર’, ‘ત્રિશૂલ’, ‘ક્રાન્તિ’, ‘શર્મીલી’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘નમકહલાલ’ વગેરે ફિલ્મો જોડાઈ. ‘જબ જબ ફૂલ ખીલે’માં નિર્દોષ નાવિકની ભાવુક ભૂમિકા ભજવનાર આ કલાકાર જનતાને ખૂબ સ્પર્શી ગયા.  આ પાત્ર માટે તેમને શ્રેષ્ઠ કલાકારનો ઍવૉર્ડ મળ્યો હતો. શશી કપૂરનો સંવાદ ‘મેરે પાસ માં હૈ‘ ભારતીય સંસ્કૃતિનો પડઘો પાડતો હોય તેમ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયો. કડક પિતા તરીકે ફિલ્મ ‘વિજેતા’માં, પત્રકારની ભૂમિકામાં ફિલ્મ ‘ન્યૂ દિલ્હી ટાઇમ્સ’માં, બેપરવાહ સરદાર તરીકે ‘જૂનુન’માં એમ દરેક પાત્રમાં તે છવાઈ ગયા. 1970માં તેમણે ‘ફિલ્મવાલા’ નામથી નિર્માણ હાઉસ શરૂ કર્યું અને માત્ર મનોરંજક નહીં, પણ ઉચ્ચકક્ષાની કલાત્મક ફિલ્મો જેવી કે ‘36 ચૌરંગી લેન’ (1981), ‘ઉત્સવ’ (1984) વગેરે રજૂ કરી. James Ivoryની અંગ્રેજી ફિલ્મ ‘The householder’માં પણ તેમણે અભિનય કર્યો. અમિતાભ બચ્ચન સાથે તેમની જોડી ‘કભી કભી’, ‘કાલા પથ્થર’, ‘સુહાગ’, ‘સિલસિલા’ વગેરે ફિલ્મોમાં ખૂબ જામી. 1998માં તેમની છેલ્લી ફિલ્મ ‘ઘર બાઝાર‘ આવી. તેમને નૅશનલ ફિલ્મફેર ઍવૉર્ડ સાથે ફિલ્મફેરનો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ પણ મળ્યો હતો. 2011માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા અને 2014માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સૈનિકનું મૂલ્યવાન જીવન

ગ્રેટ બ્રિટનના નૌકાદળના વડા હૉરેશિયો નેલ્સન (1758-1805) પોતાના વિશાળ નૌકાકાફલા સાથે દરિયાઈ સફર ખેડી રહ્યા હતા. માત્ર 12 વર્ષની વયે ઇંગ્લૅન્ડનો નૌકાસૈનિક બનનાર નેલ્સન વીસ વર્ષની વયે યુદ્ધજહાજનો કપ્તાન બન્યો. એ પછી સમય જતાં નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં દરિયાઈ યુદ્ધોમાં બ્રિટનના નૌકાકાફલાની સફળ આગેવાની સંભાળનાર નૌકાધિપતિ બન્યો. એક વાર પોતાના નૌકાકાફલા સાથે નેલ્સન દરિયાઈ સફર ખેડતો હતો, ત્યારે એકાએક સામેથી દુશ્મનનાં બે જહાજો એમના તરફ ધસી આવતાં દેખાયાં. એ જહાજો ખૂબ ઝડપથી આવી રહ્યાં હતાં, તેથી નેલ્સને એના યુદ્ધજહાજને અતિ ઝડપે આગળ વધવા હુકમ કર્યો. આ સમયે નેલ્સનનો એક સૈનિક જહાજમાંથી દરિયામાં ગબડી પડ્યો. એ જીવ બચાવવા કોશિશ કરતો હતો. હાથ વીંઝીને જહાજ તરફ આવવાના મરણિયા પ્રયાસો કરતો હતો, પરંતુ જહાજની ગતિ રોકી શકાય તેમ નહોતી, કારણ કે સામેથી દુશ્મનનાં જહાજો ત્વરાથી સામે આવી રહ્યાં હતાં. નૌકાધિપતિ નેલ્સનને આ ઘટનાની જાણ કરવામાં આવી એટલે એણે તત્કાળ આદેશ કર્યો કે જહાજ પાછું લઈને ડૂબતા સૈનિકને કોઈ પણ ભોગે બચાવો. જહાજ પરના એના સાથીઓએ કહ્યું કે આમ કરીશું તો દુશ્મનનાં જહાજો આપણને ઘેરી વળશે અને એક સૈનિકને બચાવવા જતાં આપણે બધા દરિયાઈ સમાધિ પામીશું. નેલ્સને સમજાવ્યું કે એને માટે પ્રત્યેક સૈનિકનું જીવન અતિ મૂલ્યવાન છે અને તેથી એને આમ દરિયામાં ડૂબતો, મરણને હવાલે છોડી શકાય નહીં. જહાજ પાછું લાવવામાં આવ્યું અને સૈનિકને બચાવવામાં આવ્યો. આથી બન્યું એવું કે દુશ્મનોએ માન્યું કે ઇંગ્લૅન્ડનું જહાજ એમની તરફ એ માટે આવી રહ્યું છે કે એની મદદે ઇંગ્લૅન્ડનાં બીજાં જહાજો આવી રહ્યાં છે. આથી દુશ્મનોએ એમનાં જહાજો પાછાં વાળ્યાં અને સહુને સૈનિકની જિંદગી બચાવનાર હૉરેશિયો નેલ્સનની દિલેરીનો પરિચય થયો.