Categories
વાચન સમૃદ્ધિ

મનપસંદ વ્હિસલ

અમેરિકાના પ્રસિદ્ધ લેખક, સંશોધક, વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિનનું મૂળ નામ રિચાર્ડ સોન્ડર્સ હતું. સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાનાં સત્તર સંતાનોમાં ફ્રેન્કલિન દસમું સંતાન હતા. બહુમુખી પ્રતિભાને કારણે એમણે અનેક ક્ષેત્રોમાં કામગીરી બજાવી. મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, બંધારણના ઘડવૈયા અને સ્થિર-વિદ્યુતનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની તરીકે જાણીતા બન્યા. ગરીબીમાં ઊછરતા આ બેન્જામિન ફ્રેન્કલિન સાત વર્ષના બાળક હતા, ત્યારે રમકડાંની દુકાનમાં વ્હિસલ જોઈને એની પાછળ ગાંડા થઈ ગયા હતા. મનમાં થયું કે કોઈ પણ ભોગે, આ વ્હિસલ મેળવવી જ જોઈએ. એક વાર એમની પાસે જે કંઈ પૈસા એકઠા થયા હતા, એ બધી રકમનો દુકાનદાર આગળ ઢગલો કર્યો અને કહ્યું કે ‘મને મારી પેલી મનપસંદ વ્હિસલ આપો.’ વ્હિસલ મેળવવાની તાલાવેલી એટલી કે એમણે ન તો એની કિંમત પૂછી કે ન તો એમણે કેટલી કિંમત ચૂકવી તેની ગણતરી કરી. એ પછી એ વ્હિસલ વગાડતા વગાડતા આનંદભેર ઘેર આવ્યા, ત્યારે એમનાં મોટાં ભાઈ-બહેનોએ એની ખરીદીની વાત જાણીને કહ્યું કે બેન્જામિને ઘણી વધુ કિંમત ચૂકવીને વ્હિસલ ખરીદી છે. બધાએ એની ખૂબ મશ્કરી કરી. સાત વર્ષની વયની ઘટના બેન્જામિન ફ્રેન્કલિનને છેક સિત્તેર વર્ષ સુધી યાદ રહી ગઈ. વ્હિસલ મળ્યાના આનંદ અને ખુશી કરતાં પોતાની આટલી મોટી ભૂલનું દુ:ખ વધુ રહ્યું. આ ઘટનાને વારંવાર યાદ કરીને તેઓ વિચારતા કે પોતે વ્હિસલની જે કિંમત ચૂકવી, એના કરતાં ‘અનેકગણી વધારે કિંમત’ લોકો એમની મનપસંદ વ્હિસલ માટે ચૂકવતા હોય છે ! વળી દરેક ચીજની ખોટી કિંમત આંકીને માનવી જીવનભર દુ:ખી રહેતો હોય છે. વ્હિસલની નાની શી ઘટનામાંથી બેન્જામિન ફ્રેન્કલિન જીવનભર બોધપાઠ તારવતા રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ લાલભાઈ દેસાઈ ‘કોલક’

જ. ૩૦ મે, ૧૯૧૪ અ.૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૮

કવિ કોલકનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ. એમનો જન્મ પારડી તાલુકાના સોનવાડા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ તાપીબહેન અને પિતાનું નામ લાલભાઈ દેસાઈ હતું. વતન પાસે વહેતી કોલક નદીના નામ પરથી તેમણે પોતાનું ઉપનામ ‘કોલક’ રાખ્યું હતું. તેઓ દેખાવે પડછંદ પરંતુ સ્વભાવે હસમુખા, મિલનસાર, સરળ અને નિજાનંદી હતા. ઈ. સ. ૧૯૩૩માં મુંબઈની મીઠીબાઈ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ કર્યું અને તેમનાં માતાનું અવસાન થતાં જવાબદારીઓ આવી પડતાં કૉલેજમાં એક જ વર્ષ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૩૪માં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૨થી ઈ. સ. ૧૯૪૭ સુધી એમણે ‘જન્મભૂમિ’ દૈનિકમાં તંત્રી તરીકે સેવા આપી હતી. ઈ. સ. ૧૯૩૮માં એમણે ‘માધુરી’ નામનું ત્રિમાસિક ચલાવ્યું. ઈ. સ. ૧૯૪૨માં ‘કવિતા’ નામનું માસિક શરૂ કર્યું, ઈ. સ. ૧૯૫૦માં ‘વાર્તા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એમાં ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ હપતાવાર છપાતી. ઈ. સ. ૧૯૬૮માં ‘કોલક’ નામનું નવલકથાનું માસિક શરૂ કર્યું, એમાં તેઓ સળંગ નવલકથા છાપતા. એમણે વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં પણ કામ કર્યું હતું. કોલક ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય પણ રહ્યા હતા. ‘કોલક’ને નાની વયથી જ કાવ્યરચનાનો શોખ હતો. તેના પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા : (૧) ‘પ્રિયા-આગમન’ ખંડકાવ્ય (૧૯૩૭), (૨) ‘સાંધ્ય ગીત’ (૧૯૩૮), (૩) ‘સ્વાતિ’ (૧૯૪૦) અને (૪) ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૨) જે સળંગ ૨૦૦૦ પંક્તિઓનું પ્રેમકાવ્ય હતું. કોલકની કવિતામાં પ્રેમીના ભગ્ન હૃદયનો પ્રલાપ પ્રગટ થયેલો છે. છંદો પરનો તેમનો કાબૂ પ્રશંસનીય હતો. કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. ૧૯૪૭માં પ્રગટ થયેલી તેમની પ્રથમ નવલકથા ‘ભાઈબીજ’ ખૂબ જ આવકાર પામી હતી. તેમણે પચાસ જેટલી નવલકથાઓ લખી છે જેનો બહોળો વાચકવર્ગ છે. તે ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ ઈ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલા.

Categories
વાચન સમૃદ્ધિ

સાંચીનો સ્તૂપ

વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય.

ભારતમાં બૌદ્ધ સમયનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. મયપ્રદેશમાં ભીલસાથી ૮.૮૫ કિમી. દૂર સાંચીમાં આવેલો આ સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી મોટો સ્તૂપ સાંચીના સ્તૂપ તરીકે જાણીતો છે.

સાંચીનો સ્તૂપ

સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો અને તે સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. અશોકના સમયનો મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપની નીચે ઢંકાયેલો છે. તેનું સ્વરૂપ શુંગકાલીન છે. શુંગકાળમાં સ્તૂપની ઉપર રાતા પથ્થરનું આચ્છાદન (encasing) કરીને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્તૂપના અંડનો વ્યાસ ૩૬ મીટર છે અને ઊંચાઈ ૧૬ મીટર છે. તેનો આકાર અર્ધવૃત્તાકાર છે. અંડના મથાળાને છેદીને સપાટ કરીને તેની પર ચોરસ કઠેડો (railing) ઊભો કરવામાં આવ્યો છે. સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ છે. ત્યાં પહોંચવા માટે દક્ષિણ દિશાએ સામસામે પગથિયાં આવેલાં છે. પથ્થરની ઊભી અને આડી છાટો એકબીજાને જોડીને વેદિકાઓ બનાવેલી છે. બબ્બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી છાટો જોડેલી છે. તેના ઉપર કમળો, વેલો વગેરે ભાતો કોતરેલી છે. કઠેડાની સ્તંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્તૂપની ચારેય દિશામાં ચાર સુંદર, કલાત્મક પ્રવેશદ્વારો આવેલાં છે, તે ચારેયને સુંદર તોરણો છે. દરેક તોરણ ૧૦ મીટર ઊંચું અને ૬ મીટર પહોળું છે. સ્તંભોની ચારેય બાજુએ અને આડી પીઢની બંને બાજુએ અર્ધમૂર્ત શિલ્પો કંડારેલાં છે. તેમાં ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો તથા બુદ્ધના પૂર્વજીવનને વર્ણવતી જાતકકથાઓના પ્રસંગો, તેમના જીવન સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, પશુ-પંખીઓ, ઊડતા ગાંધર્વો, વિવિધ પુષ્પો અને વેલીઓનાં સુંદર આલેખનો છે. કોરણીની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તોરણ ઉત્તરનું છે. પ્રથમ અને છેલ્લા તોરણદ્વાર વચ્ચેના બાંધકામમાં ચાળીસ વર્ષનો ગાળો પડે છે, છતાં ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ ચારેય તોરણદ્વારો સરખાં લાગે છે. સાંચીની સમગ્ર શિલ્પકળામાં કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી; પરંતુ મૂર્તિને બદલે તેમનાં પગલાં, વૃક્ષ, આસન કે સ્તૂપ જેવાં પ્રતીકો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી