જ. ૩ જુલાઈ, ૧૯૩૨ અ. ૧૫ માર્ચ, ૨૦૦૪

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા, લેખક અને દિગ્દર્શક કાન્તિ મડિયાનો જન્મ લાઠીમાં. ગામમાં નાટકમંડળીઓ દ્વારા નાટકો ભજવાતાં. એ નાટકોની એમના પર અસર પડી. તેઓ શેરીમાં છોકરાંઓને ભેગા કરતા અને પોતે જોયેલા ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ નાટકો દસ-બાર વર્ષની ઉંમરે ભજવતા. પિતાનું અવસાન થતાં મુંબઈમાં મામાને ત્યાં આવ્યા. ૧૯૪૮માં મૅટ્રિક પાસ કરી ભવન્સ કૉલેજમાં દાખલ થયા. કૉલેજ દરમિયાન ‘ભૂતઘર’ એકાંકી ભજવ્યું. પછી કૉલેજના વાર્ષિકોત્સવમાં ‘સિલ્વરમૂનનો સ્વયંવર’ ભજવ્યું. ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રની આંતરકૉલેજ સ્પર્ધામાં કૉલેજ દ્વારા ‘ગળેપડુ ગોકળદાસ’ નાટક રજૂ થયું. એ સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ નટ તરીકેનું દ્વિતીય પારિતોષિક મળ્યું. એમણે ‘રાખનાં રમકડાં’ નાટકમાં ચન્દ્રવદન ભટ્ટના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું અને એમાં ‘જ્યોતિષી’નું પાત્ર પણ ભજવ્યું. તેમણે અદી મર્ઝબાન સાથે ‘રંગમિલન’, ‘પીરોજા ભવન’, ‘મોટા દિલના મોટા બાવા’ જેવાં નાટકોમાં અભિનય કર્યો. ૧૯૬૭માં એમણે ‘નાટ્યસંપદા’ની સ્થાપના કરી અને અદ્યતન ટૅકનિક અને વૈવિધ્યપૂર્ણ સાંપ્રત વિષયવસ્તુવાળાં નાટકો ભજવ્યાં. એમાં ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘નોખી માટી ને નોખાં માનવી’, ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ‘અમે બરફનાં પંખી’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘બાણશય્યા’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’, ‘મહાનાયક’, ‘કાચિંડો’ જેવાં નાટકોનો સમાવેશ થાય છે. એમણે ૩૩ વર્ષમાં ૩૫ જેટલાં નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન એકલા હાથે કર્યું હતું, આથી તેઓ નાટ્યમંચના ‘વનમૅન આર્મી’ કહેવાતા. એમણે વિનોદિની નીલકંઠની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’નું દિગ્દર્શન કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નાટ્યલેખન શિબિરો યોજ્યા હતા. ૧૯૮૦માં ‘કાવ્યસંપદા’ સ્થાપી અને તે દ્વારા ‘નૅશનલ સેન્ટર ફોર પર્ફૉર્મિંગ આર્ટ્સ’માં કાવ્યપઠનનું આયોજન પણ કર્યું હતું. તેમણે ‘માલગુડી ડેઝ’ના એક એપિસોડમાં અભિનય કર્યો હતો.
અનિલ રાવલ