જ. ૨૬ મે, ૧૮૬૪ અ. ૩ માર્ચ, ૧૯૧૬

બ્રિટિશ ભારતના પ્રથમ હિંદુ બૅરોનેટ, અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ ચીનુભાઈનો જન્મ અમદાવાદમાં માધવલાલ રણછોડલાલ તથા રેવાબાઈને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના તેઓ પૌત્ર થાય. ૧૮૮૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. તેઓ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પારંગત હતા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. ૧૮૯૮માં દાદાનું અને ત્યારબાદ પિતાનું અવસાન થવાથી બધી જવાબદારી પોતે સંભાળી લીધી. તેમણે પોતાના વહીવટ હેઠળની ત્રણ મિલોને પ્રથમ પંક્તિની બનાવી. તેમણે ઇજિપ્શિયન રૂમાંથી ૧૦૦ કાઉન્ટ જેટલું ઊંચી જાતનું સૂતર કાંતવાની રીત શરૂ કરી. તેમને અમદાવાદ મિલમાલિક ઍસોસિયેશનના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. ચીનુભાઈ દાનવીર પણ હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે દાન કરેલાં છે. તેમણે કરેલી સખાવતો વીસમી સદીના આરંભનાં વરસોમાં કરવામાં આવી હતી, જે તે સમયે ઘણી મોટી રકમો ગણાતી હતી. તેમણે આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, આર. સી. હાઈસ્કૂલ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, આરોગ્યક્ષેત્રે તેમજ પુસ્તકાલય માટે દાન આપ્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતમાં રસ ધરાવનાર ચીનુભાઈએ વારાણસી, હરદ્વાર અને દક્ષિણ ભારતનાં ધાર્મિક સ્થળોમાં પણ સખાવતો કરી હતી. તેમનાં સેવાકાર્યોની કદર કરીને બ્રિટિશ સરકારે ૧૯૦૭માં સી.આઈ.ઈ.(CIE)નો ખિતાબ આપ્યો હતો. ૧૯૧૧માં તેમને ‘નાઇટ(સર)નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૩માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો.
અમલા પરીખ