Categories
વાચન સમૃદ્ધિ

સારસ

ભારતનું સૌથી મોટું પક્ષી. સારસ, માણસના ખભા સુધી આવે તેટલું ઊંચું, દેખાવે ગંભીર અને શાંત હોય છે. તેની ચાલ ધીમી અને પ્રભાવશાળી હોય છે. સારસનું માથું રાખોડી અને પીંછાં વિનાનું હોય છે. સારસના પગ ગુલાબી, ચાંચ લાલાશ પડતી હોય છે. તેના પગ અને ચાંચ લાંબાં હોય છે. તેની પાંખો બંધ હોય છે ત્યારે તેમનાં પીંછાં પૂંછડી ઉપર ઢળકતાં રહે છે. સારસની ઊંચાઈ આશરે ૧.૫ મીટર અને પાંખોનો વિસ્તાર ૨ મીટર જેટલો હોય છે. નર અને માદા દેખાવમાં સરખાં લાગે છે.

સારસ પક્ષી

સામાન્ય રીતે નર-માદા જોડીમાં ફરે છે. આ પક્ષીઓ મૂંગાં મૂંગાં ચરતાં હોય છે પણ જો એક પક્ષી બોલે તો બીજું તેમાં સાદ પુરાવે છે. સારસબેલડીનો રણશિંગા જેવો કર્ણપ્રિય અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. સારસ માણસથી ભડકતાં કે શરમાતાં નથી. નર તથા માદાને એકબીજા માટે ખૂબ ભાવ હોય છે. તેમની જોડી જીવનભર ટકી રહે છે. એવું મનાય છે કે સારસબેલડીમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું પણ તેની પાછળ ઝૂરી ઝૂરીને મરી જાય છે.  સારસ પાંખ વીંઝીને ઊડે છે. ઉડાન વખતે તે ડોક આગળ અને પગ પાછળ લંબાવેલા રાખે છે. તે જમીનથી બહુ ઊંચું ઊડતું નથી. સારસ જમીન પર જ વસે છે, ત્યાંથી વનસ્પતિ, જીવડાં, દેડકાં અને ધાન્ય મેળવી લે છે. માળો જમીન પર જ બાંધે છે. સારસ પક્ષી ગ્રામજનોને પરિચિત અને શહેરી જનોને અપરિચિત લાગે છે. ગ્રામજનો આ પક્ષીને હેરાન કરતા નથી અને તેને અવધ્ય ગણે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ખુરશીદ નરીમાન

જ. ૧૭ મે, ૧૮૮૩ અ. ૪ ઑક્ટોબર, ૧૯૪૮

સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા, જેઓ વીર નરીમાન તરીકે પણ જાણીતા છે. બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી. તેઓ ૧૯૩૫માં મુંબઈના મેયર તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રહીને તેમણે મુંબઈના પછાત વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ સ્થાપી અને ગંદકી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવી હતી. તેમણે યુવકપ્રવૃત્તિમાં રસ લીધો. ઘણાં વર્ષો સુધી તેઓ ‘બૉમ્બે બ્રધરહુડ’ અને ‘બૉમ્બે યૂથ લીગ’ના પ્રમુખ રહ્યા હતા. તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને મુંબઈ કૉંગ્રેસના લોકપ્રિય નેતા બન્યા. ૧૯૩૪માં મુંબઈ ખાતે ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની સ્વાગત સમિતિમાં પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. ૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલા સવિનય કાનૂનભંગના આંદોલન વખતે મુંબઈમાં મીઠાના કાયદાનો ભંગ કરી જેલમાં ગયા હતા. ૧૯૩૨ સુધીમાં તેઓ ચાર વખત જેલમાં ગયા. ૧૯૩૨માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘Whither Congress’ પુસ્તક લખ્યું હતું. તેમનો મત એવો હતો કે કૉંગ્રેસે રાજકીય સંગઠન તરીકે જ કાર્ય કરવું જોઈએ. બીજી પ્રવૃત્તિઓ કરીને પોતાની શક્તિ વેડફવી જોઈએ નહિ. ૧૯૩૭માં નરીમાનને સરદાર પટેલ સાથે ઘર્ષણ થયું હતું. તેઓ કૉંગ્રેસ તરફથી ધારાસભામાં ચૂંટાયા હતા, પરંતુ તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે દિલ્હીમાં આઝાદ હિંદ ફોજના સૈનિકો સામે ચાલેલા કેસમાં સૈનિકોના કાનૂની બચાવ માટે અન્ય ધારાશાસ્ત્રીઓ સાથે  ખુરશીદ નરીમાન પણ હતા. મુંબઈના નરીમાન પૉઇન્ટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તાભાવ સતત કૂદકા લગાવે છે !

દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તૃત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું’ – આ રીતે પોતાના કર્તૃત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તૃત્વની બાંગ પોકારે છે. કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકો મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે.  ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે. ચેપી રોગની માફક એ લાગુ પડે પછી એવો વ્યાપ થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેપ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે. કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ  – એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે.