Categories
વાચન સમૃદ્ધિ

ટી. એચ. વ્હાઇટ

જ. ૨૯ મે, ૧૯૦૬ અ.૧૭ જાન્યુઆરી, ૧૯૬૪

વ્હાઇટનો જન્મ ભારતમાં, મુંબઈમાં ભારતીય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગેરિક હેનબરી વ્હાઇટ અને કોન્સ્ટન્સ એડીથ સાઉથકોટ એસ્ટનને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ ટેરેન્સ હેનબરી વ્હાઇટ હતું. વ્હાઇટનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં વીત્યું હતું. તેઓ બાળપણથી જ પુસ્તક, શિકાર, પ્રકૃતિ અને પ્રાણીઓમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. તેમણે વ્હાઇટ ગ્લોસ્ટરશાયરની ચેલ્ટનહામ કૉલેજ, એક જાહેર શાળા અને કેમ્બ્રિજની ક્વીન્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યું. ક્વીન્સ કૉલેજમાં હતા ત્યારે વ્હાઇટે થોમસ મેલોરીના લે મોર્ટે ડીઆર્થર પર એક થિસીસ લખી અને ૧૯૨૮માં અંગ્રેજીમાં પ્રથમ વર્ગની ડિગ્રી સાથે સ્નાતક થયા. તેમનાં પ્રારંભિક પુસ્તકોમાં આત્મકથાત્મક નવલકથાઓ અને વાઇલ્ડલાઇફ અંગેના ગ્રંથો સામેલ છે. તેઓ આર્થરિયન નવલકથા માટે વિશેષ જાણીતા છે. તેમનો પ્રસિદ્ધગ્રંથ The Once and Future King (ઈ. સ. ૧૯૩૮-૧૯૫૮), ચાર ભાગોમાં વિભાજિત છે. આ ગ્રંથ મધ્યયુગીન પૌરાણિક પાત્રો – જેમ કે કિંગ આર્થન, મર્લિન, લાન્સલોટ અને ગ્વિનેવીર પર આધારિત છે, પણ તેમાં આધુનિક તત્ત્વો અને માનવસ્વભાવ અંગેની ઊંડી સમજ દર્શાવવામાં આવી છે. જેમાંના એક ભાગ The Swod in the Stone ની Disney એ, ઍનિમેટેડ ફિલ્મ બનાવી. વ્હાઇટની લેખનશૈલી હળવી અને વ્યંગ્યથી ભરેલી હતી. વ્હાઇટ તેમના આર્થરિયન કાર્યને બ્રૉડવે મ્યુઝિકલ કેમલોટ (૧૯૬૦) અને ઍનિમેટેડ ફિલ્મ ‘ધ સ્વોર્ડ ઇન ધ સ્ટોન’  (૧૯૬૩) તરીકે રૂપાંતરિત થતા જોવા માટે જીવ્યા. તેમની કથાઓએ વાર્તા સાહિત્ય, ફૅન્ટસી અને આધુનિક પૌરાણિક પુનર્નિર્માણ ક્ષેત્રે ઊંડું અસરકારક યોગદાન આપ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ?

બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પરિચિત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ. જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ  ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ? અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના જીવનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુન: ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

એન. ટી. રામારાવ

જ. ૨૮ મે, ૧૯૨૩ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૯૬

NTR તરીકે જાણીતા એન. ટી. રામારાવ એક ભારતીય અભિનેતા, ફિલ્મનિર્માતા, ફિલ્મદિગ્દર્શક, પટકથાલેખક, ફિલ્મસંપાદક અને રાજકારણી હતા. તેમનું પૂરું નામ નંદમુરી તારકા રામારાવ છે. તેમણે ચાર ટર્મમાં સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમને ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક માનવામાં આવે છે. રામારાવે ૧૯૪૯માં એલ. વી. પ્રસાદદિગ્દર્શિત તેલુગુ સામાજિક ફિલ્મ ‘માના દેશમ્ֹ’થી અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. તેમને ૧૯૫૪માં ‘રાજુ પેડા’ નામની ફિલ્મથી વિશેષ સફળતા પ્રાપ્ત થઈ હતી. ૧૯૪૯થી ૧૯૮૨ સુધીમાં આશરે ૩૦૦ ફિલ્મોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી. મુખ્યત્વે પૌરાણિક પાત્રો કૃષ્ણ, શિવ અને રામની ભૂમિકા દ્વારા તેઓ વધુ જાણીતા બન્યા હતા. જેના કારણે તેઓ ‘જનતાના મસીહા’ અને સિનેમાના ઇતિહાસમાં એક અગ્રણી વ્યક્તિ બન્યા હતા. બાદમાં તેઓ ફિલ્મોમાં ખલનાયક અને રોબિન હૂડ જેવાં હીરો પાત્રો દર્શાવવા માટે જાણીતા બન્યા હતા. તેમણે ૧૯૫૧માં ‘પથલા ભૈરવી’ ફિલ્મમાં અભિનય કરેલો, જે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થયેલી એકમાત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ હતી તો ‘મલ્લીશ્વરી’ ફિલ્મને પેકિંગ ફિલ્મ ફેસ્ટિવલ બેઇજિંગ, ચીનમાં દર્શાવવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલ આફ્રો-એશિયન ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવેલી તેમની શાશ્વત ક્લાસિક ફિલ્મ ‘માયાબજાર’ (૧૯૫૭) અને ‘નર્તનશાલા’ (૧૯૬૩) જેવી ફિલ્મ CNN-IBNની સર્વકાલીન ૧૦૦ મહાન ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. રામારાવે ૧૯૮૨માં તેલુગુ દેશમ્ પાર્ટી TDPની સ્થાપના કરી હતી અને ૧૯૮૩થી ૧૯૯૫ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ વખતે સેવા આપી હતી. તેઓ આંધ્રપ્રદેશની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખના હિમાયતી તરીકે જાણીતા હતા. રામારાવે ૧૯૭૦માં ‘કોડાલુ દીદીના કપુરમ્’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નંદી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો તો નૅશનલ આર્ટ થિયેટર, ચેન્નાઈ દ્વારા ‘થોડ ડોંગાલુ’ (૧૯૫૪) અને ‘સીતારામ કલ્યાણમ્’ (૧૯૬૦)ના સહનિર્માણ માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ મેળવ્યા હતા. ૧૯૬૮માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.