એક જ માનવીએ બે રૂપ ધારણ કરવાનાં હોય છે. કંપનીનો કારોબાર કરતી વખતે એ જેવો હોય છે, તેવો ઘરના કારોબાર સમયે ન હોવો જોઈએ. કંપનીમાં કાર્યસિદ્ધિ એ એનું અંતિમ ધ્યેય હોય છે. ઘરમાં પ્રેમપ્રાપ્તિ એ એનું પરમ લક્ષ્ય હોય છે. કંપનીમાં એ ‘બૉસ’ હોય છે. ઘરમાં એ મોભી હોય છે. કંપની અને ઘર ચલાવવાની પદ્ધતિમાં ભિન્નતા હોય છે. કંપનીના કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ ઘરના મૅનેજમેન્ટમાં અપનાવે, તો ઘરમાં મહાઉલ્કાપાત સર્જાય, કારણ એટલું જ કે કંપનીની રીતરસમ અને ઘરની જીવનશૈલી સર્વથા ભિન્ન હોય છે. આથી કંપનીના ચૅરમૅન ઘરના ઉંબરામાં પગ મૂકે, તે પહેલાં એણે ચૅરમૅનપદના બોજમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પતિ કે પુત્ર જ્યારે ચૅરમૅન બનીને કંપનીના પ્રવેશદ્વારે પ્રવેશે, ત્યારે એણે પતિના પ્રેમ અને પુત્રના સ્નેહને બહાર મૂકીને પ્રવેશવું જોઈએ. બને છે એવું કે શૅરબજારનો વેપારી ઘરમાં પણ શૅરબજારની રીતરસમથી જીવે છે અને પરિણામે એના સંસારજીવનમાં સ્નેહથી મંદીનો સપાટો જ અવિરત ચાલ્યા કરે છે. કંપની જેમ સૂત્રધાર બૉસની રાહ જુએ છે, એમ ઘર વાત્સલ્યભર્યા પિતા, પ્રેમાળ પતિ કે આજ્ઞાંકિત પુત્રની રાહ જુએ છે. ઘરમાં તમારા હોદ્દાનું મહત્ત્વ નથી, પણ સ્નેહની ગરિમા છે. વ્યક્તિના જીવનની સૌથી મોટી કસોટી એ છે કે એ કેવી કુશળતાથી પોતાની ભૂમિકા ભજવતી રહે છે. એક ભૂમિકા સાથે બીજી ભૂમિકાની ભેળસેળ થઈ જાય તો મોટો વિખવાદ કે વિસંવાદ ઊભો થાય છે, આથી ઑફિસમાં બૉસ તરીકે એ આદેશ આપતી હોય અને આજ્ઞાંકિત પુત્ર તરીકે પિતાની વાત શિરોધાર્ય કરે છે.
આધુનિક નર્સિંગના સ્થાપક અને સમાજ સુધારક ફ્લૉરેન્સ નાઇટિંગેલનો જન્મ ઇટાલીના ફ્લૉરેન્સ શહેરમાં થયો હતો. ફ્લૉરેન્સનો જન્મ એવા સમયે થયો જ્યારે નર્સો અને સૈનિકોને સમાજમાં આદરની દૃષ્ટિએ જોવામાં આવતાં નહોતાં. પિતા વિલયમ એડવર્ડ એક સમૃદ્ધ જમીનદાર હતા. ફ્લૉરેન્સે પોતાના પરિવારની સામે નર્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી, પહેલાં તો એમના પિતાએ સખત વિરોધ નોંધાવ્યો, પણ છેવટે એમની વાત માની લીધી અને જર્મનીની પ્રોટેસ્ટંટ ડેકોનેસિસ સંસ્થામાં ફ્લૉરેન્સે નર્સિંગની તાલીમ લીધી. ૧૮૫૩માં તેમણે લંડનની મહિલાઓ માટેની એક હૉસ્પિટલ, ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કેયર ઑફ સિંક જેન્ટલવુમન’ શરૂ કર્યું, જ્યાં તેમણે દર્દીઓની સંભાળ માટે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરી અને નર્સોની કાર્યકારી પરિસ્થિતિમાં પણ સુધારો કર્યો. ઈ. સ. ૧૮૫૪માં બ્રિટિશ સરકાર દ્વારા ફ્લૉરેન્સની આગેવાની હેઠળ ઑક્ટોબર ૧૮૫૪માં ૩૮ નર્સોની ટીમ ઘાયલ સૈનિકોની સેવા માટે તુર્કી મોકલવામાં આવી હતી. એમની સખત મહેનત અને સારસંભાળને કારણે યુદ્ધમાં ઘાયલોની સંખ્યા ઓછી થઈ. યુદ્ધ દરમિયાન ફ્લૉરેન્સ રાતદિવસ ઘાયલ સૈનિકોની સંભાળ લેતાં રહ્યાં અને તેમના હાથમાં દીવો હતો તેથી તે ‘લેડી વિથ ધ લૅમ્પ’ તરીકે જાણીતાં થયાં. ભારતમાં પણ એમનું વિશેષ યોગદાન છે. ઈ. સ. ૧૮૬૦માં તેઓ આર્મી મેડિકલ સ્કૂલ ખોલવામાં સફળ રહ્યાં અને તેજ વર્ષે તેમણે નર્સો માટે ‘નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ’ પણ ખોલી અને ‘નોટ્સ ઑન નર્સિંગ’ નામનું પુસ્તક પણ લખ્યું. દર્દીઓની અને ગરીબોની સેવા કરતી વખતે તેઓ પોતે બીમાર થઈ ગયાં હતાં, પરંતુ તેમણે પીછેહઠ કરી ન હતી. તેમણે નર્સોને યોગ્ય રીતે તાલીમ આપવાની પરંપરા શરૂ કરી અને નર્સિંગના કાર્યને સન્માનજનક વ્યવસાયમાં બદલી નાખ્યું. ફ્લૉરેન્સ નાઇટિંગેલને બ્રિટન સરકારે 1907માં તેના સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ મેરિટ’થી નવાજ્યાં હતાં. આ સન્માન મેળવનારાં તેઓ પ્રથમ મહિલા હતાં. નર્સિંગ ક્ષેત્રે ઉમદા સેવા માટે તેઓના નામથી આંતરરાષ્ટ્રીય સ્તરે નર્સો માટે ‘ફ્લૉરેન્સ નાઇટિંગેલ મેડલ’ પણ આપવામાં આવે છે. આ મેડલને નર્સિંગ ક્ષેત્રમાં અપાતો સૌથી પ્રતિષ્ઠિત મેડલ માનવામાં આવે છે. ભારતમાં આજે પણ ‘પરિવાર અને કલ્યાણ મંત્રાલય’ દ્વારા ૧૯૭૩થી ‘રાષ્ટ્રીય ફ્લૉરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર’ આપવામાં આવે છે. નર્સિંગ અને સેવાના ક્ષેત્રમાં ફ્લૉરેન્સના યોગદાનને આજે પણ દુનિયા યાદ કરે છે અને તેમનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ૨૩° ૨૧´ ઉ. અ. અને ૭૦° ૩૯´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે ૨૪ કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવનું મંદિર અને કુંડ છે. ભાદરવી અમાસને દિવસે ઝીલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. ઝીંઝુવાડા આઝાદી પૂર્વે એજન્સીનું થાણું હતું. ઝીંઝુવાડાથી ખારાઘોડાનો કાચો રસ્તો ઓડુ થઈને જાય છે. બીજો પાકો રસ્તો તેને પાટડી સાથે જોડે છે. બીજા બે રસ્તાઓ જૈનાબાદ અને આદરિયાણાને ઝીંઝુવાડા સાથે જોડે છે. ઝીંઝુવાડા નજીકનો કચ્છના નાના રણનો વિસ્તાર વડાગરા મીઠાના ઉત્પાદન માટે જાણીતો છે. કૂવો ખોદીને ભૂગર્ભ ખારા જળનો મીઠું પકવવા માટે ઉપયોગ થાય છે. મીઠું પાટડી મોકલાય છે અને ત્યાંથી તેની બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસામાં નિકાસ થાય છે. આસપાસના વિસ્તારોમાં જુવાર, બાજરી, કપાસ વગેરે થાય છે. ઝીંઝુવાડા નજીકનાં ગામોનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. નજીકના કચ્છના નાના રણપ્રદેશમાંથી વહાણનું લંગર મળી આવ્યું છે. તેથી અગાઉ પ્રાચીન કાળમાં અહીં સમુદ્ર હશે એવું અનુમાન થાય છે. ચુંવાળનો પ્રદેશ તેની નજીક છે. અહીં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, જૈન મંદિરો, રામજીમંદિર અને શિવમંદિર છે. રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાની દીવાલને અડકીને છે.
મડાપોળ દરવાજો, ઝીંઝુવાડા
ગામનો સ્થાપક ઝુંઝો રબારી હતો. દંતકથા પ્રમાણે ઝુંઝાએ કર્ણદેવની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી સિદ્ધરાજનો જન્મ થયો. આ કારણથી સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે. બીજી અનુશ્રુતિ પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું. અહીં સોલંકીકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સીમાના રક્ષણાર્થે વ્યૂહાત્મક દૃષ્ટિએ કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લો ડભોઈના કિલ્લાને મળતો છે. સિંધમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટેના દ્વાર સમાન હોઈ તેનું મહત્ત્વ ઘણું હતું. કિલ્લો સમચોરસ ઘાટનો છે. તેની બાજુઓ ૩/૪ કિમી. લંબાઈની છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારો છે અને ચાર છેડે ચાર બુરજો આવેલા છે. કિલ્લાને ફરતા કુલ ૨૦ બુરજો છે. કોટની દીવાલ સાદી છે પણ પુરદ્વારો સુંદર કોતરકામવાળાં શિલ્પો ધરાવે છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારોમાં દ્વારપાલિકાનાં શિલ્પ લગભગ ૩.૭૫ મી. અને નગરરક્ષક દેવોનાં શિલ્પ ૧.૮૦ મી.થી ૧.૯૫ મી.નાં છે. ચારે પુરદ્વારોનાં અનેક દેવદેવીઓ, અશ્વો અને ગજારૂઢ સ્ત્રીપુરુષોનાં યુગલો, નર્તકો, વાદકો અને મિથુન-શિલ્પો સુંદર કોતરણીયુક્ત છે. રાજગઢી સામેનું તળાવ ધોળકાના મલાવ તળાવને મળતું છે. તે શેષજળતળાવ તરીકે ઓળખાય છે.