જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.
કુમારપાળ દેસાઈ