Categories
વાચન સમૃદ્ધિ

ચોવીસ કલાક પછી

સૂફી ફકીર જુનૈદને એના ગુરુએ એક શિખામણ ગાંઠે બંધાવી. ગુરુએ એને કહ્યું કે ‘કોઈ વ્યક્તિ કશું બોલે, ત્યારે તત્કાળ પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતો નહીં. કોઈ ગુસ્સે થઈને ગમે તેટલા અપશબ્દો કહે, તોપણ તરત એની સામે જવાબ આપવા જઈશ, તો તું તારો વિવેક અને મર્યાદા બંને ખોઈ બેસીશ. આથી ત્વરિત ઉત્તર આપવાને બદલે થોડા સમય પછી ઉત્તર આપજે, કારણ કે ઉત્તર આપવાને માટે આપણા મનને સારાસારનો વિચાર કરવાની પૂરતી તક આપવી જોઈએ.’ એમાં પણ ફકીર જુનૈદને કહ્યું કે, ‘કોઈ તારા પર અત્યંત કોપાયમાન થાય, ખૂબ ગુસ્સે થાય, એનાં ભવાં ચડી જાય, એની આંખો લાલઘૂમ થઈ જાય અને હાથની મુઠ્ઠીઓ વાળીને એ બોલે, ત્યારે પણ તું એના અપશબ્દો, આરોપો કે આક્ષેપોનો તરત ઉત્તર આપવાને બદલે ચોવીસ કલાક બાદ ઉત્તર આપજે.’ પોતાના ગુરુની સલાહ સ્વીકારીને જુનૈદે સાધના કરવા માંડી. એક વાર એના વિરોધીઓએ આવીને એના પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. કેટલાય અણછાજતા આક્ષેપો કર્યા. એનો આશય એટલો હતો કે જુનૈદ ગુસ્સે થાય અને ઉશ્કેરાઈને ફકીરને ન છાજે એવું દુર્વર્તન કરે. આવે સમયે જુનૈદ મૌન રહેતા. ગુરુએ આપેલી શિખામણનું સ્મરણ કરતા અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલા પેલા માણસને કહેતા, ‘ભાઈ, હું તારી સઘળી વાતનો આવતીકાલે જવાબ આપીશ.’ બીજે દિવસે એ વ્યક્તિ ઉત્તર માટે ઉપસ્થિત થતી, ત્યારે જુનૈદ એને એટલું જ કહેતા કે ‘હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી.’ આ જોઈને અપશબ્દો બોલનારી વ્યક્તિ એમને પૂછતી કે, ‘ગઈકાલે મેં તમારા પર ક્રોધ કરીને અપશબ્દોનો મારો વરસાવ્યો, છતાં તમે એના પ્રતિઉત્તર તરીકે કશું ન બોલ્યા. માત્ર મૌન રાખ્યું. તમને હું સમજી શકતો નથી.’ જુનૈદે કહ્યું, ‘મારા ગુરુએ મને સૂચવ્યું છે કે એવી વ્યક્તિ તારા પર ગુસ્સે થાય, તો ચોવીસ કલાક પછી ઉત્તર આપજે. એ દરમિયાન તારા ગુસ્સાના કારણમાં સચ્ચાઈ હોય તો તેને સ્વીકારું છું અને તેં ખોટા ઇરાદાથી ગુસ્સો કર્યો હોય, તો ચોવીસ કલાકમાં ગુસ્સો ઓગળી જતાં ક્ષમા આપું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

મેહદી નવાઝ જંગ

જ. ૧૪ મે, ૧૮૯૪ અ. ૨૩ જૂન, ૧૯૬૭

એક ભારતીય અમલદાર અને નિઝામના શાસન દરમિયાન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સચિવ તેમ જ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એવા મેહદી નવાઝ જંગનો જન્મ હૈદરાબાદના ડેક્કનના દારુલશીફામાં એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૧માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચશિક્ષણ માટે હૈદરાબાદની કૉલેજમાં જોડાયા હતા પરંતુ ટાઇફૉઈડની બીમારીને લીધે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરી વહીવટી તાલીમ લઈ નિઝામ સરકારમાં અમલદાર તરીકે જોડાયા હતા. અડોરી સ્ટેશને મહાત્મા ગાંધીજીનાં દર્શન થતાં તેમના પ્રશંસક બની ગયા હતા. સરકારમાં ખજાનચી તરીકે તથા સ્થાનિક ભંડોળના સેક્રેટરી તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી તેઓ મદદનીશ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. દક્ષિણ ભારતમાં પડેલા કારમા દુષ્કાળ વખતે ૧૯૧૯-૨૦માં હૈદરાબાદ સરકારે દુષ્કાળગ્રસ્ત અધિકારી તરીકે તેમની નિમણૂક કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે એવી ખંતપૂર્વક સેવા કરી કે લોકો એમને ‘મેહદીબાબા’ તરીકે ઓળખવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ સહકારી ક્ષેત્રના નિષ્ણાત વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવમાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રે તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, સહકારી વ્યાપાર નિગમ, માટી રંગાટ તથા ચરખા બનાવવાની સહકારી મંડળીઓ અને ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી. ૧૯૨૬થી ૧૯૩૭ દરમિયાન હૈદરાબાદ સરકારમાં રહસ્યમંત્રી તરીકે નોંધપાત્ર સેવાઓ આપવા બદલ તેમને ‘નવાબ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૪૯માં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ, ધારાસભ્ય બની ૧૯૬૦ સુધી આંધ્રપ્રદેશના જાહેર બાંધકામ અને વીજળી ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. સાત ભાષાના જાણકાર, સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા અને કલાપ્રેમી હોવાથી ભારતીય લલિત કલા એકૅડેમીનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું. અમદાવાદના પાલડીમાં તેમના નામનો હૉલ આજે પણ મોજૂદ છે.

Categories
વાચન સમૃદ્ધિ

સારનાથ

બૌદ્ધો અને જૈનોનું ધાર્મિક સ્થળ. સારનાથ બનારસ(કાશી)થી ૧૩ કિમી. દૂર આવેલું છે. ભગવાન બુદ્ધને ગયામાં જ્ઞાન લાયું. આ જ્ઞાનનો પ્રથમ ધર્મોપદેશ તેમણે સારનાથમાં આપ્યો માટે તે મોટું તીર્થ ગણાયું. તે ઉપરાંત જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ‘ૠષિપત્તન’, ‘મૃગદાવ’ અથવા ‘મૃગદાય’ તરીકે ઓળખાવ્યું છે. અહીં મૂલગંધકુટિ વિહાર નામનો મઠ છે. તેમાં ભગવાનના જીવનપ્રસંગોનાં સુંદર ચિત્રો છે. પીપળાનું બોધિવૃક્ષ છે. એક જૈનમંદિર પણ છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે અહીં ધર્મરાજિકા નામનો સ્તૂપ બંધાવ્યો હતો. અને સિંહશીર્ષ સાથેનો એકાશ્મક સ્તંભ ઊભો કરાવ્યો હતો. ચાર સિંહોની આકૃતિ ધરાવતી આપણા દેશની રાજમુદ્રા આ સ્તંભના શિરોભાગમાંથી લેવામાં આવી છે. કુષાણો તથા ગુપ્તોના સમય દરમિયાન સારનાથમાં ઘણી ધાર્મિક અને કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી યુઅન શ્વાંગે (હ્યુ એન સંગે) સારનાથની મુલાકાત લીધી હતી. પુરાતત્ત્વની દૃષ્ટિએ સારનાથ ઘણું અગત્યનું હોવાથી અહીં જુદા જુદા સમયે ખોદકામ થયાં હતાં.

ધમેખ સ્તૂપ, સારનાથ

સારનાથમાં જોવાલાયક પુરાવશેષોમાં ધમેખનો સ્તૂપ કે ધર્મરાજિક્ સ્તૂપ, મુખ્ય મંદિર અને સિંહ-શિરાવટીવાળા અશોકના શિલાસ્તંભનો સમાવેશ થાય છે. ધમેખના સ્તૂપની બહારનું સુંદર શિલ્પકામ ગુપ્તકાલનું હોવાનું મનાય છે. મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે. કનિંગહામને ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા. તેથી એવું માનવામાં આવે છે કે મૂળ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધર્મરાજિકાનો સ્તૂપ તથા સિંહ-શિરાવટી ધરાવતો એકાશ્મક સ્તંભ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. સિંહોના મસ્તક પર એક વખત ૩૨ આરાવાળું ધર્મચક્ર મૂકેલું હતું, જે હાલ ખંડિત છે. અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં ધર્મરાજિકા સ્તૂપ પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે. દર વર્ષે ઘણા યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સારનાથની મુલાકાતે આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી