Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક કરમિંસહ

જ. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૫ અ. ૨૦ જાન્યુઆરી, ૧૯૯૩

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ બહાદુરીનાં દર્શન કરાવનાર લાન્સ નાયક કરમસિંહનો જન્મ પંજાબના સેહના ગામમાં શીખ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. ગામમાં પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકોની પરાક્રમગાથા સાંભળી તેમણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય કર્યો. ગામમાં શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધમાં બર્મા મોરચે જાપાનીઓ સામેની લડાઈમાં તેમને પગમાં ગોળી વાગી છતાં લડત ચાલુ રાખી. એમની નીડરતા અને બહાદુરીથી પ્રભાવિત થઈ બ્રિટિશ તાજ દ્વારા લશ્કરી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને લાન્સ નાયકના પદ પર બઢતી આપવામાં આવી હતી. ૧૩ ઑક્ટોબર, ૧૯૪૮ના રોજ પાકિસ્તાને તિથવાલના મોરચા પર બ્રિગ્રેડ તૈનાત કરી અને સૈનિકોનું એક જૂથ રિછમાર ગલી મોકલ્યું. સવારે છ વાગ્યે આક્રમણ થયું ત્યારે આગળની હરોળની ખાઈમાં કરમસિંહ સહિત ચાર સૈનિકો જ હતા. તેમ છતાંય તેમણે હુમલો નિષ્ફળ બનાવ્યો. ઉપરાઉપરી હુમલા થતા રહ્યા. કરમસિંહ સાથેના જવાનો ઘાયલ થવાથી બીજી હરોળની ખાઈમાં જવું અનિવાર્ય થયું. ૧૦ વાગ્યે ફરી હુમલો થતાં કરમસિંહ ખાઈ છોડીને બહાર આવ્યા અને ગ્રૅનેડનો મારો ચલાવ્યો. બીજી બાજુ ચોકીનો એક સૈનિક ઘવાયેલા સાથી સૈનિકોને ધીરે ધીરે પાછળની હરોળની ખાઈમાં લઈ ગયો. કરમસિંહ બીજી હરોળમાં પહોંચ્યા ત્યારે તેઓ લોહીથી નીતરતા હતા. રિછમાર ગલીમાં પાકિસ્તાની બ્રિગ્રેડ સામે આપણા ૪૭ જવાનોએ અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. ભારતનો વિજય થયો. કરમસિંહે સમયસૂચકતા વાપરી ઘવાયેલા સાથીઓને બચાવ્યા અને પોતે ઘાયલ હોવા છતાં સૌને પ્રોત્સાહિત કરી પોતે પણ લડતા રહ્યા. કરમસિંહના અજોડ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૯૫૦માં તેમને પરમવીરચક્રથી સન્માનિત કર્યા. પરમવીરચક્રથી સન્માનિત થનાર તેઓ પ્રથમ જીવિત સૈનિક હતા. સ્વતંત્રતા પછી ભારતીય ધ્વજ ફરકાવવા માટે પસંદ કરાયેલા પાંચ સૈનિકોમાંના તેઓ એક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સૌર-ઊર્જા (સોલર ઍનર્જી)

સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા. સૌર-ઊર્જામાં પ્રકાશ, ઉષ્મા તથા વિદ્યુત-ચુંબકીય વિકિરણનાં સ્વરૂપોનો સમાવેશ થાય છે. સૂર્યની મધ્યમાં અવિરતપણે સંલયન(ફ્યૂઝન)ની ન્યૂક્લિયર-પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેમના કારણે વિપુલ ઊર્જાનું ઉત્પાદન થાય છે. આખા વર્ષ દરમિયાન પૃથ્વી પર લોકો જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા સૂર્ય પૃથ્વી પર ફક્ત ૪૦ મિનિટમાં જ આપાત કરે છે. આમ પૃથ્વી ઉપર પહોંચતી સૌર-ઊર્જાનો થોડો ભાગ જ આપણે વાપરીએ છીએ. સૌર-ઊર્જા પૃથ્વીની સપાટી પર પહોંચે તે પહેલાં વાતાવરણમાં પરાવર્તન, પ્રકીર્ણન અને શોષણ દ્વારા ક્ષીણ થાય છે. તેમાંથી પારજાંબલી અને અધોરક્ત ઊર્જાની તીવ્રતા બહુ ઓછી થઈ જાય છે; તેમ છતાં પૃથ્વીની સપાટી પર દર વર્ષે મળતું સૌર-વિકિરણ વિશ્વની ઊર્જા-વપરાશ કરતાં ૧૦,૦૦૦-ગણું વધારે હોય છે. સૌર-ઊર્જામાંથી ઉષ્મા પ્રાપ્ત કરી તે ઉષ્માનો  ઉદ્યોગો અને ઘરવપરાશ માટે પ્રાયોગિક ધોરણે ઉપયોગ થાય છે. હરિત ગૃહો(green house)માં સૂર્યની ઉષ્માનો વપરાશ થાય છે. મકાનની અગાસી કે છાપરા પર સોલર પૅનલો મૂકી તેમાં પાણીની નળીઓમાં સૂર્યની ગરમી શોષી લેવાય છે. ગરમ પાણીનો પાણીની ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે.

સોલર પ્લાન્ટ દ્વારા સૌર-ઊર્જાનું ઉત્પાદન

ક્યારેક સૂર્ય-ભઠ્ઠીમાં સૂર્યની ગરમીને વિદ્યુતમાં ફેરવાય છે. વક્ર અરીસાનો ઉપયોગ કરી સૂર્યની ગરમીથી વિદ્યુત-ભઠ્ઠીમાં પાણીને વરાળમાં ફેરવાય છે. તે વરાળથી વીજળીઘરમાં ટર્બાઇન ફેરવી વિદ્યુતનું ઉત્પાદન કરાય છે. સૌર-વીજકોષ દ્વારા સીધી રીતે પણ વીજપ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. સૌર-વીજકોષ અતિ શુદ્ધ સિલિકોનની પાતળી પટ્ટીઓથી બનાવવામાં આવે છે. સિલિકોન રેતીમાંથી મળી આવે છે. બે જુદા પ્રકારની સિલિકોનની પટ્ટીઓ પર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ રીતે ખૂબ અલ્પ પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, પણ  જ્યારે આવા અનેક વિદ્યુતકોષ હારોહાર લગાડ્યા હોય ત્યારે તેમાંથી ખાસી મોટી માત્રામાં વિદ્યુત પેદા થાય છે. સૌર-વિદ્યુતકોષ હાલમાં બનાવવા ઘણા ખર્ચાળ છે, પણ હવે ધીમે ધીમે તેનું ઉત્પાદન ઓછી કિંમતમાં થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અવકાશમાં ઊડતાં અવકાશયાનનાં મોટાં પાંખિયાંઓ પર સૌર-કોષવાળી પૅનલો લગાડવામાં આવે છે. જેના વડે વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન થાય છે અને તેની મદદથી અવકાશયાનો ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ સૌર-ઊર્જા, પૃ. ૫૩)

Categories
વાચન સમૃદ્ધિ

રામ જેઠમલાની

જ. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯

સુપ્રસિદ્ધ ભારતીય વકીલ અને રાજનીતિજ્ઞ રામ જેઠમલાનીનો જન્મ બ્રિટિશ ભારતના શિકારપુર શહેરમાં (જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ છે) થયો હતો. તેમનું મૂળ નામ રામમૂલચન્દ જેઠમલાની હતું પણ બાળપણમાં રામ નામથી બોલાવતા હોવાથી આગળ જતાં પણ તે જ નામથી મશહૂર થયા. શિક્ષણમાં તેજસ્વી હોવાથી બે-બે ધોરણો એકસાથે પાસ કરી ૧૩ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી હતી. ૧૭ વર્ષની વયે એલએલ.બી.ની ઉપાધિ પણ મેળવી લીધી પણ તે સમયે ૨૧ વર્ષની ઉંમરે જ વકીલાત કરી શકાય તેવો નિયમ હતો. આમ છતાં ખાસ વિશેષ પ્રસ્તાવ પાસ કરી તેમને ૧૮ વર્ષની ઉંમરે વકીલાત કરવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કરાંચીની એસ. સી. સાહની કૉલેજમાંથી તેમણે એલએલ.એમ.ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૪માં તેઓએ મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ‘વેઈન સ્ટેટ યુનિવર્સિટી’માં ‘કમ્પેરીટિવ લૉ’ના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ એક સારા રાજકારણી હોવાના નાતે છઠ્ઠી અને સાતમી લોકસભામાં મુંબઈમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓએ અટલબિહારી બાજપાયીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી, શહેરી વિકાસમંત્રી અને ન્યાયમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પણ એક વિવાદાસ્પદ કથનને લીધે મતભેદ થયા. ૨૦૦૪માં લખનઉની લોકસભા માટે તેઓ વાજપેયીની સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી. ૧૯૯૬માં તેઓ ‘ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા હતા. ત્યારબાદ ૭મી મે, ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ભાજપમાં પાછા ફર્યા.  તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘બીગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કોન્ફ્લિક્ટ ઑફ લૉઝ’ (૧૯૫૫), ‘કોન્સિયન્સ ઑફ અ મેવરીક’, ‘જસ્ટિસ : સોવિયેટ સ્ટાઇલ’, ‘મેવરીક : અનચેન્જડ્, અનરીપેન્ટન્ટ’. આ ઉપરાંત બીજા લેખકોના સહયોગમાં પણ તેમણે બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમના ન્યાયશાસ્ત્રના પ્રદાન માટે તેમને ‘ઇન્ટરનેશનલ જ્યૂરિસ્ટ ઍવૉર્ડ’,  ‘૧૯૭૭ – હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ બાય વર્લ્ડ પીસ થ્રૂ લૉ’ એનાયત થયા છે.