Categories
વાચન સમૃદ્ધિ

સરતચંદ્ર બોઝ

જ. ૬ સપ્ટેમ્બર, ૧૮૮૯ અ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦

પ્રતિષ્ઠિત વકીલ, સ્વાતંત્ર્યસંગ્રામના સક્રિય કાર્યકર અને રાજકીય નેતા સરતચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના સુટ્ટક ગામમાં કુલીન કાયસ્થ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ જાનકીનાથ અને માતાનું નામ પ્રભાવતીદેવી. નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના ભાઈ થાય. વીસ વર્ષની વયે તેમનાં લગ્ન બિવાવતી ડે સાથે થયાં હતાં. પ્રેસિડન્સી કૉલેજ, સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૧૧માં બૅરિસ્ટર થયા. તેમણે છોટા નાગપુરના આદિવાસી લોકોના અધિકારો માટે કામ કર્યું હતું. ભારતમાં આવ્યા બાદ તેમની વકીલાત ધમધોકાર ચાલતી હતી, પણ પછી તેઓ સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ થયા. ૧૯૩૬થી ૧૯૪૭ સુધી તેમણે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે સેવા આપી. ચળવળ દરમિયાન તેમને પકડવામાં આવ્યા. જેલનિવાસ દરમિયાન તેમની તબિયત બગડી. ચાર વર્ષના જેલવાસ બાદ ૧૯૪૫ના સપ્ટેમ્બરમાં તેમને છોડવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલાવવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય સેનાનું સમર્થન કર્યું અને તેના સૈનિકોના પરિવારોને સહાયતા કરવાના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું. ૧૯૪૬ અને ૧૯૪૭ સુધી અંતરિમ સરકારમાં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં પણ ભાગ લીધો હતો. ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ૬૦ વર્ષની વયે કૉલકાતામાં તેમનું અવસાન થયું. કૉલકાતા હાઈકોર્ટના પ્રાંગણમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ધર્મ દીવાલ નથી, દ્વાર છે

ધર્મને મુક્તિનું દ્વાર બનાવવાને બદલે બાહ્યાડંબરની દીવાલ બનાવી દીધો છે. જ્યાં મુક્ત ગગનમાં વિહરવાની પાંખો હોવી જોઈએ, ત્યાં ઘરની ચાર દીવાલને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે. પુષ્પોથી સજાવવામાં આવે છે. એના પર કમનીય કલાકૃતિઓ મૂકવામાં આવે છે, પરંતુ આવી બાહ્ય ઉપાસનામાં ધર્મ સીમિત થઈ જાય છે અને પછી દીવાલને જોનારો જીવનભર એ દીવાલની પૂજા, પ્રતિષ્ઠા અને એના પર સતત અનુષ્ઠાન કર્યા  કરે છે. સમય જતાં ઇમારત ભુલાઈ જાય છે અને દીવાલની ઈંટોની પૂજા થાય છે. આચરણ અને અપરિગ્રહ વિસરાઈ જાય છે અને ધનવૈભવ અને પરિગ્રહની પ્રશસ્તિ રચાય છે. ધર્મનું દ્વાર તો મુક્તિનું દ્વાર છે. એની પાસે પ્રેમનું જગત અને મૈત્રીનું આકાશ છે, પરંતુ ધર્મ જો દ્વારને બદલે દીવાલ બની જાય તો એમાં અવરોધ આવશે અને એ અવરોધને કારણે પ્રગતિ અટકી જશે. જો એ દીવાલ બને તો એમાં જડતા આવશે અને જડતાને કારણે બાહ્ય ક્રિયાકાંડો વધતાં જશે અને આંતરિક શૂન્યતા સર્જાતી જશે. ધર્મ જો દીવાલ બને તો સાધકના જીવનમાં વ્યર્થતા આવશે, કારણ કે એને  ક્યાંયથી નવો પ્રકાશ નહીં મળે અને સમય જતાં ધર્મને દીવાલ બનાવનારા એને દુકાન બનાવી દેશે. ધર્મ એ તો દ્વાર છે, જેમાં સાધક વિરાટ ગગનને આલિંગન કરે છે. હસતી પ્રકૃતિને પોતાના સાથમાં લે છે અને એમાંથી પ્રેમ, મૈત્રી અને કરુણા પ્રગટાવે છે. મહાવીર હોય કે બુદ્ધ, રામ હોય કે કૃષ્ણ – કોઈનાય જીવનમાં ધર્મ અવરોધરૂપ બન્યો નથી, બલકે ધર્મના દ્વારેથી સાધનાના માર્ગે નીકળીને એણે માનવીને સર્વોચ્ચ લક્ષની ઝાંખી કરાવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

આનંદ ચંદ્ર અગ્રવાલ

જ. ૫ સપ્ટેમ્બર, ૧૮૭૪ અ. ૧૯૪૦

આનંદ ચંદ્ર અગ્રવાલ અસમના વિશ્વનાથ જિલ્લાના લેખક, કવિ, ઇતિહાસકાર, અનુવાદક અને વહીવટી અધિકારી હતા. સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણમાં ઊછરેલા આનંદ ચંદ્ર અગ્રવાલનાં માતા તેમનાં મૂળ ગુરુ હતાં. તેઓ ૧૯૩૪માં મંગળદોઈ ખાતે આયોજિત અસમ સાહિત્ય સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આનંદ ચંદ્રના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘જિલિકાની’ હતું. તેઓ મૂળ કાવ્યની સુંદરતાને નુકસાન પહોંચાડ્યા વિના શુદ્ધ અસમિયા ભાષાનો ઉપયોગ કરીને કવિતાઓને તોડતા હતા. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘જિલિકાની’માં પણ આવી ઘણી કવિતાઓ હતી. વિદેશી કવિતાના અનુવાદમાં મૂળ કાવ્યને સુંદર બનાવવાર અગ્રવાલને અસમિયા સાહિત્યમાં ‘ભંગોની કુંવર’ તરીકે ઓળખવામાં આવે છે. અગ્રવાલે ૧૯૧૦માં બે પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરેલાં જેનો ઉપયોગ અસમિયા ભાષા શીખવા માટે થાય છે. તેઓ આધ્યાત્મિક લેખો પણ લખતા હતા. તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ત્યારે સિલચર, ગુવાહાટી, દિબ્રૂગઢ જેવી જગ્યાઓમાં રહ્યા હતા. તેમણે ૧૯૦૬માં પોલીસો માટે અંગ્રેજી ભાષામાં ‘પોલીસ મેન્યુઅલ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત ‘એન એકાઉન્ટ ઑફ આસામ’, ‘આસપૅક્ટ ઑફ હિસ્ટરી ઍન્ડ કલ્ચર’ જેવાં ઇતિહાસનાં પુસ્તકો પણ તેમની પાસેથી મળે છે. બ્રિટિશ સરકારે તેમને રાયબહાદુરનું બિરુદ આપ્યું હતું. આનંદ ચંદ્ર અગ્રવાલ  અસમના જાણીતા કવિ ચંદ્રકુમાર અગ્રવાલના ભાઈ અને કવિ, નાટ્યકાર, સંગીતકાર, ગીતકાર, લેખક અને પ્રથમ અસમના ફિલ્મનિર્માતા જ્યોતિ પ્રસાદ અગ્રવાલના કાકા હતા.