Categories
વાચન સમૃદ્ધિ

હંમેશાં તારાને જુઓ

બિગબૅંગ (મહાવિસ્ફોટ) જેવા બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓનો અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સ્ટિફન હૉકિંગના બાપદાદાનો વ્યવસાય તો ખેતીનો હતો. આર્થિક હાલત પણ સારી નહોતી. વળી નાના કદ અને સંકોચશીલ સ્વભાવને કારણે હૉકિંગે નિશાળ બદલી નાખી. મોર્ટર ન્યૂરોન ડિસિઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લેટર સ્કલેરોસિસ (ALS) રોગના જીવલેણ હુમલાને કારણે લગભગ બધાં અંગો લકવાગ્રસ્ત થવા છતાં હિંમત હાર્યા નહીં. એમની વિદ્યોપાસના અને સંશોધનવૃત્તિ અવિરત ચાલતી રહી. ન્યુમોનિયામાં પટકાયા બાદ શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થતાં ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થયું અને વાચા પણ ચાલી ગઈ, પણ મજબૂત મનોબળ દ્વારા એમણે એમનાં સંશોધનો ચાલુ રાખ્યાં. બ્રહ્માંડના અંતિમ રહસ્યની સતત ખોજ કરતા રહ્યા, એથીય વિશેષ એક તાત્વિક વિચારક તરીકે જગતના ભાવિની ચિંતા કરતા રહ્યા અને એકવીસમા વર્ષે ભયાનક બીમારી થવા છતાં આજે સમગ્ર વિશ્વમાં મહાન વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા. છેલ્લા બે દાયકાથી વ્હીલચૅરમાં જીવતા અને અનેક શારીરિક મર્યાદાઓ ધરાવતા સ્ટિફન હૉકિંગ પોતાની વિકલાંગતા માટે એ સંજોગો, શરીર કે નિયતિને દોષ આપતા નથી. એ કહે છે કે બધી જ ચીજો નિશ્ચિત જ હોય, તો આપણે કશું બદલી શકીએ નહીં. નસીબમાં માનનાર માનવી પણ રસ્તો ક્રૉસ કરતી વખતે આવતાં-જતાં વાહનોને જુએ છે. જીવનને પૂરેપૂરું જીવવાની કોશિશ કરતાં સ્ટિફન હૉકિંગ પોતાનાં સંતાનો રોબર્ટ, લ્યુસી અને ટિમ્મીને કહે છે કે, ‘હંમેશાં તારાને જુઓ, પગને નહીં. હું આખી દુનિયા ઘૂમી વળ્યો છું, એન્ટાકર્ટિકથી લઈને છેક ઝીરો ગ્રૅવિટી સુધી. કામથી ભાગો નહીં, કારણ કે કામ જ જીવનને અર્થ અને ઉદ્દેશ આપે છે. જિંદગીમાં જો પ્રેમ મળતો હોય તો તેનો આદર કરો, કારણ કે આ પૃથ્વી પર જ એ સંભવ છે.’

Categories
વાચન સમૃદ્ધિ

લવકુમાર ખાચર

જ. 24 ફેબ્રુઆરી, 1930 અ. 2 માર્ચ, 2015

પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનાર પક્ષીશાસ્ત્રી લવકુમાર ખાચરનો જન્મ જસદણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ હિંગોળગઢના પ્રાકૃતિક વાતાવરણમાં વીત્યું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ  મેળવી સેન્ટ લુઇસ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી બી.એસસી. કર્યું. તેમણે 1956માં રાજકુમાર કૉલેજમાં અધ્યાપન કર્યું હતું. તેમણે યુવાનો પ્રકૃતિસંરક્ષણમાં જોડાય એ માટે પ્રયત્નો કર્યા. તેમણે નેચરક્લબ અને કૅમ્પિંગની શરૂઆત કરી. તેઓ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF), ભારત સાથે જોડાયેલા હતા. તેમને વન્યજીવનના શિક્ષણ માટે WWF તરફથી અનુદાન પ્રાપ્ત થયું હતું. તેમણે 1984માં નેચર ડિસ્ક્વરી સેન્ટરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદના સુંદરવનના વિકાસમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેમણે ગીરના અભયારણ્યમાં વન્યજીવનના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું. ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક અને ધ મરીન નૅશનલ પાર્ક એમ બે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમણે બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી જેવી અન્ય સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગીરના જંગલમાં સર્વેક્ષણો કરી પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું. યુવાનો અને સાહસિકો માટે આઉટડોર સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ‘બેક ટુ નેચર’ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ‘હીંગોળગઢ નેચર કન્ઝર્વેશન એજ્યુકેશન સેન્ચ્યુરી’ના સ્થાપક હતા તેમજ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય હતા. તેમણે કે. એસ. ધર્મકુમારસિંહજી સાથે ‘સિક્સ્ટી ઇન્ડિયન બર્ડઝ’ પુસ્તક લખ્યું હતું. WWF – ભારત માટે નેચર કૅમ્પ શરૂ કરવા અને વિકસાવવા માટે પ્રિન્સ ફિલિપ તરફથી તેમને પ્રમાણપત્ર મળ્યું હતું. 2004માં તેમને વેણુ મેનન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, દિલ્હી બર્ડ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને સલીમ અલી – લોક વાન થો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અખાત્રીજ

વૈશાખ સુદ ત્રીજની પવિત્ર મનાતી તિથિ – અક્ષયતૃતીયા.

અખાત્રીજને વણજોયું શુભ મુહૂર્ત લેખવામાં આવે છે; તેથી તે દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરાય તો તેમાં ફતેહ મળે તેવી શ્રદ્ધા લોકોમાં વ્યાપકપણે જોવા મળે છે. ‘અક્ષય’ એટલે ‘જેનો ક્ષય ન થાય તે’. આથી આ દિવસે શરૂ કરેલ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે એવી માન્યતા છે. તે દિવસે કરેલ દાન લેખે લાગે છે. તે દિવસે અનેક લોકો ‘પોતાની સમૃદ્ધિ વધશે’ તેવી ભાવનાથી સોનું કે તેનાં ઘરેણાં ખરીદે છે. અખાત્રીજને દિવસે જો રોહિણી નક્ષત્ર અને સોમવાર હોય તો તે વધુ શુભ ગણાય છે. આ દિવસે ઘણાં નવયુગલો લગ્નગ્રંથિથી બંધાય છે. હિંદુ અને જૈન કૅલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોય છે; તેથી તેમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય તો કોઈની વૃદ્ધિ પણ થાય છે; પરંતુ ‘અક્ષયતૃતીયા’ માટે વૈશાખ સુદ ત્રીજનો દિવસ નિયત જ રહે છે.

લક્ષ્મીજીનો સિક્કો, ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે.

પુરાણોમાં અખાત્રીજનો વિવિધ સંદર્ભોમાં ઉલ્લેખ છે. આ શુભ દિવસે વેદવ્યાસે ગણપતિ પાસે મહાભારત જેવો પવિત્ર ગ્રંથ લખાવવાની શરૂઆત કરી હતી. દ્રૌપદીનું ચીર-હરણ, યુધિષ્ઠિરને થયેલ અક્ષયપાત્રની પ્રાપ્તિ અને દ્વારિકામાં સુદામા-કૃષ્ણનું મિલન અને તે પછી તાંદુલ આરોગ્યા બાદ કૃષ્ણ દ્વારા સુદામાની ગરીબાઈનું નિવારણ – આ બધા પ્રસંગો પણ આજ દિવસે બન્યાનું નોંધાયું છે. ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે. વળી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની તથા દેવી અન્નપૂર્ણાની જન્મજયંતી આ દિવસે આવે છે. શંકર ભગવાનની કૃપાથી કુબેર અખાત્રીજના દિવસથી દેવોનો ખજાનચી બન્યો હતો. આથી કુબેરના, લક્ષ્મીયંત્રના પૂજનનું આ દિવસે મહત્ત્વ છે. પવિત્ર ગંગા નદીનું સ્વર્ગમાંથી અવતરણ પણ આ દિવસે થયું હતું. ત્રેતાયુગનો પ્રારંભ પણ આ દિવસથી થયો હતો. ચારધામની યાત્રા પણ દર વર્ષે આ દિવસથી શરૂ કરાતી હોય છે.

અખાત્રીજથી રથયાત્રાના રથ બનાવવાનું કામ પણ શરૂ થાય છે. બંગાળમાં આ દિવસે ગણેશ અને લક્ષ્મીદેવીની પૂજા કરી નવા ચોપડા લખવાની શરૂઆત કરાય છે. આ દિવસે ખેડૂતો (જેમ કે, ઓડિશાના, જાટ જાતિના વગેરે) ખેતીની શરૂઆત કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અખાત્રીજ, પૃ. 8)