Categories
વાચન સમૃદ્ધિ

સ્વામી વિદ્યાપ્રકાશાનંદ ગિરિ

જ. 13 એપ્રિલ, 1914 અ. 10 એપ્રિલ, 1998

વેદાંતભેરીના સ્થાપક, મલયાલ સ્વામીના શિષ્ય અને આધ્યાત્મિક ગુરુ વિદ્યાપ્રકાશાનંદ ગિરિનો જન્મ મછલીપટ્ટનમ્ માં થયો હતો. પિતા આનંદમોહન અને માતા સુશીલા. તેમણે 13 વર્ષની ઉંમરે વિજયવાડામાં મૅટ્રિક પૂર્ણ કર્યું. 1933માં મછલીપટ્ટનમ્ ની નોબલ કૉલેજમાંથી બી.એ. થયા. વારાણસી જઈને હિન્દી વિદ્યાપીઠમાંથી કોવિદની પદવી મેળવી. એક દિવસ તેઓ ગંગાસ્નાન કરતા હતા ત્યારે તેમને તાડના પાંદડા પર લખેલું શ્રીમદ્ ભગવદ્ગીતાનું પુસ્તક મળ્યું. આ ઘટનાએ તેમને ગીતાનો ઉપદેશ આપવા પ્રેરણા આપી. 17 મે, 1936ના રોજ તેઓ ગુરુ મલયાલ સ્વામીના યેરેપડુના વ્યાસાશ્રમમાં ગયા. બાર વર્ષ સુધી કાચું અન્ન ગ્રહણ કર્યું અને એક વર્ષ મૌન રહી તપસ્યા કરી. 3 જુલાઈ, 1947ના રોજ મલયાલ સ્વામી દ્વારા દીક્ષા આપવામાં આવી અને વિદ્યાપ્રકાશાનંદ ગિરિ સ્વામી નામ ધારણ કર્યું. તેમણે શ્રીકાલાહસ્તીમાં સ્વર્ણામુખી નદીના કિનારે 20 જાન્યુઆરી, 1950ના રોજ શ્રી શુકબ્રહ્માશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં આધ્યાત્મિકતાની સાથે સામાજિક સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી. તેમણે જરૂરિયાતમંદો માટે મફત ઑપરેશન કરાવ્યાં. 1966માં પ્રથમ સરકારી ડિગ્રી અને 1982માં કન્યાઓ માટે જુનિયર કૉલેજ શરૂ કરાવી. આ કૉલેજોનાં નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યાં છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ‘ગીતા મકરંડમ્’ નામનું ભાષ્ય તેલુગુમાં લખ્યું. આ ભાષ્યનું તમિળ, કન્નડ, અંગ્રેજી, હિન્દી, વગેરે ભાષામાં ભાષાંતર થયું છે. તેમણે ‘યોગવશિષ્ઠ’ પુસ્તકનો તેલુગુમાં અનુવાદ કર્યો. ‘ધમ્મપદ’નો હિન્દીમાંથી સંસ્કૃત અને તેલુગુમાં અનુવાદ કર્યો. તેમણે સ્વામી નિર્વિકલ્પાનંદ સાથે `વશિષ્ઠ રામ સંવાદ’ લખ્યું જે શ્રી રામકૃષ્ણ મઠ, હૈદરાબાદે પ્રકાશિત કર્યું છે. તેમના ગીતા પરનાં પ્રવચનોની કૅસેટ્સ-સીડી બહાર પાડવામાં આવી છે. તેઓ 1956થી શ્રી સનાતન વેદાંત સભાના પ્રમુખ હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અશ્મિલ (Fossils)

કોઈ કુદરતી ઘટનાને પરિણામે સચવાઈ રહેલા પ્રાચીન કાળના પ્રાણી કે વનસ્પતિના નિશાનીરૂપ અવશેષો. તે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર ઉદ્ભવેલા જીવન વિશેની માહિતી આપે છે. ૪૦૦ કરોડ વર્ષો પહેલાંનું, જૂનામાં જૂનું બૅક્ટેરિયાનું અશ્મિલ મળી આવ્યું છે. દુનિયાના દરેક ભાગમાંથી – વિશેષે જળકૃત ખડકોમાંથી – અશ્મિલ મળી આવે છે. સામાન્ય રીતે પ્રાણી મરી જાય તે પછી તેનું શરીર ધીમે ધીમે કોહવાઈને નષ્ટ પામે છે અને તેનો કોઈ અવશેષ કે નિશાની રહેતાં નથી; પણ ઘણી વાર પ્રાણી મરી ગયા પછી તરત જ તે સમુદ્રને તળિયે કે બરફમાં કે રેતીમાં દટાઈ જાય છે. તેનું અશ્મિલમાં રૂપાંતર થાય છે. એવું બને કે પ્રાણી સમુદ્રના તળિયે ડૂબ્યું હોય અને તેના ઉપર કાંપ, રેતી અને કાદવના થર પથરાયા હોય. આવા થરોથી કાળક્રમે જળકૃત ખડકો બને છે. આની અંદર ભીંસાયેલાં પ્રાણીનાં શંખ, છીપ કે હાડકાં જેવા કઠણ ભાગોનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે.

ખડકોમાં મળી આવેલાં પ્રાણી અને ડાઈનોસૉરના પંજાનાં અશ્મિલ

કેટલીક વાર નાનું જંતુ (જેમ કે કરોળિયો) ઝાડમાંથી નીકળતા રસ(એમ્બર)માં ઝડપાઈ જાય છે અને તે રસ કઠણ થઈ જતાં અંદરના જંતુનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે અને તે રસના ટીપામાં વૈજ્ઞાનિક માહિતીનો રસપ્રદ ખજાનો સચવાઈ જાય છે. કેટલીક વાર બરફથી છવાયેલા પહાડોમાં મનુષ્ય કે મનુષ્યેતર પ્રાણી દટાઈ જાય છે અને તેનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે. આવી રીતે સાઇબીરિયામાંથી મેમથ નામની લુપ્ત થઈ ગયેલી જાતિના હાથીનું અશ્મિલ રૂપ મળી આવ્યું હતું. હિમાલયના પર્વત-વિસ્તારમાંથી મળી આવતાં દરિયાઈ પ્રાણીઓનાં અશ્મિલ ઉપરથી એક સમયે ત્યાં દરિયો હશે એવું અનુમાન કરવામાં આવે છે. જર્મનીમાંથી પક્ષીનું એક એવું અશ્મિલ મળી આવ્યું છે જેને પાંખ, તેની સાથેનાં આંગળાં અને જડબા સાથેના દાંત છે. આ અશ્મિલના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું છે કે આ પક્ષીઓ ડાયનોસૉરથી ઊતરી આવ્યાં છે. આ અશ્મીભૂત પ્રાણીને આર્કિયૉપ્ટેરિસ તરીકે ઓળખવામાં આવે છે, તે ડાયનોસૉર અને પક્ષી વચ્ચેના જીવનની અગત્યની કડી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-1 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અમીર ખાં

જ. 12 એપ્રિલ, 1912 અ. 13 ફેબ્રુઆરી, 1974

ઇન્દોર ઘરાનાનો આરંભ કરનાર. ઉસ્તાદ અમીર ખાંના  પિતા શાહમીર ખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમના દાદા બહાદુર શાહ ઝફરના દરબારમાં ગાતા. શરૂઆતમાં પિતાએ તેમને સારંગી શીખવા પ્રેર્યા, પણ અમીર ખાંએ કંઠ્ય સંગીતમાં જ રુચિ દાખવી. સ્વયં શિક્ષિત સંગીતકાર તરીકે તેમણે પોતાની આગવી ગાયકીને વિકસાવી. અમીર ખાંએ કંઠને એટલો કેળવ્યો હતો કે તે તેમનો અવાજ ત્રણેય સપ્તક સુધી આસાનીથી પહોંચી શકતો. તેમણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંગીતની મહેફિલમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની ગાયકીમાં વિલંબિત લયગાનમાં અબ્દુલ વહીદ ખાન, તાન ગાયનમાં રજબ અલી ખાન અને મેરુખંડ અલંકારમાં અમન અલી ખાનનો ખૂબ પ્રભાવ રહ્યો. તેમનો પ્રથમ કાર્યક્રમ ઑલ ઇન્ડિયા રેડિયોના કલકત્તા કેન્દ્ર પરથી પ્રસારિત થયો હતો. વિલંબિત ઝૂમરા તાલ અને ખયાલ ગાયકી તેમને ખૂબ પસંદ હતાં. ઠૂમરી અને તરાના ગાયનમાં પ્રવીણ હોવા છતાં તેની રજૂઆત ઓછી કરતા.  તેમની ગાયકીમાં ગમકની કોમળતા, અલગ અલગ રીતે તાનોની ચોટદાર રજૂઆત, કણ સ્વરનો પ્રયોગ, બંદિશના શબ્દોની સ્પષ્ટતા દેખાઈ આવતી. ‘સૂર રંગ’ નામથી ઓળખાતા ઉસ્તાદ અમીર ખાં સાહેબની પાંચ એલ.પી. રેકૉર્ડ છે, જેમાં તેમના પ્રિય રાગો દરબારી કાનડા, કલ્યાણ, તોડી, મારવા ઉપરાંત દેશ, માલકોશ, લલિત વગેરેનો સમાવેશ થયો છે. અમીર ખાંસાહેબે પાર્શ્વગાયક તરીકે ‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘બૈજુ બાવરા’ જેવા ચલચિત્રોમાં પોતાની સંગીતકલાનો પરિચય આપ્યો છે. તેઓનો પ્રયત્ન હંમેશાં એવો રહ્યો કે રાગની ખૂબસૂરતીને યથાવત્ રાખીને લોકપ્રિય અને આત્મિક સંગીત બને. સંગીતની પવિત્રતાને તે હંમેશાં વળગી રહ્યા. તેમના શિષ્યોમાં અમરનાથ, આચાર્ય મુકુંદ ગોસ્વામી, એ. કાનન, હૃદયનાથ મંગેશકર વગેરે ઉલ્લેખનીય છે. તેમની ગાયકીએ પન્નાલાલ ઘોષ, પ્રભા અત્રે, અજય ચક્રવર્તી, નિખિલ બેનરજી વગેરે જેવા ઘણા કલાકારોને પ્રભાવિત કર્યા અને પ્રેરણા આપી. 1967માં સંગીત નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી તથા 1971માં ભારત સરકારે પદ્મભૂષણનો ખિતાબ એનાયત કરી બહુમાન કર્યું હતું.