Categories
વાચન સમૃદ્ધિ

મારિયા બિસ્લાવા અન્ના સિમ્બોસકા

જ. 2 જુલાઈ, 1923 અ. 1 ફેબ્રુઆરી, 2012

મારિયા પોલિશ ભાષાના કવયિત્રી અનુવાદક અને 1996ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા હતાં. મારિયાના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્વાને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન બાદ 1924માં તેઓ તોરુન આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યાં. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તેઓની ઓળખ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. તેમના સાહિત્યનું ઘણી યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ સાથે અરેબિક, હિબ્રૂ, જાપાનીઝ, પર્શિયન અને ચાયનીઝ ભાષાઓમાં પણ ભાષાંતર પામ્યું છે. જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનો અભ્યાસ ભૂગર્ભ વર્ગોમાં ચાલુ રાખ્યો. 1943 સુધી તેમણે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી. જેથી તેમને બળજબરીપૂર્વક જર્મની ધકેલી ન દેવામાં આવે. આ સમયમાં તેમણે અંગ્રેજી પાઠ્યપુસ્તક માટેનાં ચિત્રો દોરી એક કલાકારની કામગીરી બજાવી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ, 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં. 1954માં તેમણે છૂટાછેડા લીધા, પરંતુ આદમની ઘણી સંભાળ રાખતાં હતાં. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમની સાહિત્યની સફર શરૂ થઈ. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં. 1954માં ક્રેકોવ શહેરનું સાહિત્ય માટેનું પારિતોષિક, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991 ગોએથે પ્રાઇઝ, 1996માં પોલિશ પેન ક્લબ પ્રાઇઝ, 1996માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફોર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટસ અને 2011માં ઑર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઇગલ મળ્યા. આ ઉપરાંત ‘વિસ્લાવા સિમ્બૉર્સ્કા ઍવૉર્ડ’ મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અમીર ખાં

જ. 12 એપ્રિલ, 1912 અ. 13 ફેબ્રુઆરી, 1974

ઇન્દોર ઘરાનાનો આરંભ કરનાર. ઉસ્તાદ અમીર ખાંના  પિતા શાહમીર ખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમના દાદા બહાદુર શાહ ઝફરના દરબારમાં ગાતા. શરૂઆતમાં પિતાએ તેમને સારંગી શીખવા પ્રેર્યા, પણ અમીર ખાંએ કંઠ્ય સંગીતમાં જ રુચિ દાખવી. સ્વયં શિક્ષિત સંગીતકાર તરીકે તેમણે પોતાની આગવી ગાયકીને વિકસાવી. અમીર ખાંએ કંઠને એટલો કેળવ્યો હતો કે તે તેમનો અવાજ ત્રણેય સપ્તક સુધી આસાનીથી પહોંચી શકતો. તેમણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંગીતની મહેફિલમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની ગાયકીમાં વિલંબિત લયગાનમાં અબ્દુલ વહીદ ખાન, તાન ગાયનમાં રજબ અલી ખાન અને મેરુખંડ અલંકારમાં અમન અલી ખાનનો ખૂબ પ્રભાવ રહ્યો. તેમનો પ્રથમ કાર્યક્રમ ઑલ ઇન્ડિયા રેડિયોના કલકત્તા કેન્દ્ર પરથી પ્રસારિત થયો હતો. વિલંબિત ઝૂમરા તાલ અને ખયાલ ગાયકી તેમને ખૂબ પસંદ હતાં. ઠૂમરી અને તરાના ગાયનમાં પ્રવીણ હોવા છતાં તેની રજૂઆત ઓછી કરતા.  તેમની ગાયકીમાં ગમકની કોમળતા, અલગ અલગ રીતે તાનોની ચોટદાર રજૂઆત, કણ સ્વરનો પ્રયોગ, બંદિશના શબ્દોની સ્પષ્ટતા દેખાઈ આવતી. ‘સૂર રંગ’ નામથી ઓળખાતા ઉસ્તાદ અમીર ખાં સાહેબની પાંચ એલ.પી. રેકૉર્ડ છે, જેમાં તેમના પ્રિય રાગો દરબારી કાનડા, કલ્યાણ, તોડી, મારવા ઉપરાંત દેશ, માલકોશ, લલિત વગેરેનો સમાવેશ થયો છે. અમીર ખાંસાહેબે પાર્શ્વગાયક તરીકે ‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘બૈજુ બાવરા’ જેવા ચલચિત્રોમાં પોતાની સંગીતકલાનો પરિચય આપ્યો છે. તેઓનો પ્રયત્ન હંમેશાં એવો રહ્યો કે રાગની ખૂબસૂરતીને યથાવત્ રાખીને લોકપ્રિય અને આત્મિક સંગીત બને. સંગીતની પવિત્રતાને તે હંમેશાં વળગી રહ્યા. તેમના શિષ્યોમાં અમરનાથ, આચાર્ય મુકુંદ ગોસ્વામી, એ. કાનન, હૃદયનાથ મંગેશકર વગેરે ઉલ્લેખનીય છે. તેમની ગાયકીએ પન્નાલાલ ઘોષ, પ્રભા અત્રે, અજય ચક્રવર્તી, નિખિલ બેનરજી વગેરે જેવા ઘણા કલાકારોને પ્રભાવિત કર્યા અને પ્રેરણા આપી. 1967માં સંગીત નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી તથા 1971માં ભારત સરકારે પદ્મભૂષણનો ખિતાબ એનાયત કરી બહુમાન કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

કસ્તૂરબા

જ. 11 એપ્રિલ, 1869 અ. 22 ફેબ્રુઆરી, 1944

ગાંધીજીનાં પત્ની, વિનમ્ર છતાં મક્કમ સ્વાતંત્ર્યસેનાની કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો. પિતા ગોકુળદાસ કાપડિયા અને માતા વ્રજકુંવરબા. સાત વર્ષની ઉંમરે તેમની સગાઈ મોહનદાસ ગાંધી સાથે થઈ અને તેર વર્ષે લગ્ન થયાં. તેમણે આજીવન ગાંધીજીને સાથ અને હૂંફ આપ્યાં. તેઓ ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયાં. વર્ષો સુધી ત્યાં રહ્યાં. એ દરમિયાન તેઓ આશ્રમવાસીનું જીવન જીવ્યાં. તેમણે 1913માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સાથે થતા દુર્વ્યવહાર સામે વિરોધ કર્યો. આથી એમની ધરપકડ કરવામાં આવી અને સખત મજૂરીની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન અશિક્ષિત મહિલાઓને અક્ષરજ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. 1914માં ગાંધીજી સાથે તેઓ ભારત આવ્યાં. ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં જોડાયાં. તેમણે સત્યાગ્રહીઓનું જીવન અપનાવ્યું. તેઓ બધો સમય આશ્રમમાં સેવા કરતાં હતાં. 1917માં બિહારના ચંપારણમાં મહિલા ઉત્કર્ષ માટે કાર્ય કર્યું. બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં મહિલાઓને ઘરમાંથી નીકળી આઝાદીની લડતમાં જોડાવા માટે પ્રેરણા આપી. 1939માં રાજકોટમાં અંગ્રેજો સામે અહિંસક આંદોલનમાં ભાગ લીધો. તેમણે સરકારી માલિકીની દારૂની દુકાનો પર જઈ ધરણા કર્યાં હતાં અને મહિલાઓનું નેતૃત્વ કર્યું હતું. 1930થી 1932 સુધીમાં છ એક વખત જેલવાસ ભોગવ્યો હતો. તેમણે પારિવારિક અને જાહેરજીવનને ન્યાય આપ્યો હતો. ગાંધીજીની સફળતા પાછળ તેમનું અમૂલ્ય પ્રદાન હતું. `હિંદ છોડો’ આંદોલન વખતે 9 ઑગસ્ટ, 1942ના રોજ તેમની અને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને પૂનાના આગાખાન મહેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની તબિયત કથળતાં શિવરાત્રિના દિવસે તેમનું નિધન થયું. તેમની સ્મૃતિમાં કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. ઘણાં શહેરોના રસ્તાઓ, સંસ્થાઓ વગેરેનાં નામ કસ્તૂરબાનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. નારાયણ દેસાઈએ ‘કસ્તૂરબા’ નાટક લખ્યું હતું જેનું દિગ્દર્શન અદિતિ દેસાઈએ કર્યું હતું.