Categories
વાચન સમૃદ્ધિ

થેબિત

ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતાં જોવા મળતો એક ગર્ત (crater). ચંદ્રની સપાટી ઉપર ‘મેર નુબિયમ’ નામનો સમતલ વિસ્તાર આવેલો છે. તેની જમણી તરફ ‘સીધી દીવાલ’ (Straight Wall) તરીકે ઓળખાતી વિખ્યાત રચના આવેલી છે. આ દીવાલની જમણી તરફ ચંદ્રની નૈર્ઋત્યે થેબિત આવેલો છે. તેનું ચોક્કસ સ્થાન 22° દક્ષિણ અને 4° પશ્ર્ચિમ રેખાંશ પર છે.

થેબિત

થેબિત વાસ્તવમાં એક નહિ પણ ત્રણ ગર્તનું સંયોજન છે અને તે 60 કિમી.નો વ્યાસ ધરાવે છે. સીધી દીવાલ તરફની દિશામાં આવેલા ગર્તને એક બીજો ગર્ત થેબિત A છેદે છે. તે જ દિશામાં થેબિત Aને અન્ય એક ગર્ત છેદે છે, જેને થેબિત F કહે છે. આમ તે ત્રણ ગર્તનું સંયોજન છે. ચંદ્ર ઉપર ઉલ્કા કે ધૂમકેતુ ખાબકવાથી ગર્તની રચના થઈ હશે. પરંતુ એકબીજાને છેદતા ત્રણ ગર્ત કેવી રીતે રચાયા હશે તે એક પ્રશ્ર્ન છે. આ વિસ્તારમાં ખાબકતી વખતે ટુકડા થઈ ગયેલી ઉલ્કા કે ધૂમકેતુના ટુકડા થોડા થોડા સમયાંતરે પડ્યા હોવા જોઈએ. પ્રથમ ખાબકેલા ટુકડા વડે થેબિત રચાયો હશે, જ્યારે પછીથી ખાબકેલા ટુકડાઓથી થેબિત A અને  થેબિત F રચાયા હશે.

( ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ – ૯ )

)

Categories
વાચન સમૃદ્ધિ

અમૃત કેશવ નાયક

જ. 14 એપ્રિલ, 1877 અ. 18 જુલાઈ, 1907

ગુજરાતી, પારસી અને ઉર્દૂ રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક અને લેખક અમૃત નાયકનો જન્મ અમદાવાદમાં વૈશાખ સુદ એકમ, વિ. સં. 1933ના રોજ થયો હતો. કાળુપુર વિસ્તારની દુર્ગામાતાની પોળમાં ઊછર્યા. ગુજરાતી બે ધોરણ દરિયાપુરની શાળામાં અને ઉર્દૂ બે ધોરણ કાળુપુરની શાળામાં ભણ્યા. કૌટુંબિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડવો પડ્યો. તેઓ 1888માં 11 વર્ષની ઉંમરે કાવસજી ખટાઉની નાટ્યમંડળીમાં માસિક ચાળીસ રૂપિયાના પગારથી જોડાયા. ‘ગામરેની ગોરી’ નાટકમાં બહેરામ ઈરાનીની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી. એ પછી ‘બીમાર-એ-બુલબલ’માં ‘પુંબા’ની ભૂમિકા ભજવી. 1891માં નવી આલ્ફ્રેડ કંપનીમાં જોડાઈ સોરાબજી ઓગરાના સહાયક દિગ્દર્શક બન્યા. એ વખતે એમની ઉંમર માત્ર 14 વર્ષની હતી. તેઓ નાટકની સાથે સાથે ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ ભાષાઓ શીખ્યા. એ પછી કાવસજી ખટાઉની કંપનીમાં દિગ્દર્શક તરીકે જોડાયા. તેમણે ‘ખૂને નાહક’ નાટકનું દિગ્દર્શન કર્યું એટલું જ નહીં, એમાં ‘મલ્લિકા’ની ભૂમિકા પણ ભજવી. તેમણે ‘બજમેફાની’, ‘શહીદેનાઝ’, ‘મુરિદેશક’ જેવાં ઉર્દૂ  નાટકોનું પણ દિગ્દર્શન કર્યું. તેમણે શેક્સપિયરના નાટક ‘સિમ્બલીન’ પરથી ‘મીઠા ઝહર’, ‘હૅમ્લેટ’ પરથી ‘ખૂને નાહક’ અને ‘રોમિયો જુલિયટ’ પરથી ‘બજમે ફાની’ નાટક ભજવ્યાં. તેઓ સ્ત્રી અને પુરુષ એમ બંને પાત્રની ભૂમિકા સફળતાપૂર્વક ભજવતા હતા. તેમણે ગુજરાતી અને ઉર્દૂ ગઝલો લખી હતી. ‘ભારત દુર્દશા નાટક’, કન્યા વિક્રયનો કહેર’ નાટકો, ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ નવલકથા, ‘મરિયમ’ ઉર્દૂમાંથી અનૂદિત નવલકથા, ‘શિવશંભુ શર્માના ચિઠ્ઠા’ તેમની મુખ્ય કૃતિઓ છે. ઉર્દૂ નાટક ‘ઝહરી સાપ’નું દિગ્દર્શન ચાલુ હતું ત્યારે ત્રીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. અંગ્રેજી પત્રોએ તેમની સરખામણી હેન્રી ઇરવિંદ સાથે કરી હતી. મુંબઈમાં કોટ વિસ્તારમાં ખાદીભંડાર પાછળની ગલીને ‘અમૃત કેશવ નાયક’ નામ અપાયું છે. અમદાવાદમાં દુર્ગામાતાની પોળ પાસેનો માર્ગ ‘અમૃત કેશવ નાયક માર્ગ’ તરીકે ઓળખાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

પંદર કલાકનો પદાર્થપાઠ

અમેરિકન નૌકાદળની ‘બાયા એસ.એસ.318’ નામની સબમરીનમાં 1945ના માર્ચમાં રોબર્ટ મૂર એના બીજા સાથી 88 સૈનિકો સાથે 376 ફૂટ નીચે પાણીમાં  પસાર થતો હતો. એ સમયે ટેલિસ્કોપથી જોતાં જાણ થઈ કે જાપાનનાં ત્રણ યુદ્ધજહાજો એમના તરફ ધસી રહ્યાં છે. અમેરિકન સબમરીને ત્રણ ટોરપીડો છોડીને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યાંત્રિક ખામીને કારણે અમેરિકન ટોરપીડો નિષ્ફળ ગયા. એવામાં આકાશમાં ઊડતા જાપાની વિમાનનો સંકેત પ્રાપ્ત કરીને જાપાનના નૌકાદળના રક્ષક જહાજે સબમરીનની જગાને શોધી કાઢી. એ સમયે સબમરીનનો સહેજે અવાજ ન સંભળાય તે માટે પંખા, કૂલિંગ સિસ્ટમ તેમજ ઇલેક્ટ્રિક ગિયર બંધ કરી દીધાં. બધા હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા અને સબમરીનને ચારે તરફથી બંધ કરી દીધી. ત્રણેક મિનિટ બાદ જાપાની જહાજમાંથી બૉમ્બ ફેંકાયા એટલે તત્કાળ સબમરીન 276 ફૂટ નીચે લઈ જવામાં આવી. જાપાનના હુમલાખોર જહાજે પંદર કલાક સુધી બૉમ્બ ઝીંક્યે રાખ્યા. જો આમાંથી એક પણ બૉમ્બ 17 ફૂટ નજીક પડ્યો હોત, તો સબમરીનમાં કાણું પડી જાત. આ પંદર કલાકમાં સામે મોત દેખાતાં રોબર્ટ મૂરના મનમાં ગત જીવનના અનેક અનુભવો પસાર થઈ ગયા. ઓછો પગાર, બૉસનો વિચિત્ર સ્વભાવ, પત્ની સાથેના કલહ-કંકાસ એ બધી વાતો યાદ આવી અને થયું કે હું કેવી નાની નાની બાબતો માટે ચિંતા સેવતો અને ઝઘડતો હતો. એ સમયે મૃત્યુની સન્મુખ ઊભેલા રોબર્ટ મૂરને અફસોસ થયો કે જીવન તો કેવું અતિ મૂલ્યવાન છે. આવી નાની નાની ચિંતાઓનું એમાં સ્થાન ન હોવું જોઈએ. એને અફસોસ થયો કે કેવી કેવી ચિંતાઓ અને ભાવો સેવીને મેં મારા જીવનને વ્યર્થ અને વામણું બનાવી દીધું. કેટલીય અર્થહીન બાબતો માટે બીજી વ્યક્તિ સાથે, સમાજ સાથે અથડામણમાં ઊતર્યો. રોબર્ટ મૂરે પોતાની જાતને વચન આપ્યું કે જો હું જીવતો બહાર નીકળીશ તો હું ક્યારેય ચિંતા નહીં કરું. સદ્ભાગ્યે રોબર્ટ મૂરની એ સબમરીન જાપાનના યુદ્ધજહાજોના હુમલામાંથી હેમખેમ બચી ગઈ, પણ કટોકટીના પંદર કલાકે રોબર્ટ મૂરને જીવન જીવવાની ચાવી આપી દીધી.