Categories
વાચન સમૃદ્ધિ

સાદા જીવનનું આશ્વાસન

એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી. વળી દુશ્મનો  પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી. અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, ‘હે માતા ! તમે જીવનમાં અપાર દુઃખો વેઠ્યાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.’ આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુઃખી અને દારિદ્રયના દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ‘આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : 24° 19´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્ર્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજી મંદિર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં  `अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારરણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના દયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહ્વર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અંબાજી, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

હસરત જયપુરી

જ. 15 એપ્રિલ, 1922 અ. 17 સપ્ટેમ્બર, 1999

હિન્દી ફિલ્મજગતના કવિ અને શાયર હસરત જયપુરીનો જન્મ જયપુરમાં થયો હતો. એમનું મૂળ નામ ઇકબાલ હુસૈન જયપુરી હતું. બાળપણમાં જયપુરમાં માધ્યમિક શિક્ષણ એક અંગ્રેજી માધ્યમની શાળામાં લીધું, પરંતુ એમના નાના શાયર ફિદા હુસૈન ફિદા પાસે ઉર્દૂ તથા ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું. શાયરી પ્રત્યે એમનો લગાવ સહજ બન્યો. તેમણે અર્થોપાર્જન માટે 1940માં એમણે મુંબઈ પ્રયાણ કર્યું. ત્યાં માસિક અગિયાર રૂપિયામાં બસકંડક્ટરની નોકરી સ્વીકારી. પરંતુ એમનો કવિજીવ એમને વિવિધ કવિસંમેલન તેમજ મુશાયરાઓમાં ખેંચી જતો. જ્યાં તેઓ પોતાની રચનાઓ પ્રસ્તુત કરતા. આવા જ એક કવિસંમેલનમાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરનું ધ્યાન હસરત જયપુરી ઉપર પડ્યું. ફિલ્મનિર્માતા-નિર્દેશક પુત્ર રાજ કપૂરને પિતા પૃથ્વીરાજે હસરત જયપુરી માટે ભલામણ કરી. ફિલ્મ ‘બરસાત’માં ‘જીયા બેકરાર હૈ’ ગીતના લેખન સાથે એમણે ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ‘છોડ ગયે બાલમ મુજે હાય અકેલા છોડ ગયે’ હસરત જયપુરીની કલમે લખાયેલું પ્રથમ યુગલ ગીત પણ ખૂબ પ્રસિદ્ધ પામ્યું. હસરત જયપુરી રાજ કપૂરની નિર્માણ કંપનીમાં મુખ્ય સ્તંભોમાંના એક ગણાતા હતા. ગીતકાર તરીકેની હસરત જયપુરીની કારકિર્દી શરૂ થતાં એમને પ્રસિદ્ધ સાથે ધનરાશિ પણ વિપુલ પ્રમાણમાં મળવી શરૂ થઈ ગઈ. 1971માં રાજ કપૂર નિર્માણ કંપનીના એક સ્તંભ તથા હસરત જયપુરીના મિત્ર સંગીતનિર્દેશક જયકિશનના અવસાન તથા ફિલ્મ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ રાજકપૂર નિર્માણ કંપનીએ સંગીતનિર્દેશક તથા ગીતકારની ટીમ બદલી સાથે હસરત જયપુરીની કારકિર્દીમાં થોડી ઓટ આવી. 1885માં ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રાજ કપૂરના આમંત્રણથી એમણે ‘સુન સાયબા સુન’ ગીત લખ્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. હસરત જયપુરીની કલમે લખાયેલાં લોકપ્રિય બનેલાં ગીતોમાં ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’, ‘પંખ હોતી તો ઉડ આતી રે’, ‘અજી રૂઠ કર અબ’, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’, ઝિંદગી એક સફર હૈ સુહાના’ જેવાં અનેક ગીતોનો સમાવેશ થાય છે.  1967 તથા 1972માં એમને સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.