Categories
વાચન સમૃદ્ધિ

ઓગળી જઈએ તો જ આનંદપ્રાપ્તિ

રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરો ? એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે, પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે. આખો માનવી ચાલતો હોતો નથી. ચાલતી વખતે જરા, એને જોશો તો એ મનથી કશુંક વિચારતો હોય છે. એ વિચારને  આધારે ચાલવાની સાથે હાથ વીંઝતો હોય છે અને હોઠ ફફડાવતો હોય છે. ચાલતી વખતની માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે. એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે. એની અંદર-ભીતરમાં બીજું ઘણું જ ચાલતું હોય છે. ભોજન કરવા બેઠેલી વ્યક્તિને જરા ઝીણવટથી જોશો તો એ કોળિયા ખાતી હોય છે, પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી. માત્ર ભોજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે, એટલી જ ક્ષણ એનું મન ભોજનમાં રત હોય છે. બાકીનો બધો સમય એ મોંમાં કોળિયો મૂકતી હોય છે, પણ યંત્રવત્ રીતે. એનું મન સાવ જુદી જ બાબત વિચારતું હોય છે. આ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે છે કે જે કંઈ કરે છે તે ઉપર-ઉપરનું છે, ક્રિયામાત્ર છે. એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી. એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી એ એકાગ્રતા સાધી શકતો નથી. પરિણામે એ ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે. જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે. ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સઘળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે. જે ડૂબી જાય છે તે જ એકલક્ષિતા કેળવી શકે છે.

Categories
વાચન સમૃદ્ધિ

બંદાસિંહ બહાદુર

જ. ૨૭ ઑક્ટોબર, ૧૬૭૦ અ. ૯ જૂન, ૧૭૧૬

ખાલસા સેનાના અગ્રિમ શીખ લશ્કરી કમાન્ડર બંદાસિંહનો જન્મ રાજૌરીમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લચ્છમન દેવ હતું. તેમણે નાની ઉંમરે ઘોડેસવારી, કુસ્તી, તીરંદાજી અને તલવારબાજી જેવી કળાઓ સિદ્ધહસ્ત કરી હતી. જાનકીપ્રસાદ નામના તપસ્વીને મળ્યા પછી તેમણે ૧૫ વર્ષની ઉંમરે તપસ્વી બનવા ઘર છોડ્યું. તેમનું નામ માધોદાસ બૈરાગી રાખવામાં આવ્યું. તેમણે ગોદાવરી નદીના કિનારે નાંદેડમાં ડેરા સ્થાપ્યો. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ માધોદાસને મળ્યા. માધોદાસ તેમના શિષ્ય બન્યા અને તેમનું નામ ગુરબક્ષસિંહ રાખવામાં આવ્યું. જે આગળ જતાં બંદાસિંહ બની ગયું. ગોવિંદસિંહે તેમને ‘બહાદુર’નું બિરુદ આપ્યું. લડાઈ માટે તેમણે બંદાસિંહને પાંચ તીર આપ્યાં અને રાજકીય તથા લશ્કરી અધિકાર આપ્યો. બંદાસિંહે સોનીપત પર હુમલો કર્યો અને જીત મેળવી. તેમણે શાહી ખજાનો અને ધનિકોને લૂંટ્યા અને સઘળી સંપત્તિ વહેંચી દીધી. તેમણે મુઘલોની પ્રાંતીય રાજધાની સામના જીતી અને પંજાબમાં સત્તા સ્થાપી. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જમીન ખેડનારાઓને મિલકતના અધિકારો આપ્યા. તેમણે સરસિંહનો સમગ્ર વિસ્તાર અને તેના ૨૮ પરગણા પર વિજય પ્રાપ્ત કર્યો. તેનું સામ્રાજ્ય સતલજથી યમુના સુધી અને શિવાલિક પર્વતથી કુંજપરા, કરનાલ અને કૈથલ સુધી વિસ્તરેલું હતું. તેમણે મુખ્લીસગઢને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ લોહગઢ રાખ્યું. ત્યાં તેમણે પોતાની ટંકશાળમાં સિક્કા બહાર પાડ્યા. ૧૭૧૫માં મુઘલસેનાએ ગુરદાસ નાંગલમાં ઘેરો કર્યો અને બંદાસિંહ અને તેમના સાથીઓને પકડી લીધા. બંદાસિંહને લોખંડના પાંજરામાં પૂરી દિલ્હી લાવવામાં આવ્યા. બંદાસિંહને તેમના ચાર વર્ષના પુત્ર અજયસિંહને મારી નાખવાનું કહેવામાં આવ્યું. બંદાસિંહે ના પાડી તેથી પુત્રને ફાંસી આપવામાં આવી અને તેનું હૃદય કાપીને બંદાસિંહના મોંમાં નાખવામાં આવ્યું. ત્રણ માસની કેદ પછી બંદાસિંહની આંખો કાઢી નાખવામાં આવી. તેમનાં અંગો કાપી નાખવામાં આવ્યાં. તેમની ચામડી ઉતારવામાં આવી. અતિશય ત્રાસ આપીને તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

દાઝયો નથી ને !

ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો જેના નામ સાથે સંકળાયેલાં છે એવા સર આઇઝેક ન્યૂટન (ઈ. સ. ૧૬૪૨થી ઈ. સ. ૧૭૨૭) કલનશાસ્ત્ર (કૅલ્ક્યુલર), ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતાં સંશોધનો માટે પ્રસિદ્ધ છે. ન્યૂટને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન કોપરનિક્સ, ગૅલિલિયો, કેપ્લર, દકાર્ત જેવા મહાન વૈજ્ઞાનિકોનાં પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ જોડાયેલાં છે. નવા વૈજ્ઞાનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા આઇઝેક ન્યૂટને ઈ. સ. ૧૬૬૫ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કરી એનો વ્યાપક ઉપયોગ કર્યો. જે દ્વિપદી પ્રમેય એની કબર પર કોતરવામાં આવ્યું છે. ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ન્યૂટન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો વિશેની પોતાની નોંધ એક નોટબુકમાં વખતોવખત લખતા જતા હતા. એક વાર સંધ્યાના સમયે સર આઇઝેક ન્યૂટન પ્રયોગકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે એમનો કૂતરો એકાએક ધસી આવ્યો. એ કૂતરાએ સામે બિલાડીને જોઈને એને પકડવા માટે છલાંગ લગાવી અને એમ કરવા જતાં ટેબલ પર પડેલો લૅમ્પ અચાનક પડી ગયો. સંશોધનની નોંધોના કાગળો સળગવા લાગ્યા અને ન્યૂટનની કેટલાંય વર્ષોની મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. પોતાના સંશોધનકાર્યની હાથનોંધ સળગતી જોઈ રહ્યા અને માત્ર એટલું બોલ્યા, ‘અરે ! તેં મારી કેટલાય દિવસના પરિશ્રમ પછી તૈયાર કરેલી હાથનોંધને બાળી નાખી.’ સામાન્ય માનવી આવા સંજોગોમાં કૂતરાને સખત માર મારે, જ્યારે આઇઝેક ન્યૂટને પોતાના કૂતરાને નજીક બોલાવ્યો, એના પર હાથ ફેરવ્યો અને જોયું કે ક્યાંય એ દાઝ્યો તો નથી ને !,

કુમારપાળ દેસાઈ