Categories
વાચન સમૃદ્ધિ

એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર

વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસરવા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેર ઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળસ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે. એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે. જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે એને પોતાનું કોઈ જગત હોતું નથી. આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શેખ આદમ આબુવાલા

જ. ૧૫ ઑક્ટોબર, ૧૯૨૯ અ. ૨૦ મે, ૧૯૮૫

કવિ અને નવલકથાકાર તરીકે જાણીતા શેખ આદમ આબુવાલાનું પૂરું નામ આદમ મુલ્લાં શુજાઉદ્દીન શેખ હતું. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી વિષય સાથે તેઓ એમ.એ. થયા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કરી હતી. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે તેઓ મૉસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને જર્મની ગયા. ૧૯૫૬થી ૧૯૭૪ સુધી તેઓ પશ્ચિમ જર્મનીમાં રહ્યા. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિંદુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કરેલું. ભારત પરત આવ્યા પછી પત્રકાર તરીકે રહ્યા. ‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘અજંપો’, ‘હવાની હવેલી’, ‘સોનેરી લટ’, ‘ખુરશી’, ‘તાજમહાલ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. રાજકીય અને સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધપાત્ર છે. ગઝલના સ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. તેમણે પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી હતી. તેઓ ભારતઝુરાપો એમની ગઝલોમાં વ્યક્ત કરતા રહ્યા હતા. તેમની પાસેથી ‘તમન્ના તમાશા’, ‘તું એક ગુલાબી સપનું છે’, ‘આયનામાં કોણ છે ?’ વગેરે મળી સાતેક નવલકથાઓ મળી છે. તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાતો’ નામે અનુવાદ આપ્યો છે. ‘હું ભટકતો શાયર છું’ એ તેમનું આત્મકથાત્મક પુસ્તક છે. વળી તેમણે ઉર્દૂમાં પણ ગઝલસંગ્રહો આપ્યા છે. ‘દીવાને આદમ’ (૧૯૯૨) એ તેમની સમગ્ર કવિતાનો સંચય છે. અમદાવાદમાં આંતરડાની બીમારીથી તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

ડૅઇઝી

દ્વિદળી વર્ગમાં આવેલ એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી કેટલીક જાતિઓ. તેના મુંડક પ્રકારના પુષ્પવિન્યાસના બિંબની મધ્યમાં નલિકાકાર અને સામાન્યત: પીળાં બિંબપુષ્પકો અને તેની ફરતે રંગીન આકર્ષક કિરણપુષ્પકો આવેલાં હોય છે. તેના પ્રકાંડના તલપ્રદેશમાંથી શાખાઓ ફૂટીને વનસ્પતિઓ ઝૂમખાંદાર બને છે. ઑક્સ-આઇ ડૅઇઝી અમેરિકામાં થતું પ્રાકૃતિક ડૅઇઝી છે. તેનું વૈજ્ઞાનિક નામ Chrysanthamum leucanthemum છે. યુરોપમાંથી પ્રવેશ પામેલી આ જાતિ પૂર્વમાં મુશ્કેલરૂપ અપતૃણ બની ગયું છે. તે 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં અને છેદન પામેલાં હોય છે. તેનો અગ્રસ્થ મુંડક 2થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. C. maximum ઑક્સ-આઇ ડૅઇઝી સાથે મળતી આવતી જાતિ છે. પરંતુ તેનો મુંડક 5થી 10 સેમી. વ્યાસ ધરાવે છે.

અમેરિકન ઑક્સ-આઈ ડૅઇઝી              આફ્રિકન ઑરેન્જ ડૅઇઝી

ઇંગ્લિશ ડૅઇઝી, Bellis perennis જૂની દુનિયાની મૂળ નિવાસી છે. તે 15 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય જાતિ છે. તે તલપ્રદેશે પર્ણોનું ગુચ્છ ધરાવે છે. તેનો મુંડક સફેદ કે ગુલાબી રંગનો હોય છે અને 5.0 સેમી. વ્યાસ ધરાવે છે. તે લાંબા દંડ પર આવેલો હોય છે. તેની કેટલીક જાતો ડબલ પુષ્પો ધરાવે છે.; બીજી કેટલીક જાત ગુલાબી કે લાલ હોય છે. ઉદ્યાનમાં તેની ક્યારીઓ રોપવામાં આવે છે. આફ્રિકન ડૅઇઝી, Arctotis stoechadifolia 75 સેમી ઊંચી એકવર્ષાયુ જાતિ છે. તેની પર્ણકિનારી દાંતા ધરાવે છે. તેનાં પુષ્પીય મુંડક વિવિધરંગી હોય છે. Dimorphotheca aurantiaca આફ્રિકન ઑરેન્જ ડૅઇઝી તરીકે જાણીતી જાતિ છે. Aster પ્રજાતિને મિચેલ્માસ ડૅઇઝી કહે છે. તે 40થી 50 સેમી. જેટલી ઊંચી થાય છે. તેને નાનાં સફેદ તારાકાર પુષ્પ સારી સંખ્યામાં આવે છે. તેની ઠંડા પ્રદેશમાં થતી જાત ઊંચી હોય છે અને ઘણા રંગનાં પુષ્પો આવે છે. શાખાઓને છૂટી કરી રોપવાથી વંશવૃદ્ધિ થાય છે. Solidago પ્રજાતિને પીળી ડૅઇઝી કે ગોલ્ડન રૉડ કહે છે. 60થી 70 સેમી. ઊંચી થતી આ જાતિને સીધા લાંબા દંડ પર નાનાં, અસંખ્ય પીળા રંગનાં પુષ્પો આવે છે અને તે પ્રમાણમાં લાંબા સમય સુધી ટકે છે. મિચેલ્માસ ડૅઇઝીની જેમ બ્લૂ ડૅઇઝી થોડાં નીચાં થાય છે. તેમનાં પુષ્પ થોડાં મોટાં થાય છે.

મ. ઝ. શાહ

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮