Categories
વાચન સમૃદ્ધિ

ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું, ‘તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?’ અગ્રણીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુ:ખી પણ થાઉં છું.’ એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ‘એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?’ અગ્રણીએ કહ્યું, ‘પ્રાત:કાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.’

Categories
વાચન સમૃદ્ધિ

બલવંત મોરેશ્વર પુરંદરે

જ. ૨૯ જુલાઈ,૧૯૨૨ અ. ૧૫ નવેમ્બર,૨૦૨૧

ઇતિહાસકાર અને લેખક બલવંત પુરંદરે બાબાસાહેબ પુરંદરેના નામથી જાણીતા છે. તેમણે શિવાજી મહારાજને કેન્દ્રમાં રાખીને સર્જન કર્યું છે આથી તેમને ‘શિવ-શાહિર’ પણ કહેવામાં આવે છે. તેઓ સાત વર્ષના હતા ત્યારે પ્લેગને લીધે તેમનો પરિવાર પુણેથી સિંહગઢ કિલ્લાની તળેટીમાં ડોંજેમાં સંબંધીને ત્યાં સ્થળાંતરિત થયો. આ દરમિયાન કિલ્લાની મુલાકાત લીધી. પિતા તેમને કિલ્લાની અને મરાઠા સામ્રાજ્યની વાર્તાઓ કહેતા, આથી એ બધું એમના સર્જનનો વિષય બની રહ્યું. તેમણે આચાર્ય અત્રેના વર્તમાનપત્રમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. દાદરા અને નગર હવેલીના મુક્તિસંગ્રામમાં ભાગ લીધો હતો. નાની ઉંમરે શિવાજીના શાસનને લગતી વાર્તાઓ લખી હતી. આ વાર્તાઓનો ‘થિનાગ્ય’ નામના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે ૩૬ પુસ્તકો લખ્યાં છે જેમાં ‘રાજા શિવ-છત્રપતિ’ અને ‘કેસરી’ પ્રસિદ્ધ છે. તેમના ‘રાજા શિવ-છત્રપતિ’ પુસ્તક પરથી ૨૦૦૮માં ટીવી. પર ‘રાજા શિવ-છત્રપતિ’ સિરિયલ રજૂ થઈ હતી. તેમણે શિવાજી મહારાજ પર ૧૨,૦૦૦થી વધુ પ્રવચનો આપ્યાં હતાં. તેમની સૌથી જાણીતી રચના ‘જાણતા રાજા’ છે. આ નાટકનું ૧૯૮૫માં પ્રથમ વખત મંચન કરવામાં આવ્યું હતું. મૂળ મરાઠીમાં લખેલ આ નાટક હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જેના ભારત અને વિશ્વમાં બારસો ઉપરાંત પ્રયોગો થયા છે. આ નાટકમાં ૨૦૦થી વધુ કલાકારો છે તેમજ હાથી, ઘોડા વગેરેને મંચ પર રજૂ કરવામાં આવે છે. તેમણે અંબેગાંવ પાસે ‘શિવસૃષ્ટિ’ની સ્થાપના કરી છે. મહારાષ્ટ્રભૂષણ ઍવૉર્ડ માટેના દસ લાખ રૂપિયાના પુરસ્કારમાંથી માત્ર ૧૦ પૈસા તેમણે સ્વીકારી પોતાના તરફથી તેમાં ૧૫ લાખ રૂપિયા ઉમેરી એ રકમ કૅન્સરના સંશોધન માટે દાન આપી હતી. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં હતાં. ૨૦૦૭-૦૮માં કાલિદાસ સન્માન, ૨૦૧૨માં પ્રાચાર્ય શિવાજીરાવ ભોસલે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૧૩માં ડી.લિટ્., ૨૦૧૫માં મહારાષ્ટ્રભૂષણ, ૨૦૧૬માં જીવનગૌરવ પુરસ્કાર અને ૨૦૧૯માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુએઝ નહેર

ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો, ઇજિપ્તમાં આવેલો માનવસર્જિત જળમાર્ગ.

આ નહેર ઉત્તરમાં પૉર્ટ સઈદ (Said) અને દક્ષિણમાં સુએઝ બંદર ધરાવતા શહેર વચ્ચે સુએઝની સંયોગીભૂમિને વીંધતી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે ૧૯૦ કિમી. જેટલી છે. નેપોલિયને જ્યારે ૧૭૯૮માં ઇજિપ્ત પર આક્રમણ કર્યું, ત્યારે તેણે સુએઝની સંયોગીભૂમિ આરપાર જળમાર્ગ થાય તો અંતર ઘટે અને વ્યાપાર-વણજ વધે તેવું વિચારેલું. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા ફ્રેન્ચ મુત્સદ્દી અને નહેરો બાંધનાર ફર્ડિનાન્ડ દ લૅસેપ્સને તેનો નકશો બનાવવાની કામગીરી સોંપી. ૧૮૫૪માં ઇજિપ્તના શાસક સઈદ પાશા પાસેથી આ પ્રકલ્પ માટેની મંજૂરી મેળવી, ૧૮૫૫માં માર્ગના વ્યવસ્થિત આયોજન માટે આંતરરાષ્ટ્રીય તકનીકી પંચ મળ્યું. ૧૮૫૮ સુધીમાં આ અંગેના વહીવટ માટે સુએઝ કૅનાલ કંપની સ્થપાઈ, જેના ફ્રેન્ચ અને ઑટોમન સામ્રાજ્યે મોટી સંખ્યામાં શૅર લીધા. ૧૮૫૯ના એપ્રિલની ૨૫મી તારીખે નહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. ૧૦ વર્ષ બાદ ૧૮૬૯ના નવેમ્બરની ૧૭મી તારીખે તે નહેર ખુલ્લી મુકાઈ. ૧૯૬૮ સુધીનાં ૧૦૦ વર્ષ માટે સુએઝ કૅનાલ કંપનીને રાહતદરે તે નહેરના ઉપયોગ સંબંધી વહીવટ સોંપવામાં આવ્યો.

સુએઝ નહેર

આ જળમાર્ગ થવાથી યુરોપીય દેશો અને ભારત વચ્ચે અંદાજે ૯૭૦૦ કિમી. જેટલું અંતર ઘટી ગયું છે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રની જળસપાટીમાં ખાસ તફાવત ન હોવાથી તેમાં પનામા નહેરમાં છે એવી લૉકગેટની વ્યવસ્થા ગોઠવેલી નથી. આ નહેર જ્યારે બાંધવામાં આવી ત્યારે તેની ઊંડાઈ ૮ મીટર, તળભાગની પહોળાઈ ૨૨ મીટર અને સપાટીની પહોળાઈ ૭૦ મીટર જેટલી હતી, પરંતુ તે પછી મોટાં જહાજોની હેરફેર માટે તેને ઘણી વધુ પહોળી કરવામાં આવી છે. આજે તેની ઊંડાઈ ૧૯ મીટર, તળભાગની પહોળાઈ ૯૨ મીટર અને સપાટીની પહોળાઈ ૨૨૬ મીટર જેટલી છે. ૧૮૮૮માં આંતરરાષ્ટ્રીય પરિષદે એકમતે નિર્ણય કર્યો કે આ નહેરને બધાં જ રાષ્ટ્રો માટે શાંતિના તેમ જ યુદ્ધના સમયમાં પણ ખુલ્લી રાખવી; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૮)માં યુ.કે.એ આ જળમાર્ગ પર પ્રભુત્વ સ્થાપી દીધું.બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૧૯૪૫)માં પણ યુ.કે.નું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. આ યુદ્ધો દરમિયાન શત્રુ દેશો માટે આ નહેરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ઇજિપ્ત સાથે ૧૯૫૪માં થયેલા કરાર મુજબ બ્રિટિશ દળોએ ૧૯૫૬માં આ નહેર ઇજિપ્તને સોંપી દીધી. આ જ વર્ષમાં યુ.એસ. અને યુ.કે.એ નાઇલ નદી પરના આસ્વાન બંધ માટેની સહાય બંધ કરી. પરિણામે ઇજિપ્તમાં રાષ્ટ્રીય ચળવળ ઊભી થતાં ૧૯૫૬ના જુલાઈની ૨૬મી તારીખે ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ ગમાલ અબ્દુલ નાસરે નહેર પર પ્રભુત્વ મેળવી લીધું. બ્રિટન, ફ્રાન્સ અને પશ્ચિમ દેશોએ આનો વિરોધ કર્યો. આ ઘટનાને સુએઝ કટોકટી તરીકે ઓળખવામાં આવેલી છે. આ જ વર્ષમાં ઇઝરાયલ, બ્રિટન અને ફ્રાન્સે ઇજિપ્ત પર આક્રમણ કર્યું. યુ.એન.ની દરમિયાનગીરીને કારણે યુદ્ધ સ્થગિત થયું અને ૧૯૫૭માં આ નહેર ખુલ્લી મૂકવામાં આવી. ૧૯૬૭માં થયેલા આરબ-ઇઝરાયલ યુદ્ધના ગાળા દરમિયાન આ માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૭૫માં આ જળમાર્ગ ઇજિપ્ત દ્વારા ફરીથી ખુલ્લો મૂકવામાં આવેલો છે. ૧૯૭૯માં ઇજિપ્તે નહેરના ઉપયોગની ઇઝરાયલ માટેની મનાઈ ઉઠાવી લીધી. ૧૯૮૦માં સુએઝ શહેરથી ૧૬ કિમી. ઉત્તર તરફ નહેર હેઠળ બોગદું બાંધીને મોટરવાહનો માટે તે ખુલ્લું મુકાયું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી