ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય નક્કી કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. કયા કયા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે. રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતી કાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે. માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.
ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધલેખક. એમનું વતન અમદાવાદ જિલ્લાનું વિશલપુર ગામ. પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ટ્યૂશન પણ તેઓ કરતા હતા. કૉલેજના અભ્યાસ દરમિયાન મુનિશ્રી છગનલાલજી સ્વામીના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ પિતાએ ધાર્મિક સંસ્કાર આપેલા. જૈન સમાજમાં જાગૃતિ લાવવા માટે એમણે એક માસિકપત્ર શરૂ કરવાનું વિચાર્યું. તેઓ જે લખતા તેમાં વિષયવૈવિધ્ય એટલું હતું કે એમણે ત્રીસથી પણ વધારે ઉપનામો રાખેલાં. થોડાંક ઉપનામો જોઈએ – ‘કૈવલ્ય’, ‘અનેકાન્તવાદી’, ‘ભમતો ભૂત’, ‘વનિતાનો વકીલ’, ‘શાહ’ વગેરે. તેમના રસના વિષયો વેદાંત અને જૈનદર્શનના રહ્યા હતા. તત્ત્વજ્ઞાની શોપનહોઅર અને નિત્શેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. એમણે સાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમના સાહિત્યમાંથી પસાર થતાં કોઈ સાધકનું સર્જન હોય તેમ લાગે. તેમનાં લખાણો અભ્યાસીઓને ઉપયોગી થાય તેવાં છે. તેમણે જૈન ધર્મના વાડા ભૂલીને જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરેલી. તેમણે નવલકથાઓ આપી છે તેમાં મુખ્યત્વે ધર્મતત્ત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. જેમાં ‘નમીરાજ’ (૧૯૦૬), ‘સુદર્શન’ ભાગ-૧ (૧૯૦૮) અને ‘મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું’ (૧૯૨૧) ઉલ્લેખનીય છે. તેમણે લખેલી ધર્મકથાઓમાં ‘સતી દમયંતી’ (૧૯૦૨), ‘ઋષિદત્તા આખ્યાયિકા’ (૧૯૦૪) અને ‘મસ્તવિલાસ’ (૧૯૨૫). ‘શ્રી મહાવીર’ (૧૯૦૮) શીર્ષક સૂચવે છે તેમ ચરિત્રનો ગ્રંથ છે. એમણે થોડાં સંપાદનો પણ કર્યાં છે. ‘મહાત્મા કબીરનાં આધુનિક પદો’ ભાગ-૧, ‘ધર્મસિંહ બાવની’, ‘જૈન સમાચાર ગદ્યાવલિ’ ખંડ ૧-૮ અને ખંડ ૯-૧૦. વાડીલાલનાં અન્ય નોંધપાત્ર પુસ્તકોમાં ‘પોલિટિકલ ગીત અથવા ધી ફિલૉસૉફી ઑફ લાઇફ’, ‘આર્યધર્મ’, ‘પ્રાયશ્ચિત્ત’ અને જૈન ધર્મના સ્તોત્ર વિશે, ભગવાન મહાવીર વિશે, પર્યુષણ પર્વ વિશે અનેક પુસ્તકો એમની પાસેથી મળે છે. ‘જૈન હિતેચ્છુ’ માસિક અને ‘જૈન સમાચાર’ સાપ્તાહિકના તંત્રીપદે પણ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ચિંતનગદ્યના જનક’ તરીકે બિરદાવ્યા છે. બળવંતરાય ઠાકોરે વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક ગણાવ્યા છે.
બીજા વિશ્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (૧) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (૨) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને (૩) માનવતા વિરુદ્ધના ગુનાઓ. આ ગુનામાં કાવતરાનો ગુનો પણ સામેલ કરવામાં આવ્યો હતો. આ મુકદ્દમામાં અગિયાર રાજ્યોએ ૨૮ આરોપીઓ વિરુદ્ધ જુદાં જુદાં તહોમતનામાં મૂક્યાં હતાં; દા. ત., પૂર્વ એશિયા, મંચૂરિયા અને ચીન સામેના ગેરકાયદે યુદ્ધમાં અને કાવતરામાં સામેલગીરી, જર્મની અને ઇટાલી સાથે કાવતરામાં સામેલગીરી, ફરિયાદી રાજ્યોની પ્રજાનાં ખૂન, સામાન્ય આંતરરાષ્ટ્રીય કાયદો અને સંધિકરારોની વિરુદ્ધમાં સશસ્ત્ર હુમલાઓ, યુદ્ધના કેદીઓ પ્રત્યે અમાનવીય વર્તન તથા અન્ય રૂઢિગત યુદ્ધ-ગુનાઓ.
તા. ૪-૬-૧૯૪૬ના રોજ શરૂ થયેલા આ મુકદ્દમાનો ચુકાદો તા. ૪-૧૧-૧૯૪૮ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપર્યુક્ત મુકદ્દમાના ન્યાયપંચના એક સભ્ય ભારતના ડૉ. રાધાવિનોદ પાલે અન્ય ન્યાયાધીશો કરતાં વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેમણે ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાને વિધેયાત્મક નિયમ ગણવાની અને યુદ્ધને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવાની પૅરિસ સંધિને કોઈ સત્તા ન હતી. તેમણે વધુમાં ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાવતરું એ ગુનો બનતું નથી અને કાવતરાનો આક્ષેપ સાબિત થતો નથી. જે ગુનાઓ માટે આરોપીઓ વિરુદ્ધ કામ ચલાવવામાં આવ્યું છે તે ગુનાઓ આરોપીઓએ કરેલા નથી એવી મતલબનો ચુકાદો તેમણે આપ્યો હતો. ન્યૂરેમ્બર્ગ મુકદ્દમા અને આ મુકદ્દમામાં દર્શાવેલા ગુનાઓમાં તાત્ત્વિક રીતે કોઈ ખાસ તફાવત દેખાતો નથી. રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદો વિજેતાને આવા યુદ્ધના ગુનેગારો સામે કામ ચલાવવાની તથા તેમને શિક્ષા કરવાની પરવાનગી આપે છે. વિજેતા દેશ પરાજિત દેશના યુદ્ધ-ગુનેગારોને વિજેતા દેશને શરણે મોકલવા ફરજ પાડી શકે છે; એટલું જ નહિ; પરંતુ વિજેતા રાજ્ય પરાજિત રાજ્ય ઉપર તેમની શરતો પણ લાદી શકે છે. પરાજિત રાજ્યને વિજેતા રાજ્યે લાદેલી શરતોનો અમલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ટોકિયોની મિલિટરી ટ્રિબ્યૂનલ મિત્રરાજ્યોએ નક્કી કરેલા કાયદા પ્રમાણે વ્યક્તિઓ વિરુદ્ધ મુકદ્દમા ચલાવતી હતી, નહિ કે બંધારણીય રીતે રચેલા કાયદા હેઠળ. જે કાયદો પરાજિત રાજ્ય અને તેના વિવિધ આરોપીઓ વિરુદ્ધ લાદવામાં આવ્યો હતો તે હેઠળ આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. જ્યારે બીજું વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) ફાટી નીકળ્યું ત્યારે ૧૯૩૯ના આંતરરાષ્ટ્રીય કાયદાના ચાર્ટર હેઠળ જે કેટલાક ગુનાઓ વર્ણવાયેલા હતા તે શિક્ષાપાત્ર હતા, પરંતુ કેટલાક એવા ગુનાઓ પણ હતા જે આ ચાર્ટર હેઠળ શિક્ષાપાત્ર ગણવામાં આવ્યા ન હતા. જેમની સામે આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો તેમણે નૈતિકતાના સ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધમાં કેટલાંક કૃત્યો કર્યાં હતાં. તેથી આવા ગુનાઓ યોજનાર વ્યક્તિઓને શિક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં નૈતિકતાના સિદ્ધાંતો દાખલ કરવાનો વિજેતાઓને હક હતો. મુકદ્દમો ચલાવનાર ટ્રિબ્યૂનલે જાપાનના પ્રધાનમંત્રી તથા લશ્કરના વડા જનરલ ટોજો (૧૮૮૪-૧૯૪૮) અને અન્ય મુખ્ય યુદ્ધ-ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી હતી. જાપાનના તે વખતના સમ્રાટ હિરોહિટો(૧૯૦૧-૧૯૮૯)એ લશ્કરના વડાઓના નિર્ણયો અને કૃત્યો સામે મૌન સેવ્યું હતું અને એ રીતે તેમના પર યુદ્ધમાં પરોક્ષ સંડોવણીનો આક્ષેપ મૂકી શકાયો હોત; પરંતુ ૧૯૪૫માં મિત્રરાષ્ટ્રો સામે જાપાનની શરણાગતિ સ્વીકારવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી તે બાબત ધ્યાનમાં લઈને ટોકિયો મુકદ્દમામાં ગુનેગારોની યાદીમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હતા.