Categories
વાચન સમૃદ્ધિ

શનિવારની સાંજનું ચિંતન

અમેરિકાના એક સમયના આર્થિક બાબતોના નિષ્ણાત એચ. પી. હોવેલનું જીવન એટલે અવિરત પ્રગતિનો ઊંચો ગ્રાફ. સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરવાની તકથી વંચિત રહેલા એચ. પી. હોવેલે કરિયાણાની સામાન્ય દુકાનમાં કારકુની કરીને આજીવિકા મેળવવાનો પ્રારંભ કર્યો. નિષ્ઠા, ચીવટ અને પ્રામાણિકતાથી સતત આગળ વધતા રહ્યા. એક સામાન્ય કારકુનમાંથી તેઓ અમેરિકન સ્ટીલ કંપની જેવી વિખ્યાત કંપનીના ક્રૅડિટ મૅનેજર બની ગયા. અહીં પણ એમની પ્રગતિનું પૂર્ણવિરામ આવ્યું નહીં. એથીય આગળ વધીને તેઓ અમેરિકાની કમર્શિયલ નૅશનલ બૅંક ઍન્ડ ટ્રસ્ટ કંપનીના ચૅરમૅન અને બીજી ઘણી કંપનીઓના ડાયરેક્ટર બન્યા અને અમેરિકાના અર્થકારણમાં પોતાની કાબેલિયતથી આગવું સ્થાન ઊભું કર્યું. સૌને આશ્ચર્ય થતું કે એચ. પી. હોવેલે આવી અવિરત પ્રગતિ કરી કઈ રીતે ? એમની પ્રગતિનું રહસ્ય એ હતું કે તેઓ એક નાની એપોઇન્ટમેન્ટ ડાયરી રાખતા હતા અને એમાં દિવસ દરમિયાન કરવાનાં કાર્યોની અગ્રતાક્રમે નોંધ કરતા હતા. આમ રોજેરોજ એ પોતાનાં કાર્યોની અને પરિણામોની નોંધ કરતા જાય અને શનિવાર સાંજે તેઓ નિરાંતે બેસીને ગયા સપ્તાહે કરેલાં કાર્યોનું ચિંતન કરતા હતા. શનિવાર સાંજે એ કુટુંબ કે વેપારનું કોઈ કામ કરતા નહીં, બલ્કે ડાયરી ખોલીને ગયા અઠવાડિયે કરેલી પ્રવૃત્તિ વિશે ઊંડો વિચાર કરતા. પોતે કરેલાં કાર્યો અને લીધેલી મુલાકાતોને યાદ કરતા અને પછી આમાં ક્યાં પોતે કુશળતા દાખવી અને ક્યાં ભૂલ કરી બેઠા, એનું ચિંતન કરતા. ક્યારેક તો એમને ખ્યાલ આવતો કે તેઓ સાવ મૂર્ખાઈભરી ભૂલ કરી બેઠા છે. આથી હવે પછી આવી મૂર્ખાઈભરી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કરતા અને આમ આત્મચિંતન અને સ્વ-સુધારણા દ્વારા એ એમના જીવનને અને કારકિર્દીને પ્રગતિને પંથે મૂકતા રહ્યા. 1974ની 31મી જુલાઈએ એચ. પી. હોવેલનું અકાળ મૃત્યુ થયું, ત્યારે અમેરિકાના વૉલ સ્ટ્રીટમાં સોપો પડી ગયો હતો, કારણ કે સૌના દિલમાં એ દુ:ખ હતું કે એમણે દેશનો કુશળ અર્થશાસ્ત્રી ગુમાવ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુરૈયા

જ. 15 જૂન, 1929 અ. 31 જાન્યુઆરી, 2004

હિન્દી ફિલ્મજગતનાં ખ્યાતનામ અભિનેત્રી અને ગાયિકા સુરૈયાનો જન્મ અઝીઝ જમાલ શેખ તથા મુમતાઝ બેગમ શેખને ત્યાં ચુસ્ત મુસ્લિમ પરિવારમાં લાહોર(પાકિસ્તાન)માં થયો હતો. તેમનું મૂળ નામ સુરૈયા જમાલ શેખ હતું. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે એમનો પરિવાર અર્થોપાર્જન માટે લાહોરથી મુંબઈ આવી સ્થાયી થયો. મામા એમ. ઝહૂર તથા નાની બાદશાહ બેગમ હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલાં હોવાથી સુરૈયાને બાળપણથી જ ફિલ્મજગત પ્રત્યે આકર્ષણ હતું. શાળાકીય અભ્યાસ ન્યૂ હાઈસ્કૂલ મુંબઈમાં શરૂ કર્યો. નાની પાસેથી ઇસ્લામનું જ્ઞાન તથા પર્શિયન ભાષાનું જ્ઞાન મળ્યું. 1936માં ફિલ્મ ‘મદામ-એ-ફૅશન’માં બાળકલાકાર તરીકે અભિનય કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1941માં મામા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગયાં અને ફિલ્મ તાજમહેલમાં ‘મુમતાઝમહલ’નું પાત્ર ભજવવા માટે આમંત્રણ મળ્યું. જે એમણે સ્વીકાર્યું. કિશોર વયમાં આકાશવાણીનાં બાળકોના કાર્યક્રમમાં એમનો અવાજ સાંભળતા સંગીતકાર નૌશાદના ધ્યાનમાં આવ્યાં. 1942માં ફિલ્મ ‘નયી દુનિયા’ માટે એમણે પ્રથમ ગીત ગાયું. ત્યારબાદ અનેક ફિલ્મોમાં અભિનય કરીને અભિનય અને ગાયન એમ બંને ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી. ‘ઇશારા’, ‘તદબીર’, ‘ફૂલ’, ‘અનમોલ ઘડી’, ‘ઉમર ખય્યામ’, ‘પરવાના’, ‘દર્દ’, ‘શાયર’, ‘દાસ્તાન’, ‘અફસર’, ‘દિવાના’ જેવી અનેક ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય કર્યો. 1954માં ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ એમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક પુરવાર થઈ. એમના  કાર્યકાળના સર્વોચ્ચ સમય દરમિયાન ‘મલિકા-એ-હુસ્ન’ તથા ‘મલિકા-એ-અદાકારી’ જેવા ખિતાબ સુરૈયાને પ્રાપ્ત થયા. એમણે 70 ફિલ્મોમાં અભિનય કર્યો તેમજ 338 ગીતોને કંઠ આપ્યો. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ ફિલ્મ સાથે ફિલ્મજગતને તિલાંજલિ આપી. અંગત જીવન એકલતાભર્યું રહ્યું. પ્રિયપાત્ર સાથે લગ્ન ન થઈ શકવાને કારણે આજીવન હતાશાભર્યો સમય પસાર કર્યો. એક સમયે પુરુષ અભિનેતાઓ કરતાં વધુ મહેનતાણું મેળવતાં સુરૈયા જીવનનાં અંતિમ વર્ષોમાં અનેક બીમારીઓ તથા એકલતામાં રહ્યાં બાદ હરકિશન હૉસ્પિટલમાં એમનું અવસાન થયું. ફિલ્મક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન માટે તેમને 1996માં સ્ક્રીન વીડિયોકોન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, 1999માં બિમલ રૉય મેમોરિયલ લાઇફટાઇમ એચીવમેન્ટ ટ્રૉફી, 2003માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ ઉપરાંત અન્ય સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2013માં ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આંદામાન-નિકોબાર ટાપુઓ

બંગાળના ઉપસાગરની દક્ષિણ-પૂર્વમાં આવેલા ટાપુઓનો સમૂહ.

ભારતના આ કેન્દ્રશાસિત વિસ્તારનું ભૌગોલિક સ્થાન : ૬° થી ૧૪° ઉ. અ. અને ૯૨° ૦૦´થી ૯૪° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. વિસ્તાર : ૮,૨૪૮ ચો.કિમી.. વસ્તી : ૪ લાખ ૧૫ હજાર (૨૦૨૬, આશરે). આ પ્રદેશ ૩ જિલ્લાઓમાં વહેંચાયેલો છે. તેમાં શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે ૩ અને ૫૪૮ જેટલી છે. તેના ૩,૦૦૦ જેટલા ટાપુઓમાં ૩૬૫ મુખ્ય છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વકિનારાથી ૧,૨૦૦ કિમી. એટલે કે ૬૪.૮૬ નૉટિકલ માઈલ (સમુદ્રનાં અંતર નૉટિકલ માઈલમાં ગણાય છે. ૧ નૉટિકલ માઈલ = ૧.૮૫ કિમી. થાય.) દૂર છે. પાંચ મોટા ટાપુઓનો સમૂહ બૃહત આંદામાન તથા દક્ષિણમાંના ૨૦૪ જેટલા નાના ટાપુઓનો સમૂહ લઘુ આંદામાન તરીકે ઓળખાય છે. આ ટાપુઓનો વહીવટ ભારત સરકાર હસ્તક છે. આંદામાનની રાજધાની તેમ જ મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે. આ ઉપરાંત અન્ય બે શહેરો પણ છે. નિકોબાર ટાપુઓ આંદામાનની દક્ષિણે ૧૨૧ કિમી. દૂર આવેલા છે. આ ટાપુઓ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે, જેમાંનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ ૭૫૦ મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના ૮૫ % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં અભયારણ્યો તેમ જ પ્રાણીસંગ્રહાલય પણ છે.

ઓંગે જાતિના આદિવાસી લોકો નાના આંદામાનમાં વસે છે. અન્ય નિગ્રો કુળની જાતિઓ પણ અહીં વસે છે; જેમ કે, સૅન્ટિનેલીસ, જારાવા અને આંદામાનીસ. મૉંગોલૉઇડ જાતિના શૉમપેન અને નિકોબારીસ નિકોબાર ટાપુમાં વસે છે. આંદામાનના મૂળ વતનીઓ ૧૯મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર, ડાંગર વગેરેનો પાક લેવાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇમારતી લાકડાં અને રબરનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંદામાન-નિકોબાર ટાપુઓ, પૃ. 141)