Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિ પ્રસાદ અગરવાલા

જ. 17 જૂન, 1903 અ. 17 જાન્યુઆરી, 1951

 અસમના રાષ્ટ્રભક્ત કવિ, નાટ્યકાર, ગીતકાર, લેખક અને ફિલ્મ-નિર્માતા જ્યોતિ પ્રસાદનો જન્મ દિબ્રુગઢ જિલ્લાના તામુલબારી ચાયબાગાનમાં થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે અસમિયા સંસ્કૃતિ તથા સભ્યતા તેની મૂળરૂપથી વિછિન્ન થઈ ગઈ હતી. પ્રગતિશીલ વિશ્વની સાહિત્યિક તથા સાંસ્કૃતિક ધારાથી અસમ પ્રત્યક્ષ સંપર્કમાં ન હતું. તેવા સમયે તેમણે પોતાની પ્રતિભાથી અસમની જનતાને એક નવી દૃષ્ટિ આપી અને વિશ્વમાં અસમની સંસ્કૃતિને ઉજાગર કરી. આમ જ્યોતિ પ્રસાદની બહુયામી અને વિલક્ષણ પ્રતિભાને લીધે તેમને એક હજાર સાલના ‘દસ શ્રેષ્ઠ અસમિયા’માં સ્થાન મળેલું છે. તેઓએ માત્ર 14 વર્ષની ઉંમરે ‘શોણિત કુંવરી’ નાટકની રચના કરી, જેમાં ઉષા-અનિરુદ્ધની કથા નાટ્યબદ્ધ થયેલી છે. વળી, રાજકુંવરીની લોકકથાને આધારે રચાયેલી ‘કારેનગર લગીરી’ (1930) તેમની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. જેના દ્વારા અસમિયા નાટ્યમાં આધુનિકતાનાં મંડાણ થયાં ગણાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં નવીનતા લાવવા બદલ અને વળી મૂળે મારવાડથી પરિવાર આવ્યો હોવાથી તેમને ‘રૂપકુંવર’ એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના તેમનાં અનેક ગીતોમાં મુખરિત થાય છે. તેમનાં ગીતો શૌર્યને ઉત્તેજિત કરનારાં પણ હોય છે. અસમિયા લોકગીતોના ઢાળ પ્રયોજી તેમાં લયમાધુર્ય પણ બક્ષ્યું છે. તેમનાં કાવ્યોને ‘જ્યોતિસંગીત’ નામ મળેલું છે. ‘જ્યોતિ રચનાવલી’ ગ્રંથમાં તેમનું સમગ્ર સાહિત્ય સંગૃહીત છે, તેમણે 10 નાટકો અને લગભગ એટલી જ વાર્તાઓ, એક નવલકથા, 20થી અધિક નિબંધો તથા 359 ગીતોનું સંકલન કર્યું છે. ‘નીમાતી કન્યા’ (મૂંગી કન્યા) નામની નૃત્યનાટિકા પણ લખી છે. આ ઉપરાંત ત્રણ-ચાર હિન્દી ગીતો તથા અંગ્રેજી નાટકો પણ લખ્યાં છે. અસમ સરકાર દર વર્ષે 17 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિને ‘શિલ્પી દિવસ’ તરીકે ઊજવે છે. ત્યારે પૂરા અસમમાં રજા પળાય છે. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

દીમાપુર

ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54´ ઉ. અ. અને 93° 44´ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં આશરે 45 કિમી. દૂર તે આવેલું છે. તેનો વિસ્તાર 924 ચોકિમી. છે. તે નૈઋત્યથી ઈશાન ખૂણા તરફ લંબાયેલી ‘કોહિમાની ટેકરીઓ’થી પશ્ચિમમાં અને આસામ રાજ્યની સીમા પરનાં મેદાનોમાં આવેલું છે. આમ છતાં તેની પાર્શ્વભૂમાં લીલોતરી અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી લાંબી ઊંચી પહાડી ટેકરીઓ અને તેમની વચ્ચે વચ્ચે નદીની ખીણો આવેલી છે. દીમાપુરની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર એમ લગભગ સાત માસ સુધી વરસાદ પડે છે. વરસાદનું પ્રમાણ આશરે 1800 મિમી. જેટલું છે. અહીં ડાંગર, મકાઈ, બાજરી, બટાટા, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.

તેનાં જંગલોમાં વાઘ, હાથી, સૂવર અને બીજાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે. અહીં અન્ગામી અને ચાખેસાન્ગા જેવી નાગા જાતિના લોકો વસે છે. દીમાપુરને રેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને હવાઈ માર્ગોની ઉત્તમ સેવાઓ મળેલી છે, જેનાથી તે પડોશી રાજ્યો અને દેશનાં અગત્યનાં નગરોથી સંકળાયેલું છે. ગોલાઘાટ–ઇમ્ફાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ત્યાંથી પસાર થાય છે. તેની આસપાસના પ્રદેશોમાંથી અહીંના બજારમાં ચોખા, નારંગી, બટાટા, કપાસ અને બીજી ખેતપેદાશો આવે છે, તેથી તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર બન્યું છે. અહીં મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના પ્રોસેસિંગ તથા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ઉદ્યોગો,  છૂટક ભાગો જોડીને ટી.વી. બનાવવાના એકમો, ઈંટો બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ અને કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે. ખાંડની વિશાળ મિલ અને તેને સંલગ્ન આલ્કોહૉલનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ પણ આ નગરમાં છે. જૂના વખતના આવાસો અને મહાલયોનાં સુંદર, કળામય બેનમૂન બાંધકામો માટે તે જાણીતું છે. ત્યાં દુર્ગ, નગરની આજુબાજુ ફરતો કોટ, પથ્થરનાં દ્વાર તથા સ્તંભ વગેરેના અવશેષો છે. આ જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 4.39 લાખ અને 1.82 લાખ જેટલી (2026, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત કુમાર

જ.  16 જૂન, 1920 અ. 26 સપ્ટેમ્બર, 1989

વારાણસી(ઉત્તરપ્રદેશ)માં જન્મેલ હેમંત કુમારનું પ્રારંભિક શિક્ષણ કૉલકાતામાં થયું. 13 વર્ષની ઉંમરે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. શાળા બાદ વધુ અભ્યાસ માટે તેમણે બંગાળ ટૅકનિકલ શિક્ષણસંસ્થામાં પ્રવેશ લીધો, પણ શારીરિક અસ્વસ્થતાના કારણે પિતાની નારાજગી હોવા છતાં શિક્ષણ છોડીને સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં સાહિત્યક્ષેત્રે પ્રયોગાત્મક રીતે બંગાળી સામયિક ‘દેશ’માં એક ટૂંકી વાર્તા પ્રકાશિત કરી, પણ સંગીતરસિક જીવ છેવટે સંગીતને જ સમર્પિત થયો. 1940માં તેમણે બંગાળી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1942માં હિન્દી સિનેમામાં ‘મિનાક્ષી’ ફિલ્મથી પ્રવેશ કર્યો. 1947માં સંગીતદિગ્દર્શક તરીકે તેમણે બંગાળી ફિલ્મ ‘અભિયાત્રી’માં કામ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જ્યાં તેમની મુલાકાત સાથી સભ્ય અને સંગીતકાર સલીલ ચૌધરી સાથે થઈ. આ જોડીએ 1947માં હૃદયસ્પર્શી ગીતરચના ‘ગણ્યેર બધુ’ (ગ્રામીણ વહુ) રજૂ કરી, જે ખૂબ સફળ રહી. ફિલ્મ ‘આનંદ મઠ’નાં ગીતોને સંગીતબદ્ધ કરવા તેઓ મુંબઈ સ્થળાંતરિત થયા. આ ફિલ્મનું  ઐતિહાસિક ગીત ‘વંદે માતરમ્’ ગાયું. તેમણે ‘જાલ’, ‘નાગીન’, ‘હાઉસ નંબર 44’, ‘એક હી રાસ્તા’, ‘દુનિયા ઝૂકતી હૈ’, ‘બીસ સાલ બાદ’ વગેરે ફિલ્મોમાં સુમધુર સંગીત આપ્યું. 1950ના દાયકામાં તેઓ બિનફિલ્મી બંગાળી ગીતો, રવીન્દ્ર સંગીત, બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીત વગેરે થકી કારકિર્દીના શિખર પર રહ્યા. 1959માં હેમંત બેલા પ્રોડક્શન હેઠળ તેમણે ફિલ્મનિર્માણની શરૂઆત કરી. મૃણાલ સેનદિગ્દર્શિત હેમંતદાની પ્રથમ ફિલ્મ ‘નીલ આકાશેર નીચે’ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. બંગાળી અને હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ ગાયું અને સંગીતસર્જન કર્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સહિત અન્ય ઘણા દેશોમાં સંગીતના કાર્યક્રમો આપ્યા. બંગાળ પાછા ફર્યા બાદ તેમણે 1963માં ‘પલટક’ અને અન્ય બંગાળી ફિલ્મોમાં લોકસંગીત અને સુગમસંગીતનું સંયોજન કરી સંગીત આપવાનું ચાલુ રાખ્યું. 1961માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી નિમિત્તે ગ્રામોફોન કંપનીએ હેમંત કુમાર દ્વારા ગવાયેલ રવીન્દ્ર સંગીત બહાર પાડ્યું હતું. ‘ઈશ્વરનો અવાજ‘ તરીકે નામના પામેલા આ ગીતકાર, સંગીતકાર અને ફિલ્મનિર્માતાને બંગાળ સરકાર તરફથી અનેક વાર શ્રેષ્ઠ ગાયકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમને 1956માં ફિલ્મફેર ઍવૉર્ડ અને બે વાર રાષ્ટ્રીય ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2016માં ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ બહાર પાડી હતી.