Categories
વાચન સમૃદ્ધિ

ડભોઈ

વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : ૨૨° ૧૧´ ઉ. અ. અને ૭૩° ૨૬´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ ૬૩૨.૬ ચોકિમી. છે. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા ૧૧૮ ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે ૭૩,૦૦૦ (૨૦૨૪) છે. ડભોઈના ‘દર્ભાવતી’ અને ‘દર્ભવતી’ તરીકે પ્રાચીન ઉલ્લેખો મળે છે. તાલુકાની જમીન સમતલ અને ફળદ્રૂપ છે. નર્મદા, ઢાઢર, ઓરસંગ અને હિરણ આ તાલુકામાંથી વહે છે. તાલુકામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, ઘઉં અને બાજરીનું તથા કઠોળમાં તુવેરનું વાવેતર થાય છે. ઉદ્યોગોમાં મુખ્યત્વે લાકડાં વહેરવાની મિલો, જિનો અને સાબુનાં અને લોખંડનું ફર્નિચર બનાવવાનાં કારખાનાં તથા તેલની મિલો છે. એક રસાયણનું કારખાનું તથા તાંબાપિત્તળનાં વાસણોનાં કારખાનાં પણ છે. હાથસાળનું કાપડ, ઘોડિયાં વગેરે લાકડાની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. ડભોઈ તાલુકાનું ખરીદ-વેચાણ માટેનું કેન્દ્ર છે.

હીરા ભાગોળ દરવાજો, ડભોઈ

ડભોઈ એ ડભોઈ–જંબુસર, ચાંદોદ–માલસર અને ડભોઈ–ટીંબા નૅરોગેજ રેલવેનું જંકશન છે. જિલ્લા માર્ગો દ્વારા તે વડોદરા, કરજણ, મિયાંગામ, સંખેડા, જબુગામ, છોટાઉદેપુર, છુછાપુરા વગેરે શહેરો સાથે સંકળાયેલ છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કૉલેજો છે. ગ્રંથાલયો અને ગ્રંથાલય – વાચનાલયની સગવડ પણ છે. ડભોઈ તેના પથ્થરના દુર્ગને લીધે વિખ્યાત છે. નર્મદા નદીની ઉત્તરે આવેલો આ દુર્ગ વામાવર્ત સ્વસ્તિકના કોઠાવાળાં પ્રવેશદ્વારો ધરાવે છે. આ પ્રવેશદ્વારો પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ પાસે આવેલાં હોવાથી તે ભાગોળનાં નામ પરથી ઓળખાય છે. ડભોઈના નાંદોદી, વડોદરી અને મહુડીના દરવાજાના બહારના વામાવર્ત કોઠાઓ મોટે ભાગે ખંડિત અવસ્થામાં છે. પરંતુ તેનાં ઇલ્લિકા તોરણોવાળા દરવાજા પરનાં મોટે ભાગે ખંડિત, પરંતુ ઓળખી શકાય એવી હાલતમાં રહેલાં શિલ્પો પૈકી મહુડી ભાગોળ પરનાં નાથ સંપ્રદાયનાં શિલ્પો ઘણાં મહત્ત્વનાં છે. આ દુર્ગના દરવાજાથી અંદર આવતા રસ્તાઓ લગભગ મધ્યમાં મળે છે. અહીંથી દુર્ગના ઈશાન ભાગના તળાવ સાથે તેમનો સંબંધ છે. ડભોઈના દુર્ગમાં પાણી માટેની આ વ્યવસ્થા લાંબા સમયના ઘેરા માટે ઉપયોગી છે. આ દુર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવાના અનુક્રમે ચૌલુક્ય-વાઘેલા, યાદવો અને પરમારોના સંઘર્ષના આશરે બારમી સદીના અંત પછી તેરમી સદીમાં તૈયાર થયો હતો, ત્યારબાદ તેનો ઉપયોગ અને સમારકામ વારંવાર થયું હોવા છતાં તેની મૂળ રચનાના ઘણા અંશો સચવાયેલા છે. ગુજરાતના વીશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે. ડભોઈની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોવાથી આ નૈસર્ગિક પરિસ્થિતિનો લાભ દુર્ગનું સ્થાન નક્કી કરવામાં મળ્યો હતો. આ દુર્ગની હીરા ભાગોળ તેના કાલિકા માતાના મંદિર તથા હાલ નષ્ટપ્રાય થયેલા વૈદ્યનાથના મંદિરને લીધે વિશેષતા ધારણ કરે છે. કાલિકા માતાના મંદિરના મહાપીઠ અને મંડોવરના ભાગો સચવાયેલા છે. તેના પર વિવિધ આખ્યાયિકાઓ, દેવ અને દેવીઓનાં શિલ્પો ઉપરાંત સામાન્ય જીવનનાં દૃશ્યો પણ કોતરેલાં છે. વૈદ્યનાથના મંદિરની મહાપીઠના ભાગો સચવાયેલા છે. મંદિરોનું તથા કિલ્લા અને દરવાજાઓનું સમારકામ હીરાધર શિલ્પી દ્વારા થયું એમ મનાય છે. મૂળ કિલ્લો વગેરે બાંધનાર દેવા શિલ્પી હતો તેમ જણાય છે. ઋષભદેવ જયતિલકપ્રાસાદ અને ત્રણ જૈન મંદિરો, નાગેશ્વર તળાવ વચ્ચેનું નાનું શિવમંદિર, બીબીની બગી, મિનારાવાળી દરગાહ તથા અન્ય દરગાહો, પાછળથી બંધાયેલાં વાઘનાથ, મંગળેશ્વર, આશાપુરી તથા ગઢ ભવાનીનાં મંદિરો વગેરે જોવાલાયક છે. વડોદરા, ચાંપાનેરી વગેરે ચાર દરવાજાઓનું શિલ્પ બેનમૂન છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ઉપરની વૃત્તિનો થોડો ભાગ અહીં લખ્યો હતો. સત્તરમી સદીમાં રત્નો કવિ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં ‘ગરબી’ પ્રકારનાં કાવ્યોના રચયિતા કવિ દયારામ થઈ ગયા છે. સોલંકીકાળ દરમિયાન આ સમૃદ્ધ શહેરનાં દેવમંદિરોનો અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને નાશ કર્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

ધીરુ પરીખ

જ. ૩૧ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૯ મે, ૨૦૨૧

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે જાણીતા ધીરુ પરીખનો જન્મ વિસનગરમાં થયો હતો. પિતા ઈશ્વરલાલ પરીખ ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા અને ગાંધીજીની વિચારસરણીને વરેલા હતા. તેમનાં  માતાનું નામ ડાહીબહેન હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિરમગામમાં જ થયું હતું. ભણવામાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા. અભ્યાસકાળથી જ ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખવાની શરૂઆત કરેલી અને આઝાદીની લડતમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૫૫માં બી.એ., ૧૯૮૫માં એમ.એ. અને ૧૯૬૬માં ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ વિષય પર મહાનિબંધ લખીને તેઓ પીએચ.ડી. થયા હતા. પ્રારંભમાં થોડો સમય મૉડર્ન હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૫૯થી અમદાવાદાની સી. યુ. શાહ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી તેઓ વઢવાણની મહિલા કૉલેજમાં આચાર્યપદે રહ્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૭ દરમિયાન ફરી સી. યુ. શાહ કૉલેજમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૭૭થી ૧૯૯૩ સેવાનિવૃત્તિ સુધી ભાષા-સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રોફેસર અને અધ્યક્ષપદે સેવાઓ આપી હતી. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપકોમાં તેમનું સ્થાન નોંધપાત્ર છે. ધીરુ પરીખ પાસેથી આઠ કાવ્યસંગ્રહો, બે વાર્તાસંગ્રહો, બે જીવનચરિત્રો, તેર વિવેચનસંગ્રહો, તેર સંપાદનો, બે અનુવાદ અને એક એકાંકીસંગ્રહ એમ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. ‘ઉઘાડ’, ‘આગિયા’ અને ‘અંગપચીસી’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેઓ ‘વિશ્વકવિતા કેન્દ્ર’ના સહઆયોજક તરીકે અને ગુજરાતીનો અધ્યાપક  સંઘ તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહી ચૂકેલા છે. જાણીતા સામયિક ‘કવિલોક’ અને ‘કુમાર’ના તંત્રી તરીકે અને ‘બુધ-કવિસભા’ના સંચાલક તરીકે તેઓ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. ધીરુ પરીખને ૧૯૭૧માં કુમારચંદ્રક, ૧૯૮૨માં જયંત પાઠક પારિતોષિક, સચ્ચિદાનંદ સન્માન, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક અને ૨૦૦૮માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જાદુઈ દવા

અમેરિકામાં મનોચિકિત્સક તરીકે આલ્ફ્રેડ ઍડલરની ઘણી મોટી ખ્યાતિ હતી. એમ કહેવાતું કે એમની પાસે જનારો મનોરોગી થોડા જ દિવસમાં રોગમુક્ત થઈને સ્વસ્થ બની જતો. કોઈ દર્દી આવીને ડૉક્ટરને કહેતો કે એના મનને ચારે બાજુથી હતાશા ઘેરી વળી છે, તો કોઈ કહેતો કે એ કદી બહાર ન નીકળી શકે એવા ડિપ્રેશનમાં ડૂબી ગયો છે. કોઈ દર્દીની એવી ફરિયાદ હોય કે મારી જિંદગી એટલી બધી બેચેન અને બહાવરી બની ગઈ છે કે મારા મનને ક્યાંય ચેન પડતું નથી, શું કરવું તે સૂઝતું નથી તેથી હાથપગ વાળીને ઘરમાં સૂનમૂન બેસી રહું છું. પ્રણયભંગ થનાર કે ધારેલી સિદ્ધિ નહીં મેળવનાર પણ એમની પાસે આવતા અને એ જ રીતે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા પણ આવતા. આલ્ફ્રેડ ઍડલરની ખૂબી એ હતી કે તેઓ આ પ્રકારના દર્દીઓને એક જ વાત કરતા, ‘તમે જો મારું માનો, તો માત્ર ચૌદ દિવસમાં તદ્દન રોગમુક્ત બની જશો.’ દર્દીઓ ડૉક્ટરના ઉત્સાહને જોતા અને કહેતા, ‘એવી તે કઈ જાદુઈ દવા તમારી પાસે છે કે અમારો આ વર્ષો જૂનો રોગ ચૌદ દિવસમાં દૂર થઈ જશે.’ આલ્ફ્રેડ ઍડલર કહે, ‘દવા સાવ સાદી છે. બસ, તમે રોજ સવારે ઊઠો ત્યારે એક જ વિચાર કરો કે આજે મારે ઓછામાં ઓછા એક માણસને આનંદિત કરવો છે. એક એવું સત્કર્મ કરો કે જેનાથી અન્યના ચહેરા પર ખુશી આવે.’ ડૉક્ટર આલ્ફ્રેડ એડલરે પોતાના પુસ્તકમાં એવાં અનેક દૃષ્ટાંતો આપ્યાં છે કે જેમાં આ ઉપચારથી અનેક લોકોના જીવનમાંથી હતાશા, નિરાશા કે આત્મહત્યાના વિચારે વિદાય લીધી હોય. જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગ્યો હોય.