આપણા સુખ અને આપણા દુ:ખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંત:કરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુ:ખ પામીએ છીએ. આમ સુખ આપણું અને દુ:ખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુ:ખી દુ:ખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુ:ખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે. કઈ ક્ષણે સુખ મળશે અને કઈ ઘડીએ દુ:ખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ. દુ:ખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુ:ખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુ:ખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુ:ખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.
દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કે. એ. નીલકંઠ શાસ્ત્રીનો જન્મ તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે તિરુનેલવેલીમાં શિક્ષણકાર્ય કર્યું. ૧૯૧૩માં હિંદુ કૉલજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૧૮માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા. ૧૯૫૨માં મૈસૂર યુનિવર્સિટીમાં ઇન્ડૉલૉજીના પ્રોફેસર તરીકે અને ૧૯૫૪માં મૈસૂર રાજ્યના પુરાતત્ત્વ નિયામક તરીકે કાર્ય કર્યું. તેઓ યુનેસ્કોની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેડિશનલ કલ્ચર્સ ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયાના નિયામક પણ હતા. અગ્નિ એશિયાના ઇતિહાસના અભ્યાસ માટે તેઓ ડચ અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા હતા. તેમણે અર્ધી સદી જેટલા સમય સુધી ઇતિહાસનાં સંશોધન કર્યાં. તેમણે દેશ-વિદેશમાં અનેક પ્રવચનો આપ્યાં, જે ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. તેમણે ૧૯૨૬માં યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં ‘ધ પાંડ્યન્ કિંગ્ડમ’ પર આપેલાં વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થયાં હતાં. તેમણે યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં આપેલાં સર વિલિયમ મેયર વ્યાખ્યાનો ‘હિસ્ટરી ઑવ્ શ્રીવિજય, ‘યુનિવર્સિટી ઑવ્ શિકાગો’માં આપેલાં પ્રવચનો ‘ડેવલપમેન્ટ ઑવ્ રીલિજિયન ઇન સાઉથ ઇન્ડિયા’ અને ‘યુનિવર્સિટી ઑવ્ પટણા’માં આપેલાં પ્રવચનો ‘કલ્ચરલ કૉન્ટેક્ટ્સ બિટવીન આર્યન્સ ઍન્ડ દ્રાવિડિયન્સ’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયાં છે. તેમણે ‘ફર્ધર સોર્સિસ ઑવ્ વિજયનગર હિસ્ટરી’ના ત્રણ ગ્રંથોમાં ઇતિહાસને ઉજાગર કર્યો છે. તેઓ પટણામાં યોજાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના પ્રમુખ હતા. તેઓ કેન્દ્રીય પુરાતત્ત્વ સલાહકાર બોર્ડના સભ્ય હતા. તેમણે ઇતિહાસમાં કરેલાં સંશોધનો બદલ ભારત સરકારે તેમને ૧૯૫૭માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.
: ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે ૨૯° ૫૪´ અને ૩૭° ૨૧´ ઉ. અ. તથા ૭° ૩૩´ અને ૧૧° ૩૮´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૭૮૦ કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૩૭૮ કિમી. છે. તે જિબ્રાલ્ટર અને સુએઝ નહેરની વચ્ચે આવેલા પ્રદેશના મધ્ય ભાગમાં વસેલું છે. સિસિલીની બોન ભૂશિર તેનાથી ૧૩૯ કિમી. દૂર છે. તેના દરિયાકિનારા નજીક નાના બેટો આવેલા છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧,૬૪,૧૫૦ ચોકિમી. તથા વસ્તી ૧,૧૯,૭૪,૦૦૦ કરોડ (૨૦૨૪, આશરે) છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૫૧ છે. કુલ વસ્તીના ૫૪ ટકા શહેરી વિસ્તારમાં તથા ૪૬ ટકા ગ્રામ વિસ્તારમાં વસે છે. તેની મુખ્ય રાજ્યભાષા અરબી છે. ટ્યૂનિસ તેનું પાટનગર છે. ટ્યૂનિસિયાના ઉત્તર કિનારે સાંકડી નીચાણવાળી પટ્ટી છે. નીચાણવાળા આ ભાગની દક્ષિણે ઍટલાસ ગિરિમાળા છે, જે અલ્જિરિયા સુધી વિસ્તરેલ છે. ઍટલાસ પર્વતના રેલ ઍટલાસ અને સહરા ઍટલાસ એવા બે ભાગ છે. તેનું સર્વોચ્ચ શિખર જેબલ ચંબી ૧,૫૪૪ મી. ઊંચું છે, જ્યારે બીજું શિખર જેબલ ઝાગવાન ૧૨૯૫ મી. ઊંચું છે. ઍટલાસ પર્વતમાળાની દક્ષિણે ૬૦૦ મી.થી વધુ ઊંચો ઉચ્ચપ્રદેશ આવેલો છે. ઉચ્ચપ્રદેશની દક્ષિણે આવેલો ભાગ નીચો અને રેતાળ છે. ટ્યૂનિસિયાના એક-તૃતીયાંશ ભાગમાં સહરાનું રણ છે. ટ્યૂનિસિયાની સૌથી લાંબી નદી મેજર્દા છે. તેનું પાણી ટ્યૂનિસના અખાતમાં ઠલવાય છે.
ટ્યૂનિસ શહેર
ઉત્તર ટ્યૂનિસિયાની આબોહવા ભૂમધ્ય સમુદ્રના કુદરતી પ્રદેશ જેવી છે. શિયાળો સમધાત અને ભેજવાળો છે. અહીં શિયાળામાં વરસાદ પડે છે; જ્યારે ઉનાળો લાંબો, ગરમ અને સૂકો હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૪૩૦ મિમી. પડે છે. ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન સરેરાશ વાર્ષિક તાપમાન જાન્યુઆરીમાં ૯° સે. અને ઑગસ્ટમાં ૨૧° સે. રહે છે. ઍટલાસ ગિરિમાળાના પ્રદેશમાં પર્વતની ઊંચાઈને કારણે વધારે ઠંડી પડે છે અને વરસાદ ૭૫૦–૧૨૫૦ મિમી. પડે છે. ટ્યૂનિસિયાનો મધ્યભાગ વેરાન છે. તે સ્ટેપ પ્રદેશ જેવી આબોહવા ધરાવે છે. તેના ઉત્તર ભાગમાં સરેરાશ ૩૬૦ મિમી. વરસાદ અને દક્ષિણ ભાગમાં ૨૦૦ મિમી. વરસાદ પડે છે. અહીં ટૂંકું ઘાસ અને કાંટાવાળા છોડ જોવા મળે છે. સ્ટેપ પ્રદેશમાં શિયાળામાં સરાસરી તાપમાન ૧૦° અને ઉનાળામાં ૨૭° સે. રહે છે. ચોટ્ટ-જેરીડ અને ગાબસ અખાતના પ્રદેશમાં ૭૫ મિમી.થી પણ ઓછો વરસાદ પડે છે. અહીં રણ જેવી સ્થિતિ છે. અહીં સરાસરી તાપમાન શિયાળામાં ૧૦° અને ઉનાળામાં ૩૨° સે. રહે છે. ખેતીમાં જવ, ઘઉં, ઑલિવ, લીંબુ, સંતરાં, મોસંબી, ખજૂર, શેરડી, દ્રાક્ષ, બીટ, જરદાળુ, પેર, સફરજન, પીચ, અંજીર, દાડમ, બદામ, પિસ્તાં અને ઍસ્પાર્ટો ઘાસ થાય છે. મોટાં ખેતરોમાં યંત્રોનો ઉપયોગ થાય છે; પણ ૯૦ ટકા ખેડૂતો જમીનના નાના ટુકડા ધરાવે છે. અનિશ્ચિત અને ઓછા વરસાદને કારણે પાક ઓછો આવે છે. મધ્ય ભાગ અને દક્ષિણમાં પશુપાલન મુખ્ય ધંધો છે. કિનારાના પ્રદેશ તથા સરોવરોમાં મચ્છીમારી થાય છે. પેટ્રોલિયમ, સીસું, લિગ્નાઇટ અને રૉક-ફૉસ્ફેટ મુખ્ય ખનિજો છે. અહીંથી પેટ્રોલિયમનું ઉત્પાદન લેવાય છે. લોહઅયસ્ક, જસતઅયસ્ક અને મીઠું થોડા પ્રમાણમાં મળે છે. પ્રક્રમણ કરેલ ખોરાકી ચીજો તથા મદ્ય ઉપરાંત કાપડ, ખાતર, રસાયણ, મોટર, સિમેન્ટ, કાગળ, સિગારેટ, ચર્મ, દવા વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ઉદ્યોગોનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર ૪.૫ ટકા છે. ટ્યૂનિસ નજીક કાર્થેજના પ્રાચીન અવશેષોને લીધે પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે. યંત્રો, ક્રૂડ અને પેટ્રોલ, અનાજ, મોટર, ઇમારતી લાકડું, રૂ અને સૂતરની આયાત થાય છે; જ્યારે કાપડ, તૈયાર કપડાં, રૉક-ફૉસ્ફેટ, ઑલિવનું તેલ, દારૂ, શુદ્ધ કરેલું સીસું, પોલાદ અને ઘડતર લોખંડની નિકાસ થાય છે. ફ્રાન્સ સાથે આ દેશનો વિશેષ વેપાર છે. અહીં જંગલી ભુંડ, હરણ અને શિયાળ જેવાં પ્રાણીઓ છે. પહાડોમાં જંગલી ઘેટાં અને સહરાના રણવિસ્તારમાં ફુરસા સાપ (horned viper) અને વીંછી જોવા મળે છે.
જયકુમાર ર. શુક્લ, શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્યૂનિસિયા, પૃ. ૩73)