જ. ૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૭ જૂન, ૧૯૬૫
૪૦ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેતા મોતીલાલ રાજવંશનો જન્મ સિમલામાં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. પરિવાર મૂળ દિલ્હીનો હતો એટલે દિલ્હીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો અને પછી તેઓ નૌકાદળમાં જોડાવા માટે મૌખિક પરીક્ષા આપવા મુંબઈ આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે પરીક્ષા ચૂકી ગયા. દરમિયાન એક મિત્ર સાથે એક ચિત્રનું શૂટિંગ જોવા ગયા, જ્યાં દિગ્દર્શક પી. કે. ઘોષે તેમને જોયા. હીર પારખી તેમણે મોતીલાલને અભિનેતા બનવા નિમંત્રણ આપ્યું અને સિનેજગતને એક ઉત્તમ અભિનેતાની ભેટ મળી. તેમનું પ્રથમ ચલચિત્ર ‘શહર કા જાદુ’ એ સમયનાં મશહૂર અભિનેત્રી સવિતાદેવી સાથે આવ્યું હતું. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તેમનો અભિનય સ્વાભાવિક રહેતો. મોતીલાલે ભજવેલાં ઘણાં પાત્રો તેમના સહજ અભિનયને કારણે જ યાદગાર બની રહ્યાં હતાં. મોતીલાલે તેમના બીજા જ ચિત્ર ‘સિલ્વર કિંગ’થી સફળતા પ્રાપ્ત કરી હતી. નાદિરા, શોભના સમર્થ, સવિતાદેવી જેવી તે સમયની સફળ અભિનેત્રીઓ જોડે તેમની જોડી જામી હતી. તે સમયના વિવિધ સ્ટુડિયો સાથે પગારદાર તરીકે રહેવા કરતાં સ્વતંત્ર રહીને કામ કરવાનું તેમણે પસંદ કર્યું હતું.
મોતીલાલને સંગીતનો શોખ હતો. તેઓ જાણીતા ગાયક મુકેશ જે તેમના પિતરાઈ પણ થાય, તેમને ચલચિત્રોમાં લાવ્યા હતા. તેમણે ‘છોટી છોટી બાતેં’ ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન કરવા ઉપરાંત તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં : ‘શહર કા જાદુ’ (૧૯૩૪), ડૉ. મધુરિકા (૧૯૩૫), ‘દો દીવાને’ (૧૯૩૬), ‘કુળવધૂ’ (૧૯૩૭), ‘થ્રી હન્ડ્રેડ ડેઝ ઍન્ડ આફટર’, ‘હમ તુમ ઔર વોહ’ (૧૯૩૮), ‘દિવાલી’, ‘હોલી’ (૧૯૪૦), ‘સાવન’ (૧૯૪૫), ‘એક થી લડકી’ (૧૯૪૯), ‘મિ. સંપત’ (૧૯૫૨), ‘દેવદાસ’ (૧૯૫૫), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘અનાડી’, ‘પૈગામ’ (૧૯૫૯), ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (૧૯૬૩), ‘લીડર’ (૧૯૬૪), ‘છોટી છોટી બાતે’, ‘વક્ત’ (૧૯૬૫), ‘યહ ઝિંદગી કિતની હસીન હૈ’ (૧૯૬૬)નો સમાવેશ થાય છે.
તેમને ફિલ્મ દેવદાસમાં ‘ચુન્ની બાબુ’ની ભૂમિકા બદલ અને ફિલ્મ ‘પરખ’માં સહાયક ભૂમિકા માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.
અમલા પરીખ