Categories
વાચન સમૃદ્ધિ

સિનેગૉગ

યહૂદીઓનું ધાર્મિક સ્થાન.

‘સિનેગૉગ’ —- એક ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી હાંકી કાઢેલા અને દેશવટો ભોગવતા યહૂદીઓએ મંદિરના સ્થાને તેની શરૂઆત કરી હતી, જ્યાં પ્રાર્થના ઉપરાંત ધાર્મિક ગ્રંથોનું અધ્યયન તથા ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવતું. સિનેગૉગ વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે.

સિનેગૉગ, અમદાવાદ

યહૂદીઓના ધર્મ દ્વારા જે કેટલાંક પવિત્ર સ્થાનો માન્ય રાખવામાં કે સ્વીકારવામાં આવ્યાં છે તેમાં સિનેગૉગને સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. તેના મુખ્ય બે પ્રકાર છે : રૂઢિચુસ્ત સિનેગૉગ અને લિબરલ સિનેગૉગ. વિશ્વમાં જ્યાં જ્યાં સિનેગૉગ ઊભાં કરવામાં આવ્યાં છે ત્યાં ત્યાં તે દરેકમાં કેટલાંક સમાન અને વિશિષ્ટ પ્રતીકો જોવા મળે છે. તેમાં સૌથી જાણીતું પ્રતીક છે ‘ARK’. તેમાં યહૂદીઓ માટેના ધાર્મિક આચારવિચાર-વિષયક લખાણના વીંટા (scrolls) ભૂંગળમાં સુરક્ષિત રાખેલા હોય છે. તેની યહૂદી ધર્મના અનુયાયીઓ પૂજા-પ્રાર્થના કરતા હોય છે. એ ‘ARK’ની બરાબર સામે અથવા તો દરવાજાની અંદર સુંદર નકશીકામ કરેલો પડદો લટકાવવામાં આવે છે. ARKની ઉપરના ભાગમાં બે મેજ હોય છે. તેના પર ઈશ્વરની ‘દસ આજ્ઞાઓ’(Ten Commandments)ની નકલો મૂકેલી હોય છે. તેની જોડે પ્રકાશ આપતી અખંડ દીવી પેટાવેલી રહે છે. તેને હિબ્રૂ ભાષામાં ‘Ner-Tamid કહેવામાં આવે છે. દીવી ઈશ્વરની ઉપસ્થિતિનું પ્રતીક ગણાય છે. સિનેગૉગમાં સાત જ્યોતવાળો એક અન્ય દીવો પણ રાખવામાં આવે છે. તેને મિનોરા (minorah) કહેવામાં આવે છે. સાત જ્યોત એ સાત દિવસનું પ્રતીક રૂપ છે. ઈશ્વરે જગતનું સર્જન કરતાં સાત દિવસ લીધા હતા તેનો પણ તે સંકેત કરે છે. તેને દિવ્ય દૃષ્ટિ કે શાણપણ (devine wisdom) તરીકે પણ ઓળખવામાં આવે છે. સિનેગૉગમાં છ ખૂણાવાળા એક તારાનું આલેખન હોય છે. આ તારાને ડેવિડનો તારો કહે છે. હિબ્રૂ ભાષામાં તેને ‘મેગાન ડેવિડ’ કહે છે. તેને ‘શિલ્ડયૉન ડેવિડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. યહૂદી ધર્મનું આ પ્રતીક છે. તે છ દિશાઓનું સૂચન કરે છે. ‘ટેબા’ (Tebah), ‘અર્થાત્’, ‘પવિત્ર આર્કની સંદૂક’(the box of the holy ARK)માં યહૂદીઓના ધર્મગ્રંથો રાખવામાં આવે છે. સિનેગૉગના પૂજાગૃહની રચના બાઇબલમાં નિર્ધારિત કરેલી છે. ધર્મગ્રંથોના પઠન સમયે ગ્રંથ મૂકવા માટે જે મેજ હોય છે તેને ‘Alarmar’ કહેવામાં આવે છે. આ મેજને સિનેગૉગની મધ્યમાં મૂકવામાં આવે છે. તેને યજ્ઞવેદીનું પ્રતીક (Altar) ગણવામાં આવે છે. સિનેગૉગના જે સ્થળેથી પ્રાર્થના ગવાતી હોય છે તે વ્યાસપીઠને ‘બિમા’ (Bimah) કહેવામાં આવે છે. જે ગોખલામાં આર્ક (ARK) મુકાય છે તેને હેકલ (Hechal) અથવા કોડેશ (Kodesh) કહે છે. ગુજરાતમાં અમદાવાદમાં ખમાસા પાસે પારસીની અગિયારીની સામે આવેલું સિનેગૉગ ૮મી સપ્ટેમ્બર, ૧૯૩૪માં બંધાયેલું છે અને તે ગુજરાતનું એકમાત્ર સિનેગૉગ છે. તે મેગાન અબ્રાહામ સિનેગૉગ તરીકે ઓળખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિનેગૉગ, પૃ. ૧૯૭)

Categories
વાચન સમૃદ્ધિ

પરમાનંદ કુંવરજી કાપડિયા

જ. ૧૮ જૂન, ૧૮૯૩ અ. ૧૭ એપ્રિલ, ૧૯૭૧

સમાજસુધારક અને નિર્ભીક પત્રકાર પરમાનંદ કાપડિયાનો જન્મ રાણપુરમાં થયો હતો. તેમના પિતાશ્રી તત્ત્વજ્ઞાનના નિષ્ણાત હતા અને અનેક જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાન લેવા આવતા. સંસ્કારસંપન્ન વાતાવરણમાં ઊછરેલા પરમાનંદ કાપડિયાએ ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૧૬માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સત્યના આગ્રહી હોવાથી વકીલાત ક્ષેત્રે લાંબું ટક્યા નહીં. ત્યારબાદ તેમણે ઝવેરાતનો વ્યવસાય કર્યો. તે સમયે જૈન સમાજમાં ચાલ્યા આવતા પરંપરાગત રીતરિવાજો, બાળદીક્ષા, દેવદ્રવ્ય અને અનિષ્ટ વ્યવહારો સામે અવાજ ઉઠાવ્યો. તેમણે આ અંગે વિરોધ વ્યક્ત કરતાં અનેક ભાષણો આપ્યાં. પિતાશ્રીના તંત્રીપદે ચાલતા ‘જૈન પ્રકાશ’માં ‘કલાવિહીન ધાર્મિક જીવન’ અંગે અઢાર હપતાની લેખમાળા પ્રકાશિત કરી. તેમણે ૧૯૨૮માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી અને તેના દ્વારા આંદોલનો ચલાવ્યાં. તેમણે ‘તરુણ જૈન’ (૧૯૩૪-૧૯૩૭) સામયિક ચલાવ્યું અને ત્યારબાદ ૧૯૩૭માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક ‘પ્રબુદ્ધ જૈન’ તેમના તંત્રીપદે શરૂ થયું. આ સામયિક દ્વારા તેમની પત્રકાર તરીકેની અને તર્કબદ્ધ અભિવ્યક્તિની શક્તિનો પરિચય થયો. ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૫૩થી ‘પ્રબુદ્ધજીવન’ના નામે પ્રકાશિત થાય છે જે અત્યારે પણ ચાલુ છે. તેમની પત્રકાર તરીકેની સફળ કારકિર્દીને કારણે સૌરાષ્ટ ટ્રસ્ટે તેમને ‘યુગદર્શન’ નામના માસિકનું સંપાદન સોંપ્યું હતું. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ નિમાયા હતા. ‘જૈન ધર્મનું હાર્દ’ અને ‘જૈન યુવક પ્રવૃત્તિ’ વિશે મારી દૃષ્ટિમાં તેમના વિચારોની વિશદતા જોવા મળે છે. આ ઉપરાંત ‘સત્ય શિવ સુંદરમ્’ તેમનો લેખસંગ્રહ છે. તેમના મૃત્યુ પછી તેમના લેખો અને પત્રોનું સંકલન ‘ચિંતનયાત્રા’ નામના પુસ્તકમાં થયું છે. ૧૯૩૨થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી જે આજે પણ ચાલે છે. જીવનભરની તેમની જ્ઞાનોપાસના અને સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે તેમના સભાગૃહને ‘પરમાનંદ કાપડિયા સભાગૃહ’ નામ આપ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન

યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુ:ખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુ:ખ કે શોકનું નામનિશાન નહોતું. એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે. મનને પૂર્ણ રૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે. એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની જીવંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે. મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી પરમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ, મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહરહિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.