Categories
વાચન સમૃદ્ધિ

પ્રભુત્વ માનવીને પામર બનાવે છે !

દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રભુત્વનો ખેલ ખેલતી હોય છે. તે અમીર હોય કે ગરીબ, સત્તાવાન હોય કે નિર્ધન, ઊંચ હોય કે નીચ, નાની હોય કે મોટી – પણ એને પ્રભુત્વનો યા ચઢિયાતાપણાનો ખેલ ખેલવો અતિ પ્રિય હોય છે. સત્તાધારી વ્યક્તિ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા કોશિશ કરે છે. સમાજનો પ્રમુખ સમાજના સભ્યો પર પોતાનું પ્રભુત્વ લાદવા પ્રયાસ કરે છે. માફિયા પણ આવું પ્રભુત્વ દર્શાવીને ધાકધમકી કે હત્યાથી પોતાનો પ્રભાવ દર્શાવવા પ્રયાસ કરે છે. પિતા પુત્ર પર, પતિ પત્ની પર આવું પ્રભુત્વ સ્થાપવા અહર્નિશ પ્રયત્ન કરે છે. પ્રભુત્વની આ રમત પ્રાંગણમાં ખેલતાં બાળકોમાં પણ જોવા મળે છે. શાળામાં મૉનિટર બનતા વિદ્યાર્થીમાં કે અગ્રતાક્રમે ઉત્તીર્ણ થતાં બાળકોમાં પણ જોઈ શકાય છે. સામાન્ય વ્યક્તિ પણ અતિ સામાન્ય પર કે મોટો ભાઈ નાના ભાઈ પર અહંકારપૂર્વક પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે. એક અર્થમાં કહીએ તો દરેક માણસ પોતાના શિરે પ્રભુત્વનો પથ્થર ઊંચકીને ચાલતો હોય છે. એ પથ્થર એની હેસિયત પ્રમાણે નાનો પણ હોય અને મોટો પણ હોય ! પરંતુ એ પથ્થરનો બોજ માથા પર ઊંચક્યા વિના એને જિંદગીની મજા આવતી નથી. હા, એવું બને ખરું કે એ વારંવાર જિંદગી ભારરૂપ કે બોજરૂપ બની ગયાની ફરિયાદ કરતો હોય છે, છતાં પ્રભુત્વના ગમતા બોજને નીચે ઉતારતો નથી. પ્રભુતા સાથે ભ્રષ્ટતા જોડાયેલી છે. પ્રભુત્વ પામવા અને જાળવવા માટે માનવી ભ્રષ્ટ થતાં અચકાતો નથી. સમાજમાં પ્રભુત્વ સ્થાપવા નીકળેલ ઠેકેદાર સમાજ પર જુલમ કરીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. પરિવારમાં પ્રભુત્વ દર્શાવવા માટે વડીલો ક્રૂર આચરણ કરતાં પણ અચકાતા નથી, શાસક પોતાનું પ્રભુત્વ દાખવવા માટે દમનના કોરડા વીંઝતો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ મોહંતી

જ. ૨૦ એપ્રિલ, ૧૯૧૪ અ. ૧૮ ઑગસ્ટ, ૧૯૯૧

ઓડિશાના પ્રખ્યાત નવલકથાકાર, જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા. સોનેપુરમાં શાળાશિક્ષણ લીધા પછી ૧૯૩૫માં કટકની યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. તેમની ઇચ્છા પ્રાધ્યાપક અથવા આઈ.સી.એમ. થવાની હતી પણ આર્થિક કારણોસર ઓડિશા સરકારની નોકરી સ્વીકારવી પડી. અહીં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. ત્યારબાદ ૧૯૭૦માં ઉત્કલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં યુજીસીના વિશિષ્ટ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૬માં તેમણે અમેરિકાની સાન જૉસ (San Jose) યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને અંત સમય સુધી સાન જૅસમાં જ રહ્યા. ૧૯૩૬થી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં પ્રગટ થયેલા ‘મન ગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી કુલ ૨૧ નવલકથાઓ, ૨ ચરિત્રગ્રંથો, ૮ ટૂંકી વાર્તાના સંગ્રહો, ૨ નાટકો, ૨ નિબંધસંગ્રહ ઉપરાંત ઓડિશાના આદિવાસીઓ, દલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની પરિસ્થિતિ પર આધારિત ૩ મુખ્ય નવલકથાઓ ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’ની રચના કરી. તેમના પર ફ્રોઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ટૉલ્સ્ટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નો ‘યુદ્ધ અને શાંતિ’ નામે ત્રણ ભાગમાં ૧૯૮૫-૮૬માં અનુવાદ કર્યો છે તથા ૧૯૬૫માં રવીન્દ્રનાથ ટાગોરની ‘જોગાજોગ’નો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને ૧૯૫૦માં ‘વિશ્વ મિલન’ પુરસ્કાર, ૧૯૫૫માં ‘અમૃતર સંતાન’ માટે ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૦માં ગૉર્કીની રચનાનો ઊડિયામાં અનુવાદ કરવા બદલ સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, ‘માટી મતાલ’ (ધ ફરટાઇલ્ડ સોઇલ) માટે ૧૯૭૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ અને ૧૯૭૬માં ડી.લિટ્.ની પદવી અને ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન થયેલું છે.

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિર્લિંગ

ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી –  તેજથી – બધી વસ્તુઓ જન્મી છે અને પ્રકાશવાળી વસ્તુઓ પણ પરબ્રહ્મના પ્રકાશથી જ પ્રકાશે છે; અર્થાત્, ભગવાન શિવ પ્રકાશમય કે તેજોમય છે. પરબ્રહ્મ શિવના તેજમાંથી જન્મેલું જગત પરબ્રહ્મ શિવમાં જ લીન થાય છે. આમ, શિવને તેજોમય કે પ્રકાશમય લિંગ રૂપે (ચિહ્ન કે પ્રતીક રૂપે) પૂજવામાં આવે છે. ભારત દેશમાં અસંખ્ય મંદિરોમાં સ્થપાયેલાં શિવલિંગોમાં અતિશય ઉત્કૃષ્ટ શિવલિંગોને જ્યોતિર્લિંગો એટલે પરબ્રહ્મનાં પ્રકાશમય લિંગો કહેવામાં આવ્યાં છે. ઉપનિષદો આદિત્યને બ્રહ્મ કહે છે : એક વર્ષના ૧૨ મહિનાઓમાં ૧૨ જુદા જુદા આદિત્યો છે તેમ પ્રકાશપુંજ પરબ્રહ્મ શિવનાં ૧૨ સર્વપ્રકૃષ્ટ જ્યોતિર્લિંગો પુરાણોમાં આ પ્રમાણે વર્ણવેલાં છે : (૧) સોમનાથ : સસરા દક્ષની વારંવાર વિનંતી છતાં ચંદ્ર તેની ૨૭ નક્ષત્રપત્નીઓમાં રોહિણી પ્રત્યે વધારે અનુરાગ રાખતો, તેથી ક્રુદ્ધ થઈ દક્ષે તેને ક્ષીણ થવાનો શાપ આપ્યો. દુ:ખી ચંદ્રે બ્રહ્માજીની શિખામણથી પ્રભાસક્ષેત્રમાં જઈ ભગવાન શંકરની આરાધના કરી. (૨) મલ્લિકાર્જુન : પોતે વસ્તુત: પૃથ્વીપ્રદક્ષિણા કરી હોવા છતાં, માતા-પિતાની પ્રદક્ષિણાને પૃથ્વીપ્રદક્ષિણાની સમકક્ષ ગણી શિવપાર્વતીએ ગણપતિનાં લગ્ન કરી દીધાં તેથી રોષે ભરાઈને શિવપાર્વતીના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દક્ષિણમાં ક્રૌંચ પર્વત ઉપર જતા રહ્યા.

૧૨ જ્યોતિર્લિંગો

(૩) મહાકાલ અથવા મહાકાલેશ્વર : મોક્ષદાયિની ૭ નગરીઓમાંની અવંતી કે ઉજ્જયિનીમાં પ્રાચીન કાળમાં વેદપ્રિય નામે શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. એક સમયે રત્નમાલા પર્વતનિવાસી દૂષણ નામે અસુરે સર્વત્ર આતંક ફેલાવી ધર્મપરાયણ લોકોમાં હાહાકાર પ્રવર્તાવ્યો ત્યારે, વેદપ્રિયની આગેવાની હેઠળ લોકોની પ્રાર્થના સાંભળી ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અને દુષ્ટોનો સંહાર કર્યો અને ઈશ્વર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. (૪) ઓમકારેશ્વર : નારદમુનિની ટકોરથી રિસાયેલા વિંધ્યાચળે નર્મદા અને કાવેરીના સંગમ પર ઓમકારેશ્વરમાં શિવજીની આરાધના કરી. શિવજીએ પ્રગટ થઈ તેને ઇષ્ટ વર આપ્યો અને ઓમકારના લિંગમાંથી બીજા જ્યોતિર્લિંગ રૂપે ઉપસ્થિત થઈ ત્યાં સ્થાયી વાસ કર્યો. તે ઓમકારેશ્વર કહેવાયા. (૫)  વૈદ્યનાથ : પ્રાચીન કાળમાં કેવળ શિવપ્રીતિ અર્થે રાક્ષસરાજ રાવણે શિવજીની આકરી આરાધના કરી. એક પછી એક પોતાનાં ૯ મસ્તકોથી કમલપૂજા કરી. અંતે શિવજી જ્યોતિ રૂપે પ્રગટ થયા. રાવણે જ્યોતિર્લિંગની સ્થાપના પોતાના પ્રદેશમાં કરવા ઇચ્છા કરી. (૬) ભીમાશંકર : પૂર્વે સહ્યાદ્રિમાં મહાકોશી નદીની ખીણમાં કર્કટી નામે રાક્ષસી તેના ભીમ નામે પુત્ર સાથે રહેતી હતી. આ ભીમે પ્રદેશના લોકોને રંજાડવા માંડ્યા. તેથી કામરૂ દેશના રાજાને પ્રભુએ લોકોની રક્ષા કરવા આદેશ આપ્યો. (૭) રામેશ્વરમ્ : સીતાની શોધમાં ભગવાન શ્રીરામ શ્રીલંકા સામેના ભારતના દક્ષિણ કાંઠે પહોંચ્યા. ત્યાં તેમણે પુરોહિત તરીકે રાવણની સહાયથી શિવપૂજા કરી. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને રામેશ્વર નામે ત્યાં વસ્યા. (૮) નાગનાથ અથવા નાગેશ્વર : પૂર્વે દક્ષિણમાં દારુકાવનમાં રહેતો દારુક નામનો રાક્ષસ લોકોને પીડા કરતો હતો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જ્યોતિર્લિંગ, પૃ. 70)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી