Categories
વાચન સમૃદ્ધિ

આંદામાન-નિકોબાર ટાપુઓ

બંગાળના ઉપસાગરની દક્ષિણ-પૂર્વમાં આવેલા ટાપુઓનો સમૂહ.

ભારતના આ કેન્દ્રશાસિત વિસ્તારનું ભૌગોલિક સ્થાન : ૬° થી ૧૪° ઉ. અ. અને ૯૨° ૦૦´થી ૯૪° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. વિસ્તાર : ૮,૨૪૮ ચો.કિમી.. વસ્તી : ૪ લાખ ૧૫ હજાર (૨૦૨૬, આશરે). આ પ્રદેશ ૩ જિલ્લાઓમાં વહેંચાયેલો છે. તેમાં શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે ૩ અને ૫૪૮ જેટલી છે. તેના ૩,૦૦૦ જેટલા ટાપુઓમાં ૩૬૫ મુખ્ય છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વકિનારાથી ૧,૨૦૦ કિમી. એટલે કે ૬૪.૮૬ નૉટિકલ માઈલ (સમુદ્રનાં અંતર નૉટિકલ માઈલમાં ગણાય છે. ૧ નૉટિકલ માઈલ = ૧.૮૫ કિમી. થાય.) દૂર છે. પાંચ મોટા ટાપુઓનો સમૂહ બૃહત આંદામાન તથા દક્ષિણમાંના ૨૦૪ જેટલા નાના ટાપુઓનો સમૂહ લઘુ આંદામાન તરીકે ઓળખાય છે. આ ટાપુઓનો વહીવટ ભારત સરકાર હસ્તક છે. આંદામાનની રાજધાની તેમ જ મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે. આ ઉપરાંત અન્ય બે શહેરો પણ છે. નિકોબાર ટાપુઓ આંદામાનની દક્ષિણે ૧૨૧ કિમી. દૂર આવેલા છે. આ ટાપુઓ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે, જેમાંનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ ૭૫૦ મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના ૮૫ % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં અભયારણ્યો તેમ જ પ્રાણીસંગ્રહાલય પણ છે.

ઓંગે જાતિના આદિવાસી લોકો નાના આંદામાનમાં વસે છે. અન્ય નિગ્રો કુળની જાતિઓ પણ અહીં વસે છે; જેમ કે, સૅન્ટિનેલીસ, જારાવા અને આંદામાનીસ. મૉંગોલૉઇડ જાતિના શૉમપેન અને નિકોબારીસ નિકોબાર ટાપુમાં વસે છે. આંદામાનના મૂળ વતનીઓ ૧૯મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર, ડાંગર વગેરેનો પાક લેવાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇમારતી લાકડાં અને રબરનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંદામાન-નિકોબાર ટાપુઓ, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

કે. આસિફ

જ. 14 જૂન, 1924 અ. 9 માર્ચ, 1971

ભારતીય સિનેમાજગતના દિગ્ગજ નિર્માતા, નિર્દેશક તથા પટકથા લેખક કે. આસિફનો જન્મ ઇટાવા, ઉત્તરપ્રદેશમાં થયો હતો.  તેમનું બાળપણ ઉત્તરપ્રદેશમાં વીત્યું. પારાવાર ગરીબી તથા શિક્ષણ અલભ્ય હોવાને કારણે માત્ર આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો. મામા નઝીર સાથે મુંબઈ ભાગી છૂટ્યા અને ફિલ્મજગતમાં કારકિર્દી શરૂ કરી. માત્ર વીસ વર્ષની વયે સૌપ્રથમ ફિલ્મ ‘ફૂલ’નું સર્જન કર્યું. જે મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. એ જમાનામાં આ પ્રયોગ જમાનાથી ઘણો આગળ હતો. 1951માં ફિલ્મ ‘હલચલ’નું નિર્માણ તથા નિર્દેશન કર્યું. ત્યારબાદ 1960માં હિન્દી ફિલ્મજગતની સીમાચિહ્ન ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ બનાવી. જેનું નિર્માણકાર્ય ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું. ફિલ્મની ભવ્યતા અને ગુણવત્તા બાબતે કે. આસિફ જરા પણ સમાધાન કરવા માંગતા ન હતા. તેમની ફિલ્મ ‘સસ્તા ખૂન મહેંગા પાની’ 1974માં એમના અવસાન બાદ પ્રસારિત થઈ. ફિલ્મ ‘લવ ઍન્ડ ગોડ’ના નિર્માણ દરમિયાન 1971માં હૃદયરોગના હુમલામાં એમનું અવસાન થયું જે 1986માં પ્રસારિત કરવામાં આવી હતી. અંગત જીવનમાં કે. આસિફ ચાર વખત લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રથમ પત્ની સાથેના લગ્નમાં એમને છ સંતાનો હતાં. માત્ર સુડતાલીસ વર્ષની આયુમાં ગણતરીની ફિલ્મોનું સર્જન કર્યા છતાં એકમાત્ર ‘મુગલ-એ-આઝમ’ના સર્જને એમને અમર ફિલ્મસર્જકની નામના અપાવી. કે. આસિફ કહેતા હતા કે, ‘મુગલ-એ-આઝમ’ એ માત્ર ફિલ્મ નથી, મારું ખ્વાબ (સ્વપ્ન) છે. મારી જીદ છે. કલા માટેની ઘેલછા અને જોયેલું સ્વપ્ન પૂરું કરવાની કલાનિષ્ઠાએ કે. આસિફને ભાવકોના હૃદયમાં અમર સ્થાન અપાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

દીપડો (panther)

સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવમાં આ બંને પ્રાણીઓ જુદાં છે. ચિત્તા લુપ્ત થવાની અણીએ પહોંચ્યા છે અને તે ભારતમાં જવલ્લે જ જોવા મળે છે. જંગલમાં જોવા મળતાં, આ પ્રકારનાં મોટા ભાગનાં પ્રાણીઓ દીપડા જ છે. દીપડા બે પ્રકારના હોય છે. નાના દીપડાની લંબાઈ 1.5 મી. થી માંડી 2 મી. જેટલી હોય છે. જ્યારે મોટા દીપડાની લંબાઈ 2 મી. થી 3 મી. જેટલી હોય છે. ઊંચાઈ 35 સેમી.થી 50 સેમી. જેટલી અને વજન 90 કિગ્રા.થી 100 કિગ્રા. હોય છે. માદા દીપડા કરતાં નર દીપડા કદમાં મોટા અને વધુ વજન ધરાવે છે. દીપડાનો રંગ પીળાશ પડતો, હળદર જેવો હોય છે, જેના પર કાળા રંગનાં ચકરડાં જોવા મળે છે, આફ્રિકા અને એશિયાના દીપડાઓની ત્વચા પર આવેલાં આવાં ચકરડાંમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય દીપડામાં ચકરડાં નજીક નજીક હોય છે જ્યારે આફ્રિકન દીપડામાં તે થોડાં છૂટાંછવાયાં હોય છે. વસવાટ અને આબોહવાને અનુલક્ષીને તેમની ચામડીનો રંગ પણ જુદો જુદો હોય છે. દીપડાની એક જાતિ, તદ્દન કાળા રંગની હોય છે, જેને ‘મેલેનિસ્ટિક’ પ્રકાર કહે છે. તિબેટ વિસ્તારમાં શ્વેત દીપડાની જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્વચાનાં રંજકદ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને દીપડામાં શ્યામવર્ણ કે રંગહીનતા જોવા મળે છે.

સામાન્ય રીતે દીપડો એકાકી જીવન ગુજારે છે. સમૂહજીવન તેને પસંદ નથી. દીપડો બુદ્ધિશાળી, વિચારશીલ, ચપળ અને સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેની શ્રવણશક્તિ અને ગંધગ્રહણશક્તિ તીવ્ર હોય છે. દીપડાઓ ખાસ કરીને લીલીછમ ઝાડીયુક્ત ગીચ જંગલમાં પોતાનો વસવાટ પસંદ કરે છે. કુદરતી ગુફા, નાળાં કે આસપાસ ઘાસ ઊગેલું હોય ત્યાં છીછરો ખાડો બનાવે છે. તેથી તે ગરમી સહેલાઈથી સહન કરી શકે છે. ખુલ્લા મેદાન કે પહાડી વિસ્તારમાં પણ તે રહી શકે છે. આથી દીપડો દિવસે પણ શિકારની શોધમાં નીકળી પડે છે. દીપડાની રાક્ષસી વૃત્તિનો જોટો નહીં મળે. વાઘ કે સિંહ કરતાં તેનામાં નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક હોવાથી માત્ર આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે. આવું સાહસિક પ્રાણી હોવા છતાં સ્વભાવથી તો દીપડો બીકણ જ ગણાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દીપડો/)