Categories
વાચન સમૃદ્ધિ

ખેમચંદ પ્રકાશ

જ. 12 ડિસેમ્બર, 1907 અ. 10 ઑગસ્ટ, 1950

‘ફિલ્મ સંગીતનો પ્રકાશપુંજ’ કહેવાતા હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીતકાર, ખેમચંદ પ્રકાશનો જન્મ બ્રિટિશ સમયના રાજપૂતાનાના બિકાનેર રાજ્યના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતાજી દ્રુપદ સંગીતના જાણકાર અને કથક નૃત્યશૈલીના પણ જાણકાર હોવાથી ખેમચંદજીને પણ બાલ્યકાળથી જ તેનું અનેરું આકર્ષણ હતું. પિતાજીની જેમ તેમણે પણ બિકાનેરના રાજદરબારમાં અને ત્યારપછી નેપાળના રાજદરબારમાં સંગીત અને નૃત્યકલા દર્શાવી હતી. ત્યારબાદ કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર’માં સંગીતકાર તિમિર બરનના સહાયક સંગીતકાર તરીકે 1935માં ‘દેવદાસ’ ફિલ્મમાં જોડાયા. 1938માં ‘સ્ટ્રીટ સિંગર’માં એક કૉમેડી ગીત ‘લો ખા લો મેડમ ખાના’ ગાયું. કહેવાય છે કે તેમણે એક વખત રસ્તે રઝળતી અને ગાયન ગાઈને ગુજરાન ચલાવતી ‘ખુર્શીદ’ નામની એક યુવતીનું ગીત સાંભળ્યું અને સંમોહિત થઈ ગયા. આથી 1939માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે ખુર્શીદને પણ સાથે લાવ્યા. અહીં ‘સુપ્રીમ પિક્ચર્સ’ની ફિલ્મો ‘મેરી આંખે’ અને ‘ગાઝી સલાઉદ્દીન’માં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. ચંદુલાલ શાહે જામનરેશ રણજિતસિંહના નામ પરથી ‘રણજિત મૂવીટોન’ની સ્થાપના કરી અને ખેમચંદ આ બૅનર નીચે ઉત્તમ સંગીત આપતા થયા. તેમાં ‘પરદેશી’, ‘હોલી’, ‘ચાંદની’, ‘સિંદૂર’, ‘સાવન આયા રે’, ‘ફરિયાદ’ વગેરેને ગણાવી શકાય. 1948માં બૉમ્બે ટૉકીઝની ‘ઝિદ્દી’ ફિલ્મ પણ ઘણી પ્રશંસા પામી. આ ફિલ્મ દ્વારા તેમણે લતા મંગેશકર અને કિશોરકુમારને ફિલ્મસંગીત દુનિયામાં પ્રવેશ અપાવ્યો. તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘મહલ’માં લતા મંગેશકરે ગાયેલું ‘આયેગા આનેવાલા’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને સદીઓ સુધી લોકોની જીભે રમતું રહ્યું. સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશની કેટલીક વિશેષતાઓ તેમને અન્ય સંગીતકારો કરતાં મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. તેઓ ગાયક-ગાયિકાઓ માટે એવું સ્વરનિયોજન કરતા કે ગીતોમાં અલૌકિકતા પ્રગટ થતી. તેમની મૌલિકતા એ પણ હતી કે રાજસ્થાની અને મારવાડી લોકગીતોની મધુર ધૂનોને હિન્દી ફિલ્મોમાં સ્થાન આપીને નવી ક્ષિતિજો ઉઘાડી આપી અને વળી નૌશાદ, મન્નાડે, કિશોરકુમાર અને લતા મંગેશકર જેવા દિગ્ગજોની ભેટ આપી.

Categories
વાચન સમૃદ્ધિ

હરિયાણા

ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય.

તે ૨૭O ૩૫´થી ૩૦O ૫૫´ ઉ. અ. અને ૭૪O ૨૦´થી ૭૭O ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૪૪,૨૧૨ ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વમાં દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજસ્થાન રાજ્યો આવેલાં છે. તેની વસ્તી લગભગ 3,09,36,000 (2025, આશરે) જેટલી છે. હરિયાણા સ્વાતંત્ર્ય પહેલાં તેમ જ પછીથી થોડાં વર્ષો સુધી પંજાબ રાજ્યનો એક ભાગ હતું. નવેમ્બર, ૧૯૬૬માં હરિયાણાના અલગ રાજ્યની રચના કરવામાં આવી. તેનું પાટનગર ચંડીગઢ છે.

વેદોના સમયથી હરિયાણાનો આનુશ્રુતિક તથા ગૌરવપૂર્ણ ઇતિહાસ મળે છે. આપણા દેશને ‘ભારત’ નામ જેના પરથી મળ્યું તે ભરતવંશના રાજાઓ આ પ્રદેશમાં થઈ ગયા. ‘મહાભારત’માં હરિયાણાનો ઉલ્લેખ છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં છે. પાણીપતની લડાઈઓ પણ આ જ ક્ષેત્રમાં થઈ હતી. મધ્યયુગ દરમિયાન પણ હાલના હરિયાણા રાજ્યમાં અનેક ઐતિહાસિક લડાઈઓ થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં આ પ્રદેશના લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ધ રૉક ગાર્ડન, ચંડીગઢ

અહીંનાં જંગલોમાં મલબરી, નીલગિરિ, પાઇન, સીસમ અને બાવળ જેવાં વૃક્ષો ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં કાળિયાર, નીલગાય, દીપડો, શિયાળ, વરુ, નોળિયો વગેરે મુખ્ય છે. પક્ષીઓની લગભગ ૩૦૦ જેટલી જાતિઓ અહીં જોવા મળે છે. હરિયાણામાં બે રાષ્ટ્રીય ઉદ્યાન તથા આઠ અભયારણ્યો તેમ જ પશુપક્ષી-સંવર્ધનકેન્દ્ર પણ આવેલાં છે. ઘઉં, બાજરી, કઠોળ (મુખ્યત્વે ચણા), તેલીબિયાં, કપાસ, શેરડી, ડાંગર, જવ, મરચાં અને મકાઈ રાજ્યના પાકો છે. અહીં જુદા જુદા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. તેમાં કાપડ, કાગળ, સિમેન્ટ, સાઇકલ-ઉદ્યોગ, ખાંડ, ગરમ કાપડ, યંત્રસામગ્રી, કૃષિવિષયક ઓજારો, ઇલેક્ટ્રૉનિક્સ, મોટરકાર, ઘરગથ્થુ ઉપકરણો વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ ટ્રૅક્ટરો અહીં બને છે. ગુરગાંવમાં ઑટોમોબાઇલના એકમો સ્થપાયેલા છે. ભારતીય સેનાની જાટ રેજિમેન્ટ તેની બહાદુરી માટે વિશ્વવિખ્યાત છે. હરિયાણા એક્સ્પ્રેસ ક્રિકેટર કપિલદેવ, વિજેન્દ્રસિંગ તથા સુશીલકુમાર જેવા કુસ્તીબાજો, બૅડમિન્ટન-ચૅમ્પિયન સાયના નેહવાલ તથા બીજા અનેક રમતવીરો હરિયાણાની દેન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાણા, પૃ. 125)

Categories
વાચન સમૃદ્ધિ

સુબ્રમણ્યમ્ ભારતી

જ. 11 ડિસેમ્બર, 1882 અ. 11 સપ્ટેમ્બર, 1921

તમિળના પ્રસિદ્ધ લેખક, કવિ, સંગીતકાર અને પત્રકાર સુબ્રમણ્યમ્ ભારતીનો જન્મ તમિળનાડુના એટ્ટાયપુરમમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ઐયર અને માતા લક્ષ્મી અમ્મલ. તેમણે પાંચ વર્ષની ઉંમરે માતાની અને અગિયાર વર્ષની ઉંમરે પિતાની  છત્રછાયા ગુમાવી. પ્રારંભિક શિક્ષણ તિરુનેલવેલીમાં થયું પછી વારાણસી ગયા. ત્યાં તેમણે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને બાળપણથી કવિતા અને સંગીતમાં રસ હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમને શ્રેષ્ઠ કવિતા માટે ‘ભારતી’નું બિરુદ આપવામાં આવ્યું. તેઓ સિસ્ટર નિવેદિતાને ગુરુ માનતા હતા. તેમણે એટ્ટાયપુરમના રાજાના મુખ્ય રાજકવિ તરીકે તેમજ મદુરાઈની સેતુપતિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે તમિળ સાપ્તાહિક ‘ભારત’ અને અંગ્રેજી વર્તમાનપત્ર ‘બાલા ભારતમ્’નું સંપાદન કર્યું. આ ઉપરાંત ‘ઇન્ડિયા’, ‘વિજયા’. ‘સૂર્યોદયમ્’, ‘સ્વદેશમિત્રન’, ‘ધ હિન્દુ’ અને ‘ચક્રવર્તિની’ના સંપાદક અને ઘણાં વર્તમાનપત્રોમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું હતું. 1908માં અંગ્રેજ સરકારે ધરપકડ વૉરન્ટ કાઢતાં તેઓ ફ્રેન્ચ શાસિત પોંડિચેરી (પુદુચેરી) ગયા. તેમણે મહર્ષિ અરવિંદને ‘આર્ય’ અને ‘કર્મયોગી’ પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. તેમની રચનાઓમાં ‘કન્નન પટ્ટુ’, ‘કુયિલ પટ્ટુ’, ‘પંજલિ સબથમ્’, ‘વિનયગર નાનમણિમલાઈ’ તેમજ પતંજલિના યોગસૂત્ર અને ભગવદ્ગીતાનો તમિળ અનુવાદ જાણીતાં છે. 1949માં તેમના સાહિત્યનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેઓ જીવનનાં છેલ્લાં વર્ષો જે ઘરમાં રહેતા હતા એ ઘર તમિળનાડુ સરકારે ખરીદીને તેને ‘ભારતી ઇલમ’ નામ આપવામાં આવ્યું છે. તેમની સ્મૃતિમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી પુરસ્કાર’ તેમજ ‘ભારતી યુવાકવિ પુરસ્કાર’ આપવામાં આવે છે. 1982માં કોઈમ્બતુરમાં ‘ભારતિયા યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી. 11 સપ્ટેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી ચૅર ઑફ તમિળ સ્ટડીઝ’ સ્થાપવાની જાહેરાત કરી છે. તેમના જીવન પરથી ‘ભારતી’ નામની તમિળ ફિલ્મ બનાવવામાં આવી જેને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.