Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર ગાંધી

જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.

Categories
વાચન સમૃદ્ધિ

આર્જેન્ટિના

દક્ષિણ અમેરિકાનો વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવતો દેશ. તે ૨૨°થી ૫૫° દ. અ. અને ૫૬° ૩૦´થી ૭૩° ૩૦´ પ. રે.ની વચ્ચેનો આશરે ૨૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ દેશ દક્ષિણ અમેરિકામાં આટલાન્ટિક મહાસાગરને કિનારે વસેલ છે. તેની સરહદે ચિલી, બોલિવિયા, પરાગ્વે, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશો આવેલા છે. ‘આર્જેન્ટિના’ એટલે ‘ચાંદીનો પ્રદેશ’ (land of silver). તેથી સ્પૅનિશ સંશોધકોએ તે પ્રદેશનું નામ ‘આર્જેન્ટિના’ પાડ્યું હતું. તેમને આ પ્રદેશમાં ચાંદી મળવાની આશા હતી; પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. પશ્ચિમમાં ઍન્ડિઝ પર્વતમાળા આર્જેન્ટિનાને ચિલીથી જુદું પાડે છે. ઍન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (૬,૯૫૯ મી.) છે. અહીંની મુખ્ય નદીઓ રિયો ડી લાપ્લાટા, રિયો નિગ્રો, કૉલોરાડો, બર્મેજો અને પારાના છે. ઍન્ડિઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. દક્ષિણમાં આવેલું પેટાગોનિયા અર્ધરણ છે, જ્યાં તેલનો વિપુલ જથ્થો ભૂગર્ભમાં છે.

પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંના મુખ્ય પાકો ઘઉં, કપાસ, ડાંગર, શેરડી અને સોયાબીન છે. આર્જેન્ટિનાની કુલ વસ્તી 4.60 કરોડ (2026, આશરે) જેટલી છે. આર્જેન્ટિનાની સૌથી માનીતી રમત ફૂટબૉલ છે. મેરાડોના જેવા પ્રખ્યાત ફૂટબૉલ-ખેલાડીઓ આર્જેન્ટિનાએ ભેટ આપેલા છે. ત્યાંનું ટૅન્ગો (tango) સંગીત વિશ્વમાં પ્રસિદ્ધ છે. ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. દેશની રાજધાની બ્યુએનોસ એરિસ છે. અહીં મોટા મોટા મૉલ, ભૂગર્ભ (સબવે) ટ્રેન, સુંદર ઇમારતો, સરકારી કચેરીઓ આવેલાં છે. પાલેર્મો પાર્ક જોવાલાયક છે. ટીટ્રો કોલૉન અહીંનું જાણીતું ઑપેરા-હાઉસ છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. નૉવેલ વાપ્પી આર્જેન્ટિનાનું જાણીતું સરોવર છે. આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે આવેલો ઇગ્વાસૂ (Iguazu) ધોધ જોવાલાયક છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આર્જેન્ટિના, પૃ. 123)

Categories
વાચન સમૃદ્ધિ

કેનિથ જી. વિલ્સન

જ. 8 જૂન, 1936 અ. 15 જૂન, 2013

1982માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી કેનિથ ગેડેસ વિલ્સનનો જન્મ મૅસેચૂસેટ્સના વોલ્થમાં થયો હતો. પિતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી હતા અને માતા ભૌતિકશાસ્ત્રી હતાં. 16 વર્ષની ઉંમરે હાર્વર્ડ કૉલેજમાં દાખલ થયા. ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1961માં તેમણે કૅલિફૉર્નિયા  ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી મરે ગેલ-મેનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ 1963માં કોર્નેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1970માં પ્રોફેસર બન્યા. આ સમયગાળામાં તેમણે સ્ટેનફર્ડ લિનિયર એક્સિલરેટર (સુરેખ પ્રવેગક) પર સંશોધનો કર્યાં. કોર્નેલ થિયરી સેન્ટરના તેઓ નિર્દેશક બન્યા. 1988માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં કાર્યરત રહ્યા. તેમના સંશોધનકાર્યને લીધે ક્વૉન્ટમ ક્ષેત્રે સિદ્ધાંતના મૂળભૂત પ્રશ્નો પર સમજણ વિકસી. હેડ્રોનની અંદર રહેલા ક્વાર્કના અસ્તિત્વ તથા વર્તણૂક પર પ્રકાશ પડ્યો. કણ ભૌતિકશાસ્ત્ર(Particle Physics)ના અભ્યાસ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તેઓ અગ્રણી હતા. 1982માં તેમને પ્રવાહીમાંથી વાયુયુક્ત સ્થિતિમાં પદાર્થના પરિવર્તન જેવા તબક્કા સંક્રમણો પરના તેમના કાર્ય માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓને 1980માં ભૌતિકશાસ્ત્રમાં ફિશર તથા કેડેનહોફની સાથે વુલ્ફ પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેઓને એરિન્ગન ચંદ્રક (1984), ફ્રેન્કલિન ચંદ્રક (1982), બોલ્ટ્ઝમૅન ચંદ્રક (1975) તથા ડેની હાઈનમૅન પ્રાઇઝ (1973) વગેરે પ્રાપ્ત થયાં હતાં. એચ. આર. કૃષ્ણમૂર્તિ, રોમન જેકિવ, માઇકલ પેસ્કિન વગેરે વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.