Categories
વાચન સમૃદ્ધિ

દિગ્બોઈ

આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23´ ઉ. અ. અને 95° 38´ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. આ પ્રદેશમાં વર્ષભર ભેજનું સરેરાશ પ્રમાણ 80%થી વધારે અને વરસાદનું પ્રમાણ 2,000 મિમી.થી વધારે હોય છે. અહીંનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. જેટલું રહે છે. આમ દિગ્બોઈ એકંદરે મોસમી પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવે છે. તેની આસપાસના પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલો છવાયેલાં છે.

દિગ્બોઈ અને તેની આસપાસની ધરતીમાં આવેલા તૃતીય જીવયુગના રેતીખડકો(sandstones)ના તળિયેથી ખનિજતેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો મળી આવ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ખનિજતેલ અને વાયુનાં આ ક્ષેત્રોમાંથી છેલ્લાં 90 વર્ષથી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ દ્વારા ક્રૂડ, ખનિજતેલ અને વાયુ મેળવવાની કામગીરી ચાલે છે. આ ઉપરાંત અહીં આસામ ઑઇલ કંપનીની રિફાઇનરીઓ દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું અને ગંધકના તેજાબનું ઉત્પાદન થાય છે. વળી આ શહેરમાં એક મોટી ઇજનેરી કાર્યશાળા (workshop) પણ આવેલી છે. આમ આ શહેરના વિકાસમાં ખનિજ તેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોએ તથા રિફાઇનરીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. ઉત્તરોત્તર વધતી જતી વસ્તીની સાથોસાથ આ શહેરમાં અનેક નવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત લાકડાં અને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગો અગત્યના છે. આ નગર રેલમાર્ગે દિબ્રુગઢ તથા અન્ય નગરો સાથે સંકળાયેલું છે. તે દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 38થી માર્ઘેરિતા (Margherita) તેમજ ઉત્તરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37થી દિબ્રુગઢ, દીસપુર અને દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. આ નગરની વસ્તી આશરે 34,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

શ્યામા

જન્મ 7 જૂન, 1935 અવસાન 14 નવેમ્બર, 2017

મૂળ નામ ખુર્શીદ અખ્તર. પંજાબીભાષી આ નાયિકાને બાળપણથી જ અભિનય અને નૃત્ય પ્રત્યે ખેંચાણ હતું અને તેથી જ તેઓ 1940માં લાહોર છોડીને મુંબઈ આવ્યાં. 10 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ‘ઝીનત’માં સમૂહગીત ગાયિકા તરીકે કામ કરીને ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પછી ‘મીરાંબાઈ’ (1947), ‘પતંગા’ (1949), ‘શબનમ’ (1949) જેવી હિન્દી ફિલ્મોમાં અને ‘ચમન’ (1948) જેવી પંજાબી ફિલ્મોમાં નાની અને સહાયક ભૂમિકાઓ ભજવી. પંજાબી ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે 1950માં આવેલી ફિલ્મ ‘પોસ્ટી’ને એટલી બધી સફળતા મળી કે તેઓ પંજાબી સિનેમાનાં પ્રખ્યાત અભિનેત્રી બની ગયાં. ‘તરાના’ (1951), ‘આસમાન’ (1952), ‘ઠોકર’ (1953), ‘દિલ એ નાદાન’ (1953) વગેરે જેવી ફિલ્મો સાથે તેમણે બાળ ભૂમિકાઓથી પુખ્ત અને મુખ્ય ભૂમિકાઓ સુધીની સફર ખેડી. ગુરુ દત્તની ફિલ્મ ‘આર પાર’(1954)માં તેમનો અભિનય ખૂબ વખણાયો. આ સિવાય ‘લાડલા’ (1954), ‘ભાઈ ભાઈ’(1956)ની સાથે 1957માં આવેલી ફિલ્મ ‘શારદા’માં તેમણે ભજવેલ ચંચલનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું. ‘ભાભી’ (1957) ફિલ્મમાં કાવતરાખોર ભાભી તરીકે, ‘દો બહેન’ (1959)માં જોડિયા બહેનોની બેવડી ભૂમિકામાં તેમનો અભિનય યાદગાર રહ્યો. 1961માં તેમની છેલ્લી પંજાબી ફિલ્મ ‘વિલાયત પાસ’ રહી પણ હિન્દી ફિલ્મો જેવી કે ‘દિલ દિયા દર્દ લિયા’ (1966), ‘સાવન ભાદો’ (1970), ‘અજનબી’ (1974) અને ‘માસ્ટરજી’(1985)માં તેમણે પ્રશંસનીય ભૂમિકાઓ ભજવી. ચાહકો આજે પણ તેમના પર ફિલ્માવવામાં આવેલાં ગીતો ‘એ દિલ મુઝે બતા દે’, ‘યે લો મે હારી પિયા’ વગેરે યાદ કરે છે. લગભગ 140 ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં પોતાની બહુમુખી પ્રતિભા નિભાવવા માટે આ નાયિકાને ‘છુમંતર’ (1956) ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો BFJA ઍવૉર્ડ અને ‘શારદા’ (1957) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

એકલો હોઉં તેથી શું ?

મેક્સિકોના દરિયાકિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને ‘સ્ટાર-ફિશ’ માછલીને લઈને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર-ફિશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. કેટલીક સ્ટાર-ફિશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી. પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફિશને લઈને  પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર-ફિશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ? પ્રવાસીએ જઈને વૃદ્ધ મેક્સિકનને પૂછ્યું તો એણે કહ્યું, ‘હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફિશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.’ પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, ‘અરે, આટલી બધી સ્ટાર-ફિશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એક એક સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફિશ પાછી પાણીમાં નાખી શકતું નથી, માટે આ મફતની મહેનત રહેવા દો.’ વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફિશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું, ‘જુઓ, આ સ્ટાર-ફિશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફિશને બચાવી શકતો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઈ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી. એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિકતામાં પરિવર્તન કરી શકે છે.’