Categories
વાચન સમૃદ્ધિ

દશરીબહેન ચૌધરી

જ. ૩ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૨ ઑક્ટોબર, ૨૦૧૩

ભારતીય સ્વાતંત્ર્યસેનાની દશરીબહેનનો જન્મ વેડછી, સૂરતમાં આદિવાસી કુટુંબમાં થયો હતો. માતાનું નામ અંબાબહેન અને પિતાનું નામ રૂમસીભાઈ. રાષ્ટ્રવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓના પાઠ તેઓ તેમના દાદા જીવણભાઈ ચૌધરી પાસેથી શીખ્યાં હતાં. દશરીબહેને પ્રાથમિક શિક્ષણ વેડછી આશ્રમમાં લીધું હતું. ગાંધીજી સાથેના સીધા સંપર્કને લીધે તેમણે ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. દશ વર્ષનાં દશરીબહેન બારડોલી સત્યાગ્રહ વખતે સભા, સરઘસ, પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહથી જોડાયાં હતાં. સંગીત પ્રત્યેના ઝુકાવને લીધે પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે એ સંગીત શીખેલાં. દિલરુબા વગાડવામાં પારંગત થયેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના કહેવાથી આઝાદીનાં ગીતો ગાઈ જનજાગૃતિનું કાર્ય કર્યું હતું. સ્વતંત્રતાસંગ્રામમાં દશરીબહેને ગાયેલું ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ ખૂબ લોકપ્રિય થયેલું. સવિનય કાનૂનભંગની લડતના બીજા તબક્કામાં દશરીબહેન સક્રિય કાર્યકર રહ્યાં હતાં. ૧૯૩૩માં માત્ર ૧૫ વર્ષની  ઉંમરે જેલની સજા પણ ભોગવી હતી. તેમને પહેલાં સાબરમતી જેલ અને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં હતાં. કસ્તૂરબા ગાંધી પણ ત્યારે યરવડા જેલમાં હતાં. કસ્તૂરબાના કહેવાથી દશરીબહેને કસ્તૂરબાને લખતાંવાંચતાં શીખવ્યું. બાએ બાપુને પત્ર લખ્યો ત્યારે બાપુએ લખેલું કે ‘આ છોકરીને કહેજો કે જે હું ન કરી શક્યો તે તું કરી શકી છે.’ જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં બારડોલી મુકામે તેઓ સરઘસમાં જોડાયાં હતાં. એમાં તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. તેમણે દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજા માટે કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આદિવાસી પ્રજામાં વ્યસન, અંધશ્રદ્ધા તથા કુરિવાજો દૂર કરવા માટે તેમણે વ્યાપક ઝુંબેશ ચલાવેલી.

Categories
વાચન સમૃદ્ધિ

ડીસા

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા  : તે 24° 15´ ઉ. અ. અને 72° 11´ પૂ. રે. પર સ્થિત છે. બનાસ નદીના પૂર્વ કાંઠે આ શહેર વસેલું છે. આ શહેર પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ દાંતીવાડા અને પાલનપુર તાલુકો, ઉત્તરે અને ઈશાને ધાનેરા તાલુકો, પશ્ચિમે દિયોદર અને થરાદ તાલુકાઓ તેમજ દક્ષિણે જિલ્લાનો કાંકરેજ તાલુકો અને પાટણ જિલ્લાનો વાગદોડ તાલુકાઓથી તે ઘેરાયેલ છે. આ તાલુકામાં ત્રણ શહેરો અને 14 ગામડાંઓ આવેલાં છે. ડીસા તાલુકાનો પૂર્વ ભાગ ફળદ્રૂપ છે. જ્યારે પૂર્વે બનાસ અને સીપુ નદી વહે છે. ગાલીઆ અને રાણપુરા પાસે ઉપરોક્ત બંને નદીઓનો સંગમ થાય છે. પશ્ચિમ ભાગ નદી અને વરસાદની ઓછી માત્રાને કારણે પ્રમાણમાં વેરાન છે. આ તાલુકાની આબોહવા વિષમ છે. ડીસાનું દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 44.8° સે. અને 5.4° સે. રહે છે. જુલાઈ અને ઑગસ્ટ માસ દરમિયાન સરેરાશ વરસાદ 203થી 260 મિમી. અનુભવાય છે.  હવામાન ખાતાનું નિરીક્ષણ કેન્દ્ર અહીં આવેલું છે.

બટાટાની ખેતી

અર્થતંત્ર : આ તાલુકામાં વરસાદની અછત વર્તાતી હોવાથી પૂર્વભાગમાં ખેતી થાય છે. અહીંના મુખ્ય ખેતીકીય પાકોમાં ઘઉં, બાજરી, રાગી, કઠોળ જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, એરંડા મુખ્ય છે. ડીસા બટાટાની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં બટાટાનું ખેતીવિષયક  સંશોધન કેન્દ્ર આવેલું છે. સરદાર કૃષિનગર  દાંતીવાડા ઍગ્રિકલ્ચરલ સંશોધન કેન્દ્ર આવેલું છે, જ્યાં બટાટાનું ઉત્પાદન વધુ મેળવવા  ગહન સંશોધન થઈ રહ્યું છે. ડીસાને ‘Capital of Batata’ની વિશિષ્ટ  ઓળખ પ્રાપ્ત થઈ છે.

તે મહત્ત્વનું વેપારીમથક છે. અહીં તેલની મિલો અને સાબુનાં કારખાનાં આવેલાં છે. આ સિવાય સિમેન્ટની પાઇપ, જાળીવાળી બારી, ટાઇલ્સનાં મધ્યમ કક્ષાનાં કારખાનાં આવેલાં છે. હાડકાં પીસવાનાં કારખાનાં, સો મિલ, ઑઇલ એન્જિન, ટ્રૅક્ટરો મરામત કરવાના, લોખંડ, લોખંડની ખુરશી, કપાટ વગેરેના એકમો કાર્યરત છે. ખેતી સાથે પશુપાલનનો વેપાર કરનારી પ્રજા અહીં ભટકતું જીવન ગાળે છે. આ શહેરમાં ઘેટાંઉછેર ફાર્મ અને ઘેટાં ઊન વિતરણ કેન્દ્ર આવેલાં છે. વસ્તી – જોવાલાયક સ્થળો : આ શહેરની વસ્તી 2025 મુજબ 1,60,000 જ્યારે તાલુકાની વસ્તી 4,58,803 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 895 છે. સાક્ષરતાનું પ્રમાણ 50.2%  છે. ઈ. સ. 1853માં સ્થપાયેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ જે સૌથી જૂની છે. આ સિવાય સેંટ ઝેવિયર્સ, DNJ આદર્શ સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, એન્જલ્સ  ઇંગ્લિશ સ્કૂલ તેમજ સાયન્સ શાળા પણ છે. અહીં રામજી મંદિર, રેજીમેન્ટ મહાદેવ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર, રસાલા મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, જૈન મંદિર અને મસ્જિદ પણ આવેલાં છે. 1824ના વર્ષમાં બ્રિટિશરો દ્વારા  બનાવેલ હવાઈ પીલર કે જેને આધારે હવાનું દબાણ જાણી શકાતું હતું, તેનું 2013માં પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જે ‘હેરિટેજ’ તરીકે જાણીતું બન્યું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/ડીસા/)

Categories
વાચન સમૃદ્ધિ

લાલબહાદુર શાસ્ત્રી

જ. ૨ ઑક્ટોબર, ૧૯૦૪ અ. ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬

ભારત દેશના ત્રીજી લોકસભાના ૧૯૬૪થી ૧૯૬૬ સુધીના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો ઉછેર મુગલસરાય, ઉત્તરપ્રદેશ ખાતે લાલબહાદુર શ્રીવાસ્તવના નામે થયો હતો. એમના પિતા શારદાપ્રસાદ એક ગરીબ શિક્ષક હતા. જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. એમનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહીંયાંથી જ એમને ‘શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. સ્નાતક થયા બાદ શાસ્ત્રીજી ભારત સેવક સંઘ સાથે જોડાયા. ત્યાંથી જ તેમના રાજનૈતિક જીવનની શરૂઆત થઈ હતી. દેશસેવાના વ્રતધારી શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી જીવ્યા અને ગરીબોની સેવામાં એમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧ના સત્યાગ્રહ આંદોલનમાં એમની મહત્ત્વપૂર્ણ ભાગીદારી હતી અને તેઓને જેલમાં પણ રહેવું પડ્યું હતું. આઝાદી મળ્યા બાદ શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. પરિવહન મંત્રી તરીકે એમણે પ્રથમ વાર મહિલાને બસ-કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી એક નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી તરીકે એમણે ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં લાલબહાદુર શાસ્ત્રીને અખિલ ભારત કૉંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી જિતાડવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. જવાહરલાલ નહેરુના અવસાન બાદ શાસ્ત્રીજીએ ૨૭ મે, ૧૯૬૪ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. ૧૯૬૬માં તેમને ‘ભારતરત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.