Categories
વાચન સમૃદ્ધિ

આવતીકાલને વધુ ઊજળી બનાવીશ

2008માં એકાએક મંદીનો સપાટો આવતાં કામયાબ વેપારી માઇકલ વોડ્રેલના જીવનમાં આર્થિક તબાહી મચી ગઈ. વિશાળ ઘર, આલીશાન ઑફિસ, મોંઘીદાટ મોટર અને ધનવૈભવ સાથે મોજથી જીવતા માઇકલ વોડ્રેલની એવી તો અવદશા થઈ કે ઘર વેચવું પડ્યું, ઑફિસ છોડવી પડી અને સાવ બેકાર થઈ ગયા. એમણે બોસ્ટનની વેન્ટવર્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઍરોનૉટિકલ ટૅક્નૉલૉજીની ડિગ્રી લીધી હતી, પણ પછી એ દિશામાં આગળ વધવાને બદલે એમણે વ્યવસાય શરૂ કરી દીધો. એમાં બેહાલી આવી એટલે ફરી પેલી ડિગ્રી યાદ આવી. એના સહારે નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા, પણ કોઈ સારી નોકરી મળી નહીં. હવે કરવું શું ? છેલ્લા ઉપાય તરીકે એમણે જે કોઈ નોકરી મળે તે સ્વીકારી લેવાનું નક્કી કર્યું અને સફાઈકામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વોર્સેસ્ટર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટના રાતના સફાઈકર્મચારી તરીકે નોકરીની રકમમાંથી માઇકલ વોડ્રેલ માંડ માંડ ઘર ચલાવતા હતા, પણ સહેજે હિંમત હાર્યા નહીં. વિચાર કર્યો કે નોકરી રાતની છે, દિવસના સમયે અભ્યાસ કરું, આગળ પ્રગતિ કરું અને એણે એ જ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગના વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. રાત્રે ઇન્સ્ટિટ્યૂટમાં સફાઈકામ અને દિવસે અભ્યાસ. પચાસ વર્ષના આ વિદ્યાર્થીને જોઈને સાથી વિદ્યાર્થીઓને આશ્ર્ચર્ય થતું, પણ માઇકલ વોડ્રેલનું ધ્યાન અભ્યાસમાં હતું અને 2016માં ઊંચા ગ્રેડ સાથે એ એન્જિનિયરિંગમાં ઉત્તીર્ણ થયો. માઇકલ વોડ્રેલની મુશ્કેલીઓ સામેની મક્કમતા પર મીડિયા વારી ગઈ. ટેલિવિઝન ચૅનલોમાં એની મુલાકાત આવવા લાગી અને અમેરિકાની ‘પ્રેટ ઍન્ડ વ્હિટની’ નામની ઍરોસ્પેસ કંપનીએ માઇકલને ઊંચા પગારે નોકરીએ રાખી લીધો. પોતાના જીવનમાં અનેક લીલી-સૂકી જોનારા માઇકલે એટલું જ કહ્યું, ‘મારી જાત પર ભરોસો રાખીને મેં સફળતા હાંસલ કરી છે. તમે જીવનમાં બધું જ ગુમાવી બેઠા હો, તેમ છતાં આત્મવિશ્વાસ કદી ગુમાવશો નહીં. હું રોજ રાત્રે એવો વિચાર કરતો કે આજનો દિવસ તો પસાર થયો, પણ આવતીકાલનો દિવસ આનાથી વધુ ઊજળો બનાવવા કોશિશ કરવી છે.’

Categories
વાચન સમૃદ્ધિ

જગદીપ

જ. 29 માર્ચ, 1939 અ. 8 જુલાઈ, 2020

હિંદી ફિલ્મજગતના હાસ્યઅભિનેતાનો જન્મ મધ્યપ્રદેશના દતિયા ગામે થયો હતો. હિંદી સિનેમામાં પોતાના આગવા અભિનયથી આગવી ઓળખ ધરાવતા જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તાક જાફરી હતું. એમના પિતા દતિયામાં વકીલાતનો વ્યવસાય કરતા હતા. એમનો પરિવાર સમૃદ્ધ હતો. દસ ભાઈ-બહેનોમાં જગદીપ સૌથી નાના હતા. એમણે આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ સંતાનો સાથે કરાંચીમાં પોતાનાં સગાંસંબંધીઓ પાસે સ્થળાંતર કર્યું, પરંતુ ત્યાં તેમનું જીવન વધુ કપરું બન્યું. પરિવાર વિખરાઈ ગયો. માતા બાળક જગદીપ સાથે મુંબઈ આવ્યાં, જ્યાં બાળપણમાં જગદીપે સાબુ, રમકડાં, પતંગ જેવી ચીજો વેચીને માતાને મદદ કરવાનું શરૂ કર્યું. રસ્તા પર ફેંકાયેલો ખોરાક ખાઈને પણ દિવસો વિતાવ્યા. દરમિયાન નિર્દેશક-નિર્માતા બી. આર. ચોપરાની નજર જગદીપ ઉપર પડતાં 1951માં ફિલ્મ ‘અફસાના’માં બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક મળી. ત્યારબાદ ‘દિલ્લી દૂર નહિ’,  ‘હમ પંછી એક ડાલ કે’, ‘આરપાર’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને ફિલ્મ-કારકિર્દી શરૂ થઈ. ગુરુદત્ત એ. એ. અબ્બાસ, બિમલ રૉય જેવા નિર્માતા-નિર્દેશકો સાથે કામ કરતાં કરતાં અભિનય શીખતા ગયા. યુવાન અભિનેતા તરીકે ‘ભાભી’, ‘બરખા’, ‘બિંદિયા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક સાંપડી. 1968માં ફિલ્મ ‘બ્રહ્મચારી’માં એમનો હાસ્ય-અભિનય દર્શકોએ આવકાર્યો. ત્યારથી હાસ્યઅભિનેતા તરીકે એમની ઓળખ બની. આગવી સંવાદપ્રસ્તુતિ, આગવો આંખોનો અભિનય અને અવાજપ્રક્ષેપણે (voice projection) એમને અનોખા અભિનેતા તરીકે અનોખું સ્થાન અપાવ્યું. ‘પુરાના મંદિર’, ‘3 D સામરી’ જેવી કેટલીક હૉરર ફિલ્મોમાં પણ એમણે અભિનય કર્યો. પરંતુ દર્શકોએ એમને હાસ્યઅભિનેતા તરીકે જ આવકાર્યા. 1975માં ફિલ્મ ‘શોલે’માં સૂરમા ભોપાલીના પાત્રએ એમને હાસ્યની દુનિયામાં એક અમર મુકામ ઉપર મૂકી દીધા. એમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો જે લગભગ યાદગાર બની રહ્યો. ‘શહેનશાહ’, ‘કાલિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મોમાં એમનું પાત્ર દર્શકોના ચિત્તમાં આજે પણ અકબંધ છે. 2009માં ફિલ્મ ‘લાઇફ પાર્ટનર’માં એમનો અભિનય એમની અંતિમ યાદ બની રહ્યો. મુંબઈમાં કૅન્સરની બીમારીમાં 81 વર્ષની વયે એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતસર

પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, તાલુકામથક તથા જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : ૩૧° ૩૫´ ઉ. અ. અને ૭૪° ૫૩´ પૂ. રે.. તે ભારત-પાકિસ્તાનને જુદી પાડતી વાઘા સીમાથી ૫૦ કિમી.ને અંતરે છે. શહેરનું નામ ‘અમૃતસર’ અમૃત સરોવર પરથી પાડવામાં આવેલું છે. તે શીખોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ આપેલી જાગીર ઉપર ૧૫૭૭–૭૯માં આ શહેરની સ્થાપના કરી હતી. ગુરુ રામદાસનું અધૂરું કાર્ય પાંચમા ગુરુ અર્જુનદેવે પૂર્ણ કર્યું હતું. તેમણે અમૃત સરોવરની મધ્યમાં ભવ્ય હરિમંદિરનું નિર્માણ કરાવ્યું. ગુરુ ગ્રંથસાહિબનું સંકલન કરીને હરિમંદિરમાં તેની સ્થાપના કરી. ૧૮૦૩માં મહારાજા રણજિતસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. મંદિરનો નીચેનો અર્ધો ભાગ આરસજડિત કરાવ્યો અને ઉપરના તાંબાના પતરાના ઘુમ્મટને પણ સુવર્ણના પતરાથી મઢાવ્યો. આ કારણે આ મંદિર સુવર્ણમંદિર તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થયું. અમૃતસર જિલ્લાની વસ્તી ૨૮,૭૦,૦૦૦ (૨૦૨૫, આશરે) અને વિસ્તાર ૫૦૭૫ ચોકિમી. છે. જ્યારે શહેરની વસ્તી ૧૬,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) લાખ જેટલી છે.

અમૃતસરનું સુવર્ણમંદિર

સુવર્ણમંદિર ઉપરાંત અહીં અકાલ તખ્ત, બાબા અટલરાયનો ટાવર અને દુર્ગિયાનું મંદિર જોવાલાયક છે. અમૃતસર આઝાદીની ચળવળ સાથે પણ જોડાયેલું છે. ૧૯૧૯માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અહીં અંગ્રેજો દ્વારા થયેલા જલિયાંવાલા હત્યાકાંડના સ્થળે શહીદોની સ્મૃતિમાં એક સ્મારક તૈયાર કરાયેલું છે. આ શીખ યાત્રાધામ સમય જતાં વેપારધંધાનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં ઊની તથા રેશમી કપડાં, ધાબળા, શાલ, સ્વેટર, ગાલીચા, શેતરંજીઓ તેમ જ વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. અહીંનો મુખ્ય પાક ઘઉં છે. ૧૮૯૩માં અહીં ખાલસા કૉલેજ સ્થપાઈ. શહેરમાં ગુરુ નાનક યુનિવર્સિટી, મેડિકલ કૉલેજ, આયુર્વેદિક કૉલેજ તથા માનસિક રોગોની હૉસ્પિટલ આવેલી છે. દર વર્ષે વસંતપંચમીએ અહીં મેળો ભરાય છે. દિવાળીમાં પશુમેળો યોજાય છે. અમૃતસર સંતશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું મુખ્ય મથક છે. વર્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની મુલાકાત લેતા રહેતા હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1