Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. વીણા મઝુમદાર

જ. 28 માર્ચ, 1927 અ. 30 મે, 2013

ભારતીય શિક્ષણવિદ, ડાબેરી કાર્યકર અને નારીવાદી મહિલાનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા પ્રકાશ મઝુમદાર. પાંચ ભાઈબહેનોમાં સૌથી નાનાં વીણા મઝુમદાર હતાં. પિતા એન્જિનિયર અને કાકા જાણીતા ઇતિહાસવિદ હતા. પરિવારની સ્થિતિ સાધારણ હતી. નિશાળનું શિક્ષણ કૉલકાતામાં લીધું. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહિલા કૉલેજ અને કૉલકાતાની આશુતોષ કૉલેજમાં અભ્યાસ કર્યો. આશુતોષ કૉલેજમાં મહિલા વિદ્યાર્થી યુનિયનનાં સેક્રેટરી બન્યાં. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે રામારાવ સમિતિના સમર્થનમાં એક બેઠકનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કાયદા સુધારા દ્વારા પુત્રીઓ માટે વારસાના અધિકારોના વિસ્તરણની ભલામણ કરવામાં આવી. 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડની સેન્ટ હ્યુજ કૉલેજમાં ગયાં. ત્યાં 1951માં સ્નાતકની પદવી મેળવી. દેશમાં પાછાં ફર્યાં. 1951માં પટણા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. જ્યાં તેઓ રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરાવતાં હતાં. થોડા જ સમયમાં ત્યાં ટીચર્સ ઍસોસિયેશનનાં સેક્રેટરી બન્યાં. આમ, કિશોરાવસ્થાથી જ નેતા બનવાના ગુણો તેમનામાં હતા. તેમના મિત્ર પ્રોફેસર બિધુ ભૂષણ દાસની ભલામણથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ. ત્યાં થોડાં વર્ષો કાર્ય કર્યાં પછી ભારત આવ્યાં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ શિક્ષણઅધિકારી તરીકે જોડાયાં હતાં. તેમનો વિશેષ અભ્યાસ દેશમાં મહિલાઓની સ્થિતિ વિશેનો રહ્યો છે. તેઓ 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થા, સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝ(CWDS)નાં સ્થાપક ડિરેક્ટર હતાં અને બે વર્ષ ફેલો તરીકે પણ કાર્ય કરેલું. તેમનાં સંસ્મરણોનું પુસ્તક ‘મેમોરિઝ ઑફ એ રોલિંગ સ્ટોન’ નામે પ્રકાશિત થયું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ત્સુનામી

સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદ્ભવતા વિશિષ્ટ પ્રકારના ભરતીતરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ પ્રકારની ઘટના પૅસિફિક મહાસાગરમાં, વિશેષે કરીને જાપાન નજીક અવારનવાર થતી રહેતી હોવાથી જાપાની ભાષામાં ‘ત્સુનામી’ નામે પ્રચિલત બનેલી છે.

ત્સુનામી – એક દૃશ્ય

ભૂકંપ આલેખની સહાયથી વિજ્ઞાનીઓ (ભૂકંપશાસ્ત્રીઓ) અમુક કાંઠે ત્સુનામી ક્યારે ત્રાટકશે તેનું પૂર્વાનુમાન કરી શકે છે. ઉદાહરણ રૂપે, એલ્યુશિયન ટાપુઓ નજીકના સમુદ્રતળ પર ભૂકંપ નોંધાય તો હવાઈ ટાપુઓના કાંઠે ત્સુનામીનો ભય તેઓ કળી જાય છે. એલ્યુશિયન નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવતા ભૂકંપતરંગોને હવાઈ ટાપુ સુધી પહોંચતાં લાગેલા સમયની નોંધ લેવાય છે. એલ્યુશિયન ટાપુ નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવેલા ભૂકંપતરંગો જો ચાર મિનિટમાં હવાઈ ખાતે નોંધાય તો ત્સુનામી ભરતી તરંગો હવાઈમાં ચાર કલાકે પહોંચશે એવી આગાહી થઈ શકે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા ત્સુનામીની તરંગ-લંબાઈ 100થી 150 કિમી. જેટલી રહે છે અને પ્રતિ કલાકે તે 640થી 970 કિમી. વેગથી સફર કરે છે, જોકે પાણીની ઊંડાઈ પ્રમાણે તેના વેગમાં વધઘટ થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉદ્ભવતા આ તરંગો ક્યારેક વીખરાઈ પણ જતા હોય છે. તેમની ઊંચાઈ 1 મીટર કે તેથી ઓછી હોય છે; પરંતુ કાંઠે પહોંચે ત્યારે અને પાણી છીછરું હોય તો તે 30 મીટર જેટલી ઊંચી દીવાલ રચી શકે છે. સમુદ્રમાં થતા આ પ્રકારના જળવંટોળને કારણે ઉદ્ભવતા ભરતીતરંગને વંટોળ-ઉત્સર્ગ (storm surge) પણ કહે છે. પવનનો વેગ, વંટોળની અવધિ, પવન તળેનો સમુદ્રવ્યાપ અને વાયુદાબ મુજબ આ તરંગોના કદમાં ફરક પડે છે. સમુદ્રભરતીના સમયે જ જો તરંગો કાંઠા પર પહોંચે અને ત્રાટકે તો વધારે વિનાશક નીવડે છે. 1946માં હવાઈમાં હિલો ખાતે ત્સુનામીએ વિઘાતક અસર પહોંચાડેલી. સમુદ્રતળ પર ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે પણ ત્સુનામી ઉદ્ભવી શકે છે; દા. ત., 1883માં ક્રાકતાવમાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્સુનામી, પૃ. 106 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્સુનામી/)

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત દેસાઈ

જ. 27 માર્ચ, 1934 અ. 2 ઑક્ટોબર, 2011

ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હેમંત દેસાઈનો જન્મ અમલસાડ પાસે આવેલા ગંધોર ગામે થયો હતો. વતન બીલીમોરા. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ મંજુલાબહેન. 1957માં બી.એ.; 1959માં એમ.એ. અને 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. બીલીમોરાની ટાટા હાઈસ્કૂલ અને અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. નવસારીની ગાર્ડા કૉલેજમાં અભ્યાસ દરમિયાન કવિ ઉશનસ્ ના પરિચયમાં આવ્યા. હેમંત દેસાઈને કવિતાના પાઠ શીખવા મળ્યા. રાજેન્દ્ર શાહ, ઉશનસ્ અને જયંત પાઠકનું સાન્નિધ્ય પણ મળ્યું. બચુભાઈ રાવત અને પિનાકિન ઠાકોર વગેરે કવિ-વિવેચકો પાસેથી પણ માર્ગદર્શન મળતું રહ્યું. કવિતા, વિવેચન અને સંશોધનની સાથે સાથે વિવિધ કૉલેજમાં અધ્યાપનનું કાર્ય પણ ચાલતું રહ્યું. અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એલ. ડી. આર્ટસ કૉલેજ અને સાબરમતી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા પછી 1994માં સેવાનિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહી ચૂકેલા. 1997-98 દરમિયાન ‘કવિલોક’ દ્વૈમાસિકના તંત્રી હતા. કવિતા, વિવેચન અને સંપાદનમાં તેમની કલમ ચાલી છે. ‘ઇંગિત’, ‘મ્હેંક નજરોની ગ્હેક સપનોની’, ‘સોનલમૃગ’, ‘વરદાન ફૂલનું’ અને ‘સહજતયા’ એમના કાવ્યસંગ્રહો છે. ‘ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર’, ‘કવિતાની સમજ’, ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’, ‘કાવ્યસંગતિ’, ‘કલાપી’, તેમના વિવેચનના અને સંશોધનના ગ્રંથો છે. ‘કૂણાં સમણાંની જૂની ડાળ’ (શિશિરઋતુનાં કાવ્યોનો સંચય), ‘કદંબ કેરી છાયા’ (ભાનુપ્રસાદ પંડ્યા સાથે પીયૂષ પંડ્યાના કાવ્યસંગ્રહનાં કેટલાંક કાવ્યોના આસ્વાદલેખોનો સંચય) અને ‘ગુજરાતી કવિતાચયન’ તેમના સંપાદનોના સંગ્રહો છે. હેમંત દેસાઈના સાહિત્યસર્જનને વિવિધ ચંદ્રકો પણ મળ્યા છે. 1958માં કુમારચંદ્રક, 1987માં અખિલ ભારતીય કલાપી ઍવૉર્ડ, ‘કવિતાની સમજ’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોષી વિવેચન પારિતોષિક અને અ. ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે.