Categories
વાચન સમૃદ્ધિ

કલાકારનું પ્રામાણિક સત્ય

વીસમી સદીના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર સ્પેનના યુગસર્જક ચિત્રકાર પાબ્લો પિકાસો ચિત્રસર્જન કરી રહ્યા હતા, ત્યારે એમનો એક મિત્ર એમને મળવા આવ્યો. કલાસાધનામાં તલ્લીન પિકાસોને જોઈને મિત્રએ એની એકાગ્રતામાં ખલેલ પહોંચાડવાને બદલે પાછા ફરી જવાનું વધુ ઉચિત માન્યું. પિકાસોને જે ચિત્ર સર્જતા જોયા હતા, એ ચિત્ર થોડા સમય બાદ બજારમાં વેચાતું જોયું. એણે એ ખરીદી લીધું. આનું કારણ એ હતું કે બજારમાં પિકાસોને નામે ઘણાં નકલી ચિત્રો વેચાતાં હતાં, જ્યારે આ ચિત્ર બનાવતાં તો એણે ખુદ પિકાસોને જોયો જ હતો, તેથી ભારે મોટી કિંમત ચૂકવીને એ ખરીદ્યું. એક વાર તેમનો આ મિત્ર ચિત્ર લઈને પિકાસોની પાસે ગયો અને એણે કહ્યું, ‘જુઓ, તમારું આ ચિત્ર તો અસલી છે ને મેં નજરોનજર તમને એનું સર્જન કરતાં જોયા છે.’ પિકાસોએ કહ્યું, ‘ચિત્ર તો મેં જ બનાવ્યું છે, પણ એ અસલી લાગતું નથી.’ આ સાંભળીને એમના મિત્રને માથે તો આકાશ તૂટી પડ્યું. એના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. એ જોઈને પિકાસોએ કહ્યું, ‘આ ચિત્ર મેં બનાવેલું અસલી ચિત્ર નથી એનો અર્થ એ થયો કે આ ચિત્ર દોરતી વખતે હું કોઈ સર્જક નહોતો, પરંતુ મારા જ ચિત્રની નકલ કરી રહ્યો હતો. હું એમ માનું છું કે આ ચિત્ર બનાવતી વખતે હું કોઈ સ્રષ્ટા કે સર્જક હોતો નથી.’ પિકાસોનો મિત્ર હેરાન-પરેશાન થઈ ગયો. એણે ઘણી મોટી કિંમતે આ ચિત્ર ખરીદ્યું હતું અને પિકાસોનો ઉત્તર એ સમજી શકતો નહોતો, એથી એણે અકળાઈને પૂછ્યું, ‘સ્રષ્ટા એટલે તું શું કહેવા માગે છે ?’ પિકાસોએ કહ્યું, ‘સ્રષ્ટા એને કહેવાય કે જે અદ્વિતીયનું સર્જન કરે, જ્યારે હું તો મારી કૃતિઓની જ નકલ કરું છું, તેથી કઈ રીતે મારી જાતને આ ચિત્રનો સર્જક કહી શકું ?’ પિકાસોનું પ્રામાણિક સત્ય સાંભળીને આ મહાન સર્જકની કલાભાવનાનો પરિચય મળ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

ઑટો વૉન બિસ્માર્ક

જ. 1 એપ્રિલ, 1815 અ. 30 જુલાઈ, 1897

જર્મન સામ્રાજ્યના સર્જક, પ્રથમ ચાન્સેલર અને તે સમયના પ્રશિયાના વડાપ્રધાન બિસ્માર્કનો જન્મ શોનહોઝન, પ્રશિયામાં થયો હતો. તેઓ પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. 1847માં પ્રશિયાની ધારાસભાના સભ્ય બન્યા. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા. એ જ વર્ષે તેઓ પ્રશિયાના વડાપ્રધાન બન્યા. તેઓ કુશળ રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી હતા. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં. વિરોધીઓને દબાવી દીધા. તે પછીના દાયકામાં ત્રણ યુદ્ધો દ્વારા જર્મનીનું એકીકરણ કર્યું. જર્મન રાજ્યોને એકત્રિત કરી જર્મન સંઘની રચના કરી હતી. પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન સંઘનો સમ્રાટ બન્યો અને બિસ્માર્ક તેમના પ્રથમ ચાન્સેલર બન્યા. તેમણે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી. તેમણે મજબૂત કેન્દ્રીય વ્યવસ્થાની સ્થાપના કરી રેલવે, તાર, ટપાલ, બૅન્કો, ટેલિફોન વગેરે કેન્દ્ર સરકાર હસ્તક રાખ્યાં. તેમનો જર્મન સંસ્કૃતિના રક્ષણ માટે કૅથલિકો સાથેનો સંઘર્ષ ‘સંસ્કૃતિના રક્ષણ માટેનો સંઘર્ષ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. 1872માં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને જર્મનીના ત્રણ સમ્રાટોને એકત્રિત કરી ત્રણ સમ્રાટોના સંઘની રચના કરી. તેમણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ ન કરવા છતાં મિત્રતા જાળવી હતી. તેમની અનેક સિદ્ધિઓ દ્વારા તેઓ તેમના સમયના મહાન રાજનીતિજ્ઞ ગણાયા. તેમની નીતિ સંધિઓ દ્વારા યુરોપમાં સમતુલા જાળવી રાખવાની, ફ્રાન્સને એકલું પાડવાની તથા જર્મનીનું સંરક્ષણ કરવાની હતી. કૈસર વિલિયમ પહેલાના અવસાન બાદ તેના પુત્ર વિલિયમ બીજા સાથે બિસ્માર્કને અનેક મતભેદો થયા. આમ પણ બિસ્માર્કની નીતિઓથી પાદરીઓ અને ઉદારમતવાદીઓ ત્રસ્ત હતા. વૃદ્ધ બિસ્માર્કે 20 માર્ચ, 1890ના રોજ રાજીનામું આપતાં એક ઝળહળતી કારકિર્દીનો અંત આવ્યો. આ પછી બિસ્માર્કને લ્યુમેનબર્ગના ડ્યૂકની અને ફિલ્ડમાર્શલની પદવીઓથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ ડેરી

દૂધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનો કરતી આણંદ ખાતે આવેલી ડેરી. તેનું પૂરું નામ છે Anand Milk-Producers’ Union Ltd.. તે ઉપરથી AMUL – ‘અમૂલ’ નામ પડ્યું છે. તે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ડેરી છે. સમગ્ર એશિયામાં તેની નામના છે. આ સહકારી ડેરીની શરૂઆત ૧લી જૂન, ૧૯૪૮થી થઈ. ત્રિભોવનદાસ પટેલની ધગશ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના બાહોશ નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલે ધીમે ધીમે ખૂબ પ્રગતિ કરી છે. આજે તેની દૂધ સંઘરવા ને સાચવવાની તાકાત ૫૦ લાખ લિટર પર પહોંચી છે. અમૂલથી ૮ કિમી.ના અંતરે મોગર ખાતે ચૉકલેટ તથા બાલ-આહાર બનાવવાનું કારખાનું છે. ખાત્રજ ચોકડી પાસે ચીઝ બનાવવાનું અને કણજરી ખાતે અમૂલ દાણ બનાવવાનું કારખાનું છે.

ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલ ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી બની છે. અમૂલમાંથી પાશ્ચરીકરણ (જીવાણુમુક્ત) થયેલું દૂધ ટૅન્કરો દ્વારા મુંબઈ, દિલ્હી અને કૉલકાતા જેવાં શહેરોને પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત પાઉડર, ઘી, ચીઝ, માખણ, કેસીન જેવી દૂધની પેદાશોનું નિયમિત ઉત્પાદન કરીને ભારતભરમાં ગ્રાહકો સુધી પહોંચાડાય છે. દૂધ ઉપરાંત અમૂલ બ્રાન્ડ હેઠળ બ્રેડ, ચૉકલેટ, મીઠાઈ તથા ફ્રોઝન ફરસાણ પણ મળે છે. વળી સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવા અને તેમનાં ઉછેર, માવજત ને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટેની સેવા પણ અમૂલ બજાવે છે. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને દુનિયાના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1