Categories
વાચન સમૃદ્ધિ

વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી

જ. 26 નવેમ્બર, 1825 અ. 14 નવેમ્બર, 1892

ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ તરીકે જાણીતા વ્રજલાલ શાસ્ત્રીનો જન્મ સોજીત્રા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મલાતજમાં જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. વ્યાકરણની સાથોસાથ તેમણે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદસ્થિત જૈન મંદિર ખાતે સંસ્કૃત શીખવ્યું હતું. જૈન ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે તેઓ પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને અર્ધમાગધી ભાષાથી પરિચિત થયા હતા. જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં હતાં. વ્રજલાલ શાસ્ત્રીએ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મસભા સાથે કામ કર્યું હતું અને તેમના બે જર્નલ ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું સંપાદન કર્યું હતું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં જોડાયા હતા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. વિદ્વાન સંશોધક અને લેખક વ્રજલાલ શાસ્ત્રી પાસેથી આપણને પંદર ગ્રંથો પ્રાપ્ત થયા છે – જેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866), ‘ઉત્સર્ગમાલા’ (1870), ‘ધાતુસંગ્રહ’ (1870), ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870), વૈશેષિક તર્કસાર’ (1878), ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે. ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં એ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે. ‘બ્રહ્મસૂત્રાર્થપ્રકાશ’, ‘મુક્તામાળા’ અને ‘રસગંગા’ 1934માં પ્રકાશિત થયેલાં મરણોત્તર પ્રકાશન છે.

Categories
વાચન સમૃદ્ધિ

હમ્પી

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું ઐતિહાસિક નગર. હમ્પી વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોના સ્થળ તરીકે પ્રખ્યાત છે. તે હાલના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસટેપ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ, તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. ઈ. સ. ૧૩૩૬માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. પાંચસો વર્ષ પૂર્વે હમ્પી વિજયનગર મહારાજ્યની રાજધાની હતું. ૨૦૦ વર્ષ કરતાં વધારે સમયમાં હિંદુ વંશના ત્રણ પેઢીઓના રાજાઓએ અહીંથી શાસન કર્યું હતું. કૃષ્ણદેવરાય(૧૫૦૯થી ૧૫૨૯)ના શાસનનો સમય હમ્પી માટે સુવર્ણયુગ હતો. તેના સમયમાં અહીં પ્રસિદ્ધ મંદિરો બંધાયાં હતાં. ત્યારબાદ અચ્યુતરાય(૧૫૨૯–૧૫૪૨)નો સમય પણ ઉત્તમ હતો. ઈ. સ. ૧૫૬૫માં તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘે, વિજયનગરના અંતિમ રાજા રામરાયને હરાવ્યો. સુલતાનોએ હમ્પી નગરને લૂંટીને ખેદાનમેદાન કરી મૂક્યું. હાલમાં અહીં માત્ર વિજયનગર સામ્રાજ્યની જાહોજલાલી, ભવ્યતા ને કળારસિકતા દર્શાવતાં સ્થાપત્યોના ભગ્નાવશેષો જોવા મળે છે.

વિઠ્ઠલમંદિર, હમ્પી

અવશેષો જોતાં એટલું પુરવાર થાય છે કે આ નગરનું સ્થાન ઉત્તમ હતું. આસપાસ ઊંચી શિલાઓની સુરક્ષા હતી. કેન્દ્રનો નાગરિક વિસ્તાર નહેર વડે રક્ષિત હતો. આ નહેર આજે પણ પાણી પૂરું પાડે છે. અહીં આવેલાં મંદિરોમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરુપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં ઉત્તમ ઉદાહરણો છે. વિઠ્ઠલમંદિર સૌથી વધુ અલંકૃત છે. તેનું નિર્માણ કૃષ્ણદેવરાય(દ્વિતીય)ના સમયમાં શરૂ થયું હતું ને અચ્યુતરાયના શાસનકાળમાં પણ ચાલુ રહ્યું હતું. ૧૫૨.૪૦ x ૪૧.૧૫ મી.ની સમકોણ ચતુર્ભુજાકાર દીવાલોથી તે રક્ષિત છે. આની અંદર સ્તંભોની ત્રણ હારથી યુક્ત આચ્છાદિત માર્ગ છે. સમગ્ર મંદિરની નિર્માણયોજના અસાધારણ છે. પ્રસ્તુત મંદિરમાં વિઠ્ઠલ-સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજે છે. કૃષ્ણદેવરાય દ્વારા નિર્મિત (ઈ. સ. ૧૫૧૩) હજારારામમંદિર વિઠ્ઠલમંદિરનું સમકાલીન છે. આ મંદિર રાજપરિવારની પૂજા માટે હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હમ્પી, પૃ. 111)

Categories
વાચન સમૃદ્ધિ

સાધુ વાસવાણી

જ. 25 નવેમ્બર, 1879 અ. 16 જાન્યુઆરી, 1966

ભારતીય શિક્ષણવિદ, સ્વાતંત્ર્યતાસેનાની અને શિક્ષણક્ષેત્રે મીરાં આંદોલનના પ્રણેતા સાધુ વાસવાણીનું મૂળ નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. પોતાની અંદર વિકસિત થઈ રહેલ આધ્યાત્મિક શક્તિને બાળક વાસવાણીએ બચપણથી જ જાણી લીધી હતી. તેથી તેઓ સાંસારિક બંધનોને છોડીને ભગવત ભક્તિમાં પ્રવૃત્ત થવા માગતા હતા, પરંતુ તેમનાં માતાની ઇચ્છા હતી કે પુત્ર ગૃહસ્થાશ્રમ અપનાવી પરિવારમાં જ રહે, પોતાની માતાના આગ્રહને વશ થઈ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1902માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ સાધુ વાસવાણીએ વિવિધ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ટી. જી. કૉલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ પામ્યા હતા. લાહોરની દયાલસિંહ કૉલેજ, કૂચ બિહારની વિક્ટોરિયા કૉલેજ અને કૉલકાતાની મેટ્રોપોલિટન કૉલેજમાં ભણાવ્યા બાદ 1916માં તેઓ પટિયાળાની મહેન્દ્ર કૉલેજના આચાર્ય બન્યા હતા. સાધુ વાસવાણીએ જીવહત્યા અટકાવવા માટે જીવનપર્યંત પ્રયત્નો કર્યા હતા. સમસ્ત જીવોને તેઓ એકસમાન માનતા હતા. જીવહત્યા રોકવા માટે પોતાનું મસ્તક કપાવવા પણ તેઓ તૈયાર હતા. માત્ર જીવજંતુ જ નહિ, પરંતુ વનસ્પતિમાં પણ પ્રાણ હોય છે તેવો તેમનો મત હતો. યુવાનોને સારું શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવામાં તેમને ખૂબ રસ હતો. તેઓ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક સહિષ્ણુતા અને એકતાના  પ્રખર હિમાયતી હતા. 30 વર્ષની વયે સાધુ વાસવાણી ભારતના પ્રતિનિધિ તરીકે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે બર્લિન ગયા હતા. ત્યાં પોતાનું અસરકારક ભાષણ કર્યા બાદ તેઓ સમગ્ર યુરોપમાં ધર્મનો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રભાવશાળી વક્તા હોવાથી ભારતના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ કરીને તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે સાધુ વાસવાણીએ સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો હતો. ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ જોડાયા હતા. તેઓ ખેડૂતોના હિતરક્ષક અને આધુનિક ખેતીના હિમાયતી હતા.