Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિના આનંદની

બાદબાકીનો અનર્થ ============

ક્યારેક તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ થઈ છે ખરી ? માનવી બ્રહ્માંડમાં વસે છે, પરંતુ પોતાના કેટલાય અંશોને એ ગુમાવી રહ્યો છે. એનો એક અંશ છે વ્યાપકતાનો અનુભવ. પરંતુ એને શોખ છે પોતાના એકદંડિયા મહેલમાં જીવવાનો. આને પરિણામે એ આકાશમાં ઊડતાં પંખીઓનું ગીત કે ઝરણાંના વહેતા પ્રવાહનું સંગીત સાંભળી શકતો નથી. છલોછલ પ્રકૃતિ વચ્ચે જીવતો હોવા છતાં એનો એને લગીરે અનુભવ થતો નથી. પશુઓ તરફ એની કોઈ દૃષ્ટિ કેળવાયેલી નથી. કાં તેમને પાંજરામાં કેદ થયેલાં જુએ છે અથવા તો રસ્તે રઝળતાં જુએ છે. સચરાચર સૃષ્ટિની વાત કરનાર માનવી એ સચરાચરનો અનુભવ પામી શકતો નથી અને એને પરિણામે એના જીવનમાં એક પ્રકારનો ખાલીપો ઊભો થાય છે. એનો બાહ્ય સૃષ્ટિ સાથેનો સંબંધ જેટલો ક્ષીણ થાય છે, એટલી એની આંતરસૃષ્ટિની વ્યથા વધે છે, પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેનો એનો અનુબંધ તૂટી ગયો છે અને તેથી જીવનના કેટલાય નિર્વ્યાજ આનંદનાં સ્થાનો એ ખોઈ બેઠો છે. ક્યારેય એકાંત પ્રદેશમાં કે હરિયાળા પર્વતની ગોદમાં એ પલાંઠી વાળીને વૃક્ષો કે પક્ષીઓ સાથે સંવાદ કરતો નથી. ક્યારેય છોડ પર આવતી કુમળી કૂંપળ કે વૃક્ષ પર આવતાં રસમધુર ફળને જોઈને એનું મન નાચતું નથી. નીરવ એકાંતમાં પ્રકૃતિમાંથી ઊઠતા સ્વરો-ઉદગારોનું કાન માંડીને શ્રવણ કરતો નથી. જીવનની દોડધામ વચ્ચે નિસર્ગના દૃશ્યને મનમાં ખડું કરીને નવી ચેતના અનુભવતો નથી. એ વિચારતો નથી કે પ્રાણી સાથે પણ એનું જીવન જોડાયેલું છે. પ્રકૃતિ સાથે એનો આનંદ બંધાયેલો છે. પંખી સાથે એનું ગીત સંકળાયેલું છે. માનવીએ પોતાના જીવનમાંથી કરેલી આ બધી બાદબાકી અંતે તો માનવીના સ્વયંના જીવનની બાદબાકી બનીને રહે છે !

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

હરચંદસિંઘ લોંગોવાલ

જ. ૨ જાન્યુઆરી, ૧૯૩૨ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૮૫

પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં બળવા દરમિયાન અકાલી દળના પ્રમુખ તરીકે જાણીતા હરચંદસિંઘ લોંગોવાલનો જન્મ પટિયાલા રજવાડામાં આવેલા ગીદરિયાની ગામે થયો હતો. તેમણે સંત જોધસિંઘના આશ્રયમાં રહીને શીખ ધર્મગ્રંથો અને શીખ સંગીતનો અભ્યાસ કર્યો હતો. એકવીસ વર્ષની ઉંમરે તેમણે ગુરુદ્વારામાં ગ્રંથ-વાચક અને કસ્ટોડિયન તરીકે સેવા આપી હતી. લોંગોવાલ ગામમાં તેમણે અઢારમી સદીના પ્રખ્યાત વિદ્વાન અને શહીદ ભાઈ મણિસિંઘની યાદમાં ગુરુદ્વારા ઊભું કર્યું હતું. ૧૯૬૨માં તેમને દમદમા સાહિબ (તલવંડી સાબો) ખાતેના ઐતિહાસિક મંદિરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ‘સંતજી’ તરીકે ઓળખાતા હતા. હરચંદસિંઘ લોંગોવાલનું રાજકીય જીવન ૧૯૬૪માં શરૂ થયું હતું. જ્યારે તેમણે હાલના હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાઓંટા સાહિબના ઐતિહાસિક સ્થળ પર શીખ અધિકારો માટે યોજાયેલા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૬૫માં લોંગોવાલ સંગરૂર જિલ્લામાં અકાલી સંગઠનના પ્રમુખ બન્યા અને શિરોમણિ અકાલી દળની કારોબારી સમિતિના સભ્ય બન્યા હતા. ૧૯૬૯માં તેઓ પંજાબ વિધાનસભામાં અકાલી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૦માં અકાલી દળના અધ્યક્ષ તરીકેની ભૂમિકા દરમિયાન હરચંદસિંઘે પંજાબના શીખોની લાંબા સમયથી ચાલતી ફરિયાદો અંગે કેન્દ્ર સરકાર પાસેથી છૂટ મેળવવા માટે નાગરિક અસહકારની મોટા પાયે ઝુંબેશ શરૂ કરી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે ખૂબ જ વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો નિષ્ફળ જવાથી લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી હતી. જેનાથી ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓના હાથ મજબૂત થયા હતા. હરચંદસિંઘ લોંગોવાલે ૨૪ જુલાઈ, ૧૯૮૫ના રોજ રાજીવ ગાંધી સાથે પંજાબ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેને રાજીવ-લોંગોવાલ ઍકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અકાલી દળની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. કરાર પર હસ્તાક્ષર કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લોંગોવાલની હત્યા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જામજોધપુર

જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલા છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને ૭૯ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૦૯૧.૩ ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી ૧,૧૭,૪૩૫ (૨૦૦૧) છે. આ તાલુકાનો પોરબંદર જિલ્લાની સરહદે આવેલો દક્ષિણ ભાગ અને ઈશાન ખૂણે કાલાવડ તાલુકાની સરહદે આવેલો ભાગ ડુંગરાળ છે. બાકીનો ભાગ લગભગ સપાટ છે. કેટલીક જમીન ડેક્કન ટ્રૅપ પ્રકારના ખડકોના ઘસારાને લીધે કાળી બનેલી છે. તે ભેજ સાચવી શકે છે. કપાસ માટે તે અનુકૂળ છે. સેન્દ્રિય તત્ત્વોવાળી બાકીની જમીન હલકી અને ઓછી ફળદ્રુપ છે. જામનગર જિલ્લામાં સરેરાશ ૪૧૨ મિમી. વરસાદ પડે છે. પોરબંદર નજીક આવેલ આ તાલુકામાં સરેરાશ ૮૦૦ મિમી.થી વધુ વરસાદ પડતો નથી. મે માસમાં સરેરાશ ૩૬° સે. તાપમાન રહે છે, જ્યારે જાન્યુઆરીમાં સરેરાશ ૨૬° સે. તાપમાન રહે છે. સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે.

મગફળીનો પાક                                       

કપાસનું વાવેતર

આ તાલુકામાં જુવાર, બાજરી, ઘઉં, કપાસ, મગફળી વગેરે પાકોનું વાવેતર થાય છે. અનાજના વાવેતરની ૮૦% જમીનમાં અખાદ્ય પાક વવાય છે. બાકીની ૨૦% જમીનમાં ઘઉં, શેરડી, કઠોળ, ડાંગર, મરચાં, લસણ અને ડુંગળી જેવા ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. વળી, રોકડિયા પાકો વવાય છે તે જમીનના ૮૦% જમીનમાં મગફળી, ૯%માં કપાસ અને બાકીની જમીનમાં તમાકુ, તલ, એરંડા અને ઘાસચારો થાય છે. તાલુકાના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને ગૌણ ધંધો પશુપાલન છે. આ તાલુકામાં મગફળી અને કપાસનો વિશેષ પાક થતો હોવાથી પંદરેક તેલની મિલો અને કપાસ લોઢવાનું જિન આવેલાં છે. એક સૉલ્વન્ટનું કારખાનું છે. જામજોધપુર શહેર ૨૧° ૫૪´ ઉ. અ. અને ૭૦° ૦૧´ પૂ. રે. ઉપર આવેલું તાલુકા મથક અને એકમાત્ર શહેર છે. તેની કુલ વસ્તી ૨૨,૬૫૧ (૨૦૦૧) છે. શિક્ષણનું પ્રમાણ સારું છે. તેલ, કપાસિયાં અને ઘીની નિકાસ થાય છે. સિમેન્ટ, લોખંડની વસ્તુઓ, ખાંડ, ચા, ચોખા, કઠોળ વગેરેની આયાત થાય છે. જામજોધપુર પોરબંદર-જેતલસર મીટરગેજ રેલવેનું મહત્ત્વનું સ્ટેશન છે. તાલુકામથક હોઈને જામજોધપુર જથ્થાબંધ વેપારનું કેન્દ્ર તથા વિતરણ કેન્દ્ર છે. શહેરમાં આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલય, દવાખાનું વગેરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર