Categories
વાચન સમૃદ્ધિ

જયપુર

રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે ૨૫૯ કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : ૧૧,૫૮૮ ચોકિમી., જિલ્લાની વસ્તી : ૬૬,૬૩,૯૭૧ (૨૦૧૧). તેની સ્થાપના (૧૭૨૮માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. ૧૮૮૩માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે આ શહેરની મુલાકાત લીધી હતી. શહેરનાં તમામ મકાનો ગુલાબી રંગનાં હોવાને કારણે આ શહેર ‘ગુલાબીનગર’ તરીકે જાણીતું છે. નગરની ચારે બાજુ લગભગ ૬.૦૩ મી. ઊંચો અને ૧.૮૨૮ મી. પહોળો કોટ આવેલ હતો, જે આજે ભગ્ન અવશેષ રૂપે જોવા મળે છે. આ પ્રાચીન નગરને ૮ પ્રવેશદ્વાર છે, જેમાં અજમેરી ગેટ, સાંગાનેરી ગેટ તેમજ ચાંદપોલ અને ઘાટ દરવાજો મુખ્ય છે. ચોરસ આકારના આ શહેરના કેટલાક રસ્તા ૩૪ મીટર કરતાં વધુ પહોળા છે. બધા જ રસ્તા કાટખૂણે છેદતા અને સીધા છે. આ શહેરનાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ, ચંદ્રમહેલ, હવામહેલ, ગૈટોર, ગલતા વેધશાળા ઉપરાંત અગાઉની રાજધાનીનો આમેર (અંબર) કિલ્લો મુખ્ય છે.

હવામહેલ, જયપુર

શહેરના સાતમા ભાગના ક્ષેત્રફળમાં પથરાયેલ રાજમહેલમાં ૭ પ્રવેશદ્વાર આવેલાં છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વારને ‘સિંહદ્વાર’ કહે છે. આ મહેલમાં દીવાને આમ, દીવાને ખાસ ઉપરાંત શસ્ત્રાગાર, વસ્ત્રાગાર અને પુસ્તકાલય જોવાલાયક છે. મધ્યયુગનાં રાજપૂતી શસ્ત્રો, કીમતી વસ્ત્રો તેમજ દુર્લભ પુસ્તકોનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. વિખ્યાત ઇતિહાસકાર અબુલફઝલે કરેલું ‘મહાભારત’નું ફારસી ભાષાંતર અહીં સંગ્રહાયેલું છે. ચંદ્રમહેલમાં સુંદર ચિત્રો તેમજ હસ્તકલાકૌશલના નમૂના ખાસ જોવાલાયક છે. શહેરની વચ્ચોવચ આવેલ હવામહેલ શિલ્પસ્થાપત્યનું સુંદર સ્થળ છે. મહારાજા સવાઈ પ્રતાપસિંહજીએ બંધાવેલ પાંચ માળના આ ભવ્ય મહેલની રસ્તા પર પડતી અસંખ્ય અટારીઓ અર્ધઅષ્ટકોણ આકારની છે. જયપુરના દિવંગત રાજવીઓનાં સ્મારકો ગૈટોરમાં આવેલ છે. ગલતા પહાડીઓ વચ્ચે આવેલ સૂર્યમંદિર જોવાલાયક છે. જયપુર શહેરથી ૧૨ કિમી. દૂર આમેર કિલ્લો જૂની રાજધાનીનું સ્થળ છે. અહીં શીલામાતાનું મંદિર, શીશમહેલ, દીવાને આમ – દીવાને ખાસ તેમજ ભવ્ય મહેલ જોવાલાયક છે. રાજા જયસિંહે ભારતનાં પાંચ શહેરોમાં વેધશાળાઓ બંધાવી હતી જેમાંની સૌથી મોટી વેધશાળા અહીં આવેલી છે. રાજસ્થાન યુનિવર્સિટીનું તે મુખ્ય મથક છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે.

મહેશ ત્રિવેદી

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

નટવરલાલ પ્રભુલાલ બૂચ

જ. ૨૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૯ જાન્યુઆરી, ૨૦૦૦

ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બૂચનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું હતું. સંસ્કૃત અને  અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૨૭માં બી.એ. તથા તે પછી  એમ.એ. થયા. ૧૯૩૦થી ૧૯૮૧ દરમિયાનનાં વર્ષોમાં તેઓએ વત્સલ અને વિદ્વાન શિક્ષક-અધ્યાપક તરીકે દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં તથા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, આંબલા તેમજ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું શિક્ષણકાર્ય કર્યું. અહીં તેમણે આચાર્ય ઉપનિયામક તથા સહનિયામક તરીકે પણ કાર્ય કર્યું. પ્રવાસવર્ણનથી સર્જનનો આરંભ કરનાર આ હાસ્ય-નિબંધકાર તથા કવિતાના સર્જકે નિબંધ ઉપરાંત નાટ્ય પ્રહસન, હાસ્યકવિતા – પ્રતિકાવ્યસ્વરૂપે મર્મપૂર્ણ નિર્દંશ રચનાઓ આપી છે. મૌલિક લેખન ઉપરાંત તેમણે ધર્મ-તત્ત્વજ્ઞાન, સમાજચિંતન અને અર્થશાસ્ત્ર જેવાં વિષયક્ષેત્રોનાં અંગ્રેજી પુસ્તકોનાં અનુવાદ તથા સંપાદનો કર્યાં છે. ‘રામરોટી પહેલી’ (૧૯૩૯), ‘રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો’ (૧૯૫૩), ‘રામરોટી ત્રીજી’ (૧૯૬૮), ‘છેલવેલ્લું’ (૧૯૮૨), ‘હળવાં ફૂલ’ (૧૯૮૩), ‘કાગળના કેસૂડા’ (૧૯૮૬) વગેરે તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે.

તેમણે નિબંધોમાં માનવસ્વભાવની સારી-નરસી લાક્ષણિકતાઓ માર્મિકતાથી પ્રગટ કરી છે. ગંભીર વસ્તુને હળવા દૃષ્ટિકોણથી જોવાની તેમની ખાસિયત નોંધપાત્ર છે. નૈસર્ગિક હાસ્ય ઉપજાવવાની કળા એમને ઊંચી કોટિના હાસ્યલેખક તરીકે પ્રતિષ્ઠા આપે છે. તેમણે કરેલા અનુવાદોમાં ‘ડેવિડ કોપર ફિલ્ડ’, ‘ગાંધીજીનો જીવનસંદેશ’, ‘સામૂહિક વિકાસયોજના’, ‘ઈસુને પગલે’, ‘સમાનતા આપણો ભારતદેશ’, ‘નગદ નારાયણ’ વગેરે મહત્ત્વના છે.

બૂચકાકાના નામે જાણીતા નટવરલાલે ‘ઉદયપુર-મેવાડ’ પ્રવાસવર્ણન રમૂજી છતાં રસિક શૈલીમાં લખ્યું છે. ‘રામરોટી ત્રીજી’ સંગ્રહમાંના ‘અસત્યનો મહિમા’, ‘માંદગી માણીએ’, ‘ઉપવાસીના વિચારો’ વગેરે અલગ તરી આવે છે. તેમણે કેટલીક પરિચય પુસ્તિકાઓ તથા બાળકાવ્યોના સંગ્રહ પણ સર્જ્યા છે. પ્રતિકાવ્યો દ્વારા તેમણે નિર્દંશ હાસ્યતરંગો પ્રસાર્યા છે; જેમ કે ‘એક જ દે ચિનગારી’નું તેમણે રચેલું પ્રતિકાવ્ય –

‘યાચે શું ચિનગારી મહાનર યાચે શું ચિનગારી ?

ચકમક લોઢું મૂક પડ્યું ને બાકસ લે કર ધારી,

કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી.

૧૯૯૬માં તેમને દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક (શૈક્ષણિક) ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શામળાજી

ગુજરાત રાજ્યનાં જાણીતાં વૈષ્ણવ તીર્થોમાંનું એક. તે ૨૩° ૪૧´ ઉ. અ. અને ૭૩° ૨૩´ પૂ. રે. વચ્ચે મેશ્વો નદીને કાંઠે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે ‘હરિશ્ચંદ્રપુરી’, ‘રુદ્રગયા’, ‘ગદાધરક્ષેત્ર’ વગેરે નામે ઓળખાતું હતું.

શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન ગદાધરનું છે. બે મોટા હાથીનાં શિલ્પવાળાં દ્વારેથી પ્રવેશતાં વિશાળ પ્રાંગણમાં ૫૦૦ વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની વિષ્ણુની પ્રતિમા છે. લોકો તેને ‘શામળિયા દેવ’ – ’કાળિયા દેવ’ તરીકે પૂજે છે. મંદિરની શિલ્પકલા અનન્ય છે. મંદિર મહાપીઠ પર ઊભું છે. આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે શિલ્પથરો વડે સુશોભિત છે. ગર્ભગૃહની બહારની દીવાલ પણ વિવિધ થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર શિલ્પથરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા ૧૬ ટેકાઓ નૃત્યાંગનાઓના શિલ્પથી શોભે છે. મધ્યમાં ગદાધરની મૂર્તિ છે. મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. શિલ્પોમાં ભૂમિતિની ફૂલવેલો, પ્રાણીઓ, માનવો અને દેવ-દેવીઓની તેમ જ ભૌમિતિક આકૃતિઓની કોતરણી છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણોના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. શિખરની ઉપર અગ્નિખૂણે ધ્વજ છે.

ગદાધરના મંદિર ઉપરાંત અહીં ત્રિલોકનાથ, રણછોડજી, રઘુનાથજી, ગણેશ અને કાશી વિશ્વનાથનાં મંદિરો, હરિશ્ચંદ્રની ચૉરી વગેરે આવેલાં છે. હરિશ્ચંદ્રની ચૉરી નામના પ્રાચીન મંદિરની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. કર્માબાઈનું તળાવ, નાગધરો, પ્રાચીન કિલ્લો, પ્રાચીન વાવ નજીક આવેલો સર્વોદય આશ્રમ વગેરે જોવાલાયક છે. ‘કળશી છોરાંની મા’ નામની વિષ્ણુમૂર્તિ પ્રસિદ્ધ છે અને આદિવાસી સ્ત્રીઓ તેની વિશેષભાવે પૂજા કરે છે. શામળાજી પાસે દેવની મોરીના સ્થળેથી એક બૌદ્ધ મહાસ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પથ્થરનું એક અસ્થિપાત્ર મળી આવ્યું છે, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સચવાયેલા છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન આ અવશેષો છે અને તે હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સચવાયેલા છે. વળી શામળાજીની આસપાસથી ક્ષત્રપકાલ અને ગુપ્તકાલનાં છૂટાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. શામળાજીમાં દર વર્ષે કારતકી પૂનમના રોજ મેળો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, ઉદયપુર, ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી ભાગ લે છે. યાત્રીઓ-પર્યટકો માટે અહીં રહેવાજમવાની સગવડો છે.

અમલા પરીખ