Categories
વાચન સમૃદ્ધિ

શ્રીનિવાસ આયંગર રામાનુજન

જ. ૨૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૬ એપ્રિલ, ૧૯૨૦

ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તમિળનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. નાનપણથી જ ખૂબ તેજસ્વી એટલે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે દસમા ધોરણ સુધીનું ગણિત સમજી શકતા. ગણિત અને અંગ્રેજીમાં સારાં પરિણામો લાવતા તેથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મળી પણ ગણિતના અતિ આકર્ષણથી બીજા વિષયો પ્રત્યેના દુર્લક્ષને કારણે કૉલેજના પ્રથમ વર્ષમાં જ નાપાસ થયા અને શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ. ૧૯૦૭માં અભ્યાસ છોડી દેવો પડ્યો. આથી આર્થિક સ્થિતિ માટે ગણિતનાં ટ્યૂશન તથા બીજે ખાતાવહીનું કામ કરવા લાગ્યા. ૧૯૧૨માં તેઓ ‘મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટ’માં કારકુન તરીકે જોડાયા. કેટલાક હિતેચ્છુઓની સલાહથી તેમણે ૧૯૧૩ના જાન્યુઆરીમાં ઇંગ્લૅન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાનાં સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. હાર્ડીએ તેમને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું. મદ્રાસ યુનિવર્સિટીને ભલામણ કરીને રામાનુજનને સંશોધન માટે શિષ્યવૃત્તિ અપાવી. પરિણામે ૧૯૧૪ના માર્ચમાં  તેઓ ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાં હાર્ડી સાથે જ ઉત્તમ કોટિનું સંશોધનકાર્ય કર્યું અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના ફેલો બન્યા. ૧૯૧૮માં ‘રૉયલ સોસાયટી’એ પણ તેમને  ફેલો બનાવ્યા. આ માન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય ગણિતજ્ઞ હતા. તબિયત નાદુરસ્ત રહેવાથી ૧૯૧૯ના માર્ચ મહિનામાં ભારત પાછા આવ્યા. તેમનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢિઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો વગેરે ક્ષેત્રોમાં હતું. ૧૯૦૨થી લઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યાં સુધી તેમનાં બધાં પરિણામો તેમણે જે નોટમાં લખ્યાં હતાં તે તેમના જ હસ્તાક્ષરોમાં ૧૯૫૭માં મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયાં છે. મરણપથારીએથી પણ નવી શોધો કરી ઇંગ્લૅન્ડ મોકલી તે ખોવાઈ ગઈ, પણ ૧૯૭૬માં જી. ઈ. એન્ડ્રુઝે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના પુસ્તકાલયમાં શોધી કાઢી. પૂર્ણાંકનાં વિભાજનોની સંખ્યા શોધવા અંગેનું ૧૯૧૭માં પ્રકાશિત થયેલું હાર્ડી અને રામાનુજનનું સંયુક્ત સંશોધનપત્ર યુગપ્રવર્તક બન્યું. તેમના વિશિષ્ટ પ્રદાનની યાદમાં ‘રામાનુજન પુરસ્કાર’ તથા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જીભ જેટલો જ કાનને અધિકાર

છે ————–

બીજાની વાત કે એના વિચારને તમે ‘કાન આપો છો’ ખરા ? કેટલીક વ્યક્તિઓ પોતાની વાત જ કહ્યે જાય છે અને પોતાના જ વિચારો ઝીંક્યે રાખે છે. એમના વક્તવ્યમાં ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. વળી, સતત બોલતી વખતે તેઓ એમ માને છે કે સામેની વ્યક્તિ પર પોતે પ્રભાવ પાડી રહી છે ! એમને એ ખ્યાલ આવતો નથી કે સામેની વ્યક્તિ એમની વાતને કેટલું વજૂદ આપે છે અને એમના વિચારને કેટલું ‘વજન’ આપે છે. પત્ની, મિત્ર, સાથીઓ કે સહકર્મચારીઓની વાત સાંભળવાને બદલે પોતાની જ વાત કહેનાર જીવનમાં ઘણા વિસંવાદ સર્જે છે. જીભના જેટલો જ કાનનો મહિમા છે. જીભની ચંચળતા અને કાનની સ્થિતિસ્થાપકતા બંને વચ્ચે સમતુલન સાધવાની જરૂર છે. જીભનો અતિ વપરાશ કરનારા  સામી વ્યક્તિના કાનને અન્યાય કરે છે. દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવાની ઇચ્છા હોય છે. જો એનો પતિ, મિત્ર કે સહકર્મચારી એ ન સાંભળે, તો એ બીજાને પોતાની વાત કહેવા માટે દોડી જશે. દરેક વ્યક્તિને વ્યક્ત થવું હોય છે અને એ વ્યક્ત ન થાય ત્યાં સુધી ગૂંગળાતી રહે છે. ગૃહસ્થજીવન હોય કે વ્યવસાયજીવન – પણ એમાં બીજાની વાત કે વિચાર સાંભળવાની શક્તિ ઘણી મહત્ત્વની બને છે અને એના પર જ એની સફળતાનો આધાર હોય છે. પોતાનો વિચાર બીજા પર લાદવાને બદલે બીજાનો વિચાર જાણવાની કોશિશ કરવી જોઈએ. કદાચ એ બીજી વ્યક્તિ તમારો પોતાનો જ વિચાર કહેતી હોય ! વળી જો એનો વિચાર પોતાના વિચારથી જુદો હશે, તો સામી વ્યક્તિના વિચારને સમજીને એને યોગ્ય રીતે વાળવાની તક મળશે, આથી એ વ્યક્તિને પણ લાગશે કે એની વાત અહીં સંભળાય છે. એને વ્યક્ત થવાની પૂરી મોકળાશ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બેન્જામિન ડિઝરાયલી

જ. ૨૧ ડિસેમ્બર, ૧૮૦૪ અ. ૧૯ એપ્રિલ, ૧૮૮૧

બ્રિટનના પહેલા અને એકમાત્ર યહૂદી પ્રધાનમંત્રી. તેઓ પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. તેમનો જન્મ બ્લૂમ્સબરી, મિડલસેક્સ, લંડનમાં થયો હતો. તેમના શાળાકીય શિક્ષણ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બ્રિટનમાં ૧૮૫૮ સુધી યહૂદી પાર્લમેન્ટનો સભ્ય બની શકતો ન હતો. પણ તેમણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હોવાથી ૧૮૩૧થી રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ ૧૮૩૨ અને ૧૮૩૫ એમ બે વાર તેમની હાર થઈ હતી. ત્યારબાદ ૧૮૩૭માં ટૉરી પક્ષના ઉમેદવાર તરીકે મેઇડસ્ટોનમાંથી ચૂંટાયા હતા. ૧૮૫૦ અને ૧૮૬૦ના દસકામાં ત્રણ વાર સરકાર બનાવી ત્યારે બેન્જામિન રાજકોષના ચાન્સેલર અને હાઉસ ઑફ કૉમન્સ(આમ)ના નેતા બન્યા. ૧૮૬૮માં ચૂંટણીમાં હાર્યા પહેલાં કેટલાક સમય માટે તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા. પણ ટૉરી પક્ષની થોડા સમયમાં જ હાર થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૮૭૪માં સામાન્ય ચૂંટણીમાં ટૉરી પક્ષને બહુમતી મળતાં ફરી એક વાર વડાપ્રધાનપદે નિમાયા હતા. તેમણે કારીગરો અને મજૂરોની સ્થિતિ સુધારવાના અને તેમનું શોષણ અટકાવવાના તથા કામદાર સંઘોને લગતા કાયદા પસાર કરાવ્યા હતા. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય અને તેનો વિસ્તાર કરવા માટે સૈન્યની કારવાઈવાળી સૌથી વધુ જાણીતી ટૉરી પાર્ટી બનાવી. તેઓ લિબરલ  અને ટૉરી બંને પક્ષના મતદાતાઓના લોકપ્રિય બન્યા હતા. તેઓ રાજનીતિજ્ઞ પુરુષ હોવા ઉપરાંત લેખક પણ હતા. તેઓ જ્યારે ૨૩ વર્ષના હતા ત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોવાથી  ‘વિવિયન ગ્રે’ નામની નવલકથા જે ૧૮૨૬-૨૭માં ચાર ભાગમાં લખી હતી. ૧૮૩૨માં ‘કૅન્ટેરિની ફ્લેમિંગ’ લખી હતી, જેને ‘એક મનોવૈજ્ઞાનિક આત્મકથા’ જેવું  ઉપશીર્ષક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૮૩૩માં ‘અલરૉયની અદભુત કહાની’ જેમાં મધ્યયુગના યહૂદીઓની સમસ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત ૧૮૩૭માં ‘હેન્રીયેટા ટેમ્પલ’, ‘વેનિશિયા,’ ‘કિંનગ્ઝલી’, ‘સિબિલ’ અને ‘ટેન્ક્રેડે’ પણ નોંધપાત્ર છે. તેમને મહારાણી વિક્ટોરિયા સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી અને તેમના સૂચનથી ૧૮૭૬માં પાર્લમેન્ટે એક કાયદો ઘડી રાણીને ‘ભારતની સમ્રાજ્ઞી’નો  ઇલકાબ આપ્યો હતો. રાણીએ પણ બેન્જામિનને ‘અર્લ  ઑફ બીકન્સફીલ્ડ’ પદ પર પ્રતિષ્ઠિત કરેલાં.

રાજશ્રી મહાદેવિયા