Categories
વાચન સમૃદ્ધિ

શરણરાણી બેકલીવાલ

જ. 9 એપ્રિલ, 1929 અ. 8 એપ્રિલ, 2008

ભારતનાં પ્રથમ મહિલાસરોદવાદક અને સંગીતકાર શરણરાણીનો જન્મ દિલ્હીના રૂઢિવાદી હિંદુ પરિવારમાં થયો હતો. પરિવાર અને સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરીને પણ તેમણે નાની વયથી જ સંગીત અને નૃત્યની સાધના કરવા માંડી. નૃત્ય અને કંઠ્યસંગીતક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સૌપ્રથમ મોટા ભાઈ પાસેથી સરોદવાદન શીખવા માંડ્યું. આઠ વર્ષની વયે નાટક અને રેડિયોનાટક વગેરેમાં ભાગ લીધો, કેટલીક સંગીતરચનાઓ કરી. સાથે સાથે શાળા-કૉલેજનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી દિલ્હીના વ્યાપારી કુટુંબના વિદ્વાન સમાજસેવક સુલતાનસિંગ બેકલીવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

સરોદવાદનનું વધુ શિક્ષણ તેમણે ઉસ્તાદ અલાઉદ્દીનખાં અને તેમના પુત્ર સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી લીધું. 1952માં કૉલકાતાની અખિલ ભારતીય તાનસેન વિષ્ણુદિગંબર પારિતોષિક સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા. પ્રથમ અખિલ ભારતીય યુવક સમારોહમાં દિલ્હી વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરી વાદ્યસંગીતનો પુરસ્કાર જીત્યાં. તેમને વાદ્યસંગીતમાં વધુ અભ્યાસ માટે કેન્દ્રીય સંગીત અકાદમી તરફથી શિષ્યવૃત્તિ મળી. તેઓ આકાશવાણીનાં ‘એ’ શ્રેણીનાં કલાકાર હતાં. તેઓ આકાશવાણીના અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો, કલાસંગીત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સંગીતસંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. દેશ-વિદેશમાં સરોદવાદનના અનેક કાર્યક્રમો આપી ખૂબ પ્રશંસા મેળવી. તેમણે પહેલી વાર ભારતીય અને ફારસી સંગીતની જુગલબંધીનો પ્રયોગ કર્યો. જીવનભર સંગીતને સમર્પિત શરણરાણીએ સરોદવાદન અને સંગીતકલા ઉપર ‘ડિવાઇન સરોદ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે તેમનો સંગીતવાદ્યોનો સંગ્રહ રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીને ભેટ તરીકે અર્પ્યો છે. ભારતના ટપાલખાતાએ આ સંગ્રહ પૈકી કેટલાંક વાદ્યો પર ટિકિટો બહાર પાડી છે. સંગીતક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1968માં ભારત સરકારે તેમને પદ્મશ્રી અને 2000માં પદ્મભૂષણ જેવાં સન્માનોથી નવાજ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

થીબ્ઝ (ઇજિપ્ત)

પ્રાચીન ઇજિપ્ત અથવા મિસરનું સદીઓ સુધી પાટનગર. ઇજિપ્તમાં રાજાશાહીની શરૂઆત કરનાર મેનિસે એની સ્થાપના કરી હતી. થીબ્ઝ નગર નાઈલ નદીના બંને કાંઠે પથરાયેલું હતું. એમાં લક્સરનો મહેલ અને કર્ણાકનું મંદિર પૂર્વ કાંઠે આવેલાં હતાં. જ્યારે ગુરનાહ અને મેન્ડિનેટ હબુ નામના વિસ્તારો પશ્ચિમ કાંઠે આવેલા હતા. ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1000 દરમિયાન એની સૌથી વધારે જાહોજલાલી હતી. થટમોસ રાજાઓએ પણ એ સમય દરમિયાન રાજ કર્યું હતું. ઈ. સ. પૂ. 800થી એનું મહત્ત્વ ઘટવા માંડ્યું અને મેમ્ફિસ નગરનું મહત્ત્વ વધવા લાગ્યું. થીબ્ઝ એ ભવ્ય અવશેષો અને ખંડેરોવાળું સ્થળ છે, પરંતુ અત્યારે ત્યાં માત્ર થોડા આરબો જ વસવાટ કરે છે, જે પ્રવાસીઓના માર્ગદર્શક તરીકે કામ કરે છે. લક્સરના મહેલ પાસે લાલ ગ્રૅનાઇટ પથ્થરના બે સ્મૃતિસ્તંભો હતા. તેમાંનો એક પૅરિસના પ્લેસ ડી લા કૉન્કોર્ડમાં મૂકવામાં આવ્યો છે.

પ્રાચીન થીબ્ઝનાં વિશાળ મંદિરોના અવશેષો

થીબ્ઝમાં ઇજિપ્તના રાજાઓનાં વિશાળ કબ્રસ્તાનો આવેલાં હતાં. ખડકો વચ્ચે રહેલી સુંદર કબરોમાંથી હજારો મમીઓ બહાર કાઢવામાં આવ્યાં છે. ઇજિપ્તના લોકો મૃતદેહોમાં રસાયણો, દવાઓ અને મસાલાઓ ભરીને લાંબા સમય સુધી સાચવી રાખતા, જે મમી તરીકે ઓળખાતા. થીબ્ઝમાં વિશાળ મંદિરો, મહેલો અને સ્મારકોના અવશેષો છે. એમાં એક મેમ્નોનનું પૂતળું પણ છે, જેમાંથી દરરોજ સવારે સૂર્યોદય સમયે ધનુષ્યના ટંકાર જેવો મોટો અવાજ નીકળતો હતો. એમાં કોઈ તરકીબ હશે અથવા કોઈ માણસ છુપાઈને આવો અવાજ કરતો હશે એમ માનવામાં આવે છે. અહીં આવેલાં અન્ય સ્મારકોમાં રામસીસ–બીજાનું મંદિર, રામસીસ–ત્રીજાનું મંદિર અને મહેલ વગેરેનો સમાવેશ થાય છે. થીબ્ઝના મહારથીઓ ચડાઈઓ દ્વારા અરબસ્તાન, ઇથોપિયા અને એશિયા માઇનોરમાંથી પુષ્કળ ધનસંપત્તિ લાવતા અને એનાથી થીબ્ઝનાં મંદિરો તથા મહેલોને શણગારતા. ઈરાનના સમ્રાટ કેમ્બિસીસે ઈ. સ. પૂ. 525માં આ શહેરને લૂંટીને ઘણી મોટી સંપત્તિ મેળવી હતી એમ કહેવાય છે. આમ, થીબ્ઝ પ્રાચીન ઇજિપ્તનું ભવ્ય પાટનગર હતું, જેના અવશેષોએ પ્રાચીન ઇજિપ્તનાં ઇતિહાસ તથા સંસ્કૃતિ પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો છે. ઈ. સ. પૂ. 29માં રોમનોએ એનો નાશ કર્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

રામનારાયણ વિ. પાઠક

જ. 8 એપ્રિલ, 1887 અ. 21 ઑગસ્ટ, 1955

ગુજરાતી સાહિત્યના સર્જક અને અધ્યાપક રામનારાયણ પાઠકનો જન્મ અમદાવાદ જિલ્લાના ગણોલમાં થયો હતો. પિતાની અવારનવાર બદલી થવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ મેળવ્યું. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં મેળવ્યું. 1904માં મૅટ્રિક તથા 1908માં પ્રથમ વર્ગ સાથે બી.એ. થયા. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયા અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ક્ષય રોગ થવાથી સાદરા રહેવા ગયા. 1920માં ગુજરાત કેળવણી મંડળમાં જોડાયા અને જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય બન્યા, પરંતુ અસહકારનું આંદોલન શરૂ થતાં શાળા છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1928 સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1926માં ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું. 1928માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી રાજીનામું આપી પૂર્ણકાલીન તંત્રી બન્યા. 1935માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક થયા. 1937માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજના અધ્યાપક બન્યા અને ‘પ્રસ્થાન’નું તંત્રીપદ છોડ્યું. તેઓ ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે જાણીતા છે. 1946માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. 1953માં આકાશવાણી મુંબઈના સલાહકાર તરીકે જોડાયા. તેમણે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો. એક વખત જેલની સજા પણ થઈ હતી. તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધક્ષેત્રે નોંધપાત્ર સર્જન કર્યું હતું. તેઓ ‘શેષ’ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખતા હતા. તેમણે 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખ્યું. એ પછી એક વખત ‘ભૂલારામ’ ઉપનામ પણ રાખ્યું હતું. ‘શેષનાં કાવ્યો’, ‘વિશેષ કાવ્યો’ (મરણોત્તર), ‘દ્વિરેફની વાતો’ ભાગ 1થી 3, ‘સ્વૈરવિહાર’ ભાગ 1-2, ‘મનોવિહાર’, ‘આલોચના’, ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’, ‘નર્મદાશંકર કવિ’, ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’, ‘બૃહત્ પિંગળ’ તેમનાં નોંધપાત્ર સર્જનો છે. તેઓ 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને 1949માં નર્મદચંદ્રક અને 1956માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.