Categories
વાચન સમૃદ્ધિ

વિજય હઝારે

જ. 11 માર્ચ, 1915 અ. 18 ડિસેમ્બર, 2004

ટેસ્ટ ટીમના સુકાની તરીકે એક ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર, ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 1000 અને 2000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી તેમજ ટેસ્ટ ક્રિકેટમાં લાગલગાટ ત્રણ દાવમાં સદી નોંધાવનારા પ્રથમ ભારતીય ખેલાડી વિજય હઝારેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં થયો હતો. તેમનું પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે હતું. તેઓ મરાઠી ખ્રિસ્તી હતા. 1934-35માં 19 વર્ષની વયે તેમણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1939-40માં પુણે ખાતે વડોદરા સામે મહારાષ્ટ્ર તરફથી રમતાં તેમણે ત્રેવડી સદી ફટકારતાં અણનમ 316 રન નોંધાવ્યા હતા., જે તેમની ક્રિકેટ કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો. વડોદરા સ્થાયી થયા બાદ તેમણે વડોદરા રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં રમવાનું શરૂ કર્યું હતું. 1946-47માં વડોદરા ખાતે વડોદરા તરફથી હોલકરની ટીમ સામે રમતાં વિજય હઝારેએ શાનદાર 288 રન નોંધાવ્યા હતા અને ગુલ મોહંમદ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 577 રન ઉમેર્યા હતા. 1939-40ની રણજી ટ્રૉફી સીઝનમાં મહારાષ્ટ્રની ટીમને વિજય અપાવવામાં બૅટ્સમૅન વિજય હઝારેનું મહત્ત્વનું યોગદાન રહ્યું. એ પછી મહારાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી મેળવી શકી નથી. 1946માં લૉડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1947-48માં ઑસ્ટ્રેલિયા ખાતે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઝડપી બૉલરોનો સામનો કરી એડિલેડ ટેસ્ટમાં તેમણે બંને દાવમાં સદીઓ નોંધાવી હતી. એવી સિદ્ધિ મેળવનારા તેઓ ભારતના સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 1946થી 1953ના ગાળામાં તેમણે 30 ટેસ્ટમૅચોના બાવન દાવમાં છ વાર અણનમ રહીને સાત સદી, નવ અર્ધસદી સાથે 47.65ની સરેરાશથી કુલ 2192 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે 1952માં નવી દિલ્હી ખાતે પ્રથમ ટેસ્ટમાં નોંધાવેલો 164નો જુમલો સર્વોચ્ચ જુમલો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 60 સદીઓ સહિત કુલ 18,740 રન નોંધાવ્યા હતા. વિજય હઝારેએ કુલ 14 ટેસ્ટમૅચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યું હતું જેમાં એક વિજય, પાંચ પરાજય અને આઠ અનિર્ણીત મૅચો રહી હતી. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સર ડૉન બ્રેડમૅનને તેમણે ત્રણ વાર આઉટ કર્યા હતા. 1960માં પદ્મશ્રીના ખિતાબથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમના નામ સાથે એકદિવસીય ડોમેસ્ટિક ક્રિકેટ ચૅમ્પિયનશિપ યોજાય છે, જે વિજય હઝારે ટ્રૉફી તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1996માં હઝારેને સી. કે. નાયડુ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અનાજ

ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જવ, ઓટ, જુવાર જેવી તૃણ(ઘાસ)કુળની વનસ્પતિઓના દાણા. માનવ-ઇતિહાસમાં આ વનસ્પતિઓ સૌથી અગત્યનો પાક ગણાય છે. શરૂઆતમાં આ વનસ્પતિઓ કુદરતી રીતે જંગલી ઘાસસ્વરૂપે ઊગતી હતી. હજારો વર્ષ પહેલાં તેની ખોરાક તરીકેની ઉપયોગિતા સમજાતાં આદિમાનવે તેની વ્યવસ્થિત રીતે ખેતી કરવાની શરૂઆત કરી. આદિમાનવે તેનાં અવલોકનોના આધારે આ પાકોમાં સુધારણા કરવા માંડી; જેના કારણે કૃષિવિદ્યા (agriculture) નામની વિજ્ઞાનની શાખાનો ઉદય થયો. અનાજના દાણા વિજ્ઞાનની દૃષ્ટિએ ધાન્યફળ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયથી ધાન્યોનો બીજા પાક કરતાં ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય છે. તેના ખોરાક તરીકે ઘણા ફાયદા છે. તેમાં કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે પોષક છે. અનાજના દાણામાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. તેમજ લાંબા અંતર સુધી તેની હેરફેર પણ કરી શકાય છે.

અનાજ

વિશ્વમાં તથા ભારતમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધારે છે. ડાંગરમાંથી મળતા ચોખાનો ઉપયોગ રાંધવામાં અને મમરા-પૌંઆ જેવી બનાવટમાં થાય છે. આ ઉપરાંત ચોખા કાઢી લીધા પછી તેના છોડનો ઉપયોગ ઢોરના ચારા તરીકે અને પૂંઠા, કાગળ વગેરે બનાવવામાં થાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરેનો સામાન્ય રીતે દળીને તેનો લોટ બનાવી તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, પૂરી, બ્રેડ, બિસ્કિટ વગેરે બનાવવામાં આવે છે. ઘઉંના લોટમાંથી શીરો, લાડુ, લાપસી, સેવ વગેરે પણ બનાવાય છે. અનાજના આથવણ દ્વારા દારૂ (બિયર અને વ્હિસ્કી) જેવાં પીણાં બનાવવામાં આવે છે. સામો, મોરૈયો, કોદરા, નાગલી વગેરે અન્ય ધાન્યપાકોનો ઉપયોગ ગ્રામલોકો તથા આદિવાસીઓ વધારે કરે છે. હાલમાં સ્વાસ્થ્ય માટે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવવાથી અન્ય લોકો પણ પોતાના આહારમાં તેનો ઉપયોગ કરે છે. અનાજના મુખ્ય પ્રકારો ને તેમના ઉત્પાદક દેશો-પ્રદેશો – ઘઉં : સમશીતોષ્ણ કટિબંધના દેશોનો આ પાક છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારનાં રાજ્યો તેનું ઉત્પાદન વધુ કરે છે. વિશ્વમાં યુ.એસ., ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, મેક્સિકો, કૅનેડા, યુક્રેન, ફ્રાન્સ અને રશિયાના ઘઉં આગળ પડતું સ્થાન ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અનાજ, પૃ. 22)

Categories
વાચન સમૃદ્ધિ

મંગેશ કેશવ પડગાંવકર

જ. 10 માર્ચ, 1929 અ. 30 ડિસેમ્બર, 2015

વિખ્યાત મરાઠી કવિ અને પ્રાધ્યાપક મંગેશ પડગાંવકરનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના વેંગુર્લામાં થયો હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લામાં લીધું. પછી ઉચ્ચશિક્ષણ માટે મુંબઈ ગયા. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી તરખડકર સુવર્ણચંદ્રક મેળવ્યો. એ જ પ્રમાણે 1958માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ન. ચિં. કેળકર સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે 1951-52માં મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં નોકરી કરી. 1953થી 1955 ‘સાધના’ સાપ્તાહિકના સહાયક સંપાદક તરીકે કાર્ય કર્યું. 1957માં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે જોડાયા. 1964થી 1970 સુધી પ્રોડ્યુસર તરીકે કાર્ય કર્યું. તેમણે મુંબઈની સોમૈયા કૉલેજ તથા મીઠીબાઈ કૉલેજમાં મરાઠી ભણાવ્યું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઑનરરી પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે 14 વર્ષની ઉંમરે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. મરાઠીમાં ‘નવકાવ્ય’ તરીકે જાણીતો કાવ્યપ્રકાર તેમણે પ્રયોજ્યો છે. તેમનાં મોટા ભાગનાં ગીતોની ગ્રામોફોન રેકર્ડસ બહાર પડી છે. પુણે યુનિવર્સિટીનું થીમ ગીત પણ તેમણે લખ્યું છે. તેઓ મરાઠી ‘મુર્ગી ક્લબ’ના સભ્ય હતા. 2010માં દુબઈમાં યોજાયેલા બીજા વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ હતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધારાનૃત્ય’, ‘જિપ્સી’, ‘ઉત્સવ’, ‘વિદૂષક’ કાવ્યસંગ્રહો; મીરાંબાઈનાં હિંદી ગીતોનો પદ્યાનુવાદ ‘મીરા’, ‘બબલગમ’, ‘ભોલાનાથ’, ‘ભટકે પક્ષી’ વગેરે મુખ્ય બાળકાવ્યસંગ્રહો છે. તેમણે કેટલીક અમેરિકન કૃતિઓ તથા જે. કૃષ્ણમૂર્તિનાં ભાષણોના મરાઠીમાં અનુવાદ કર્યા છે. તેમના કાવ્યસંગ્રહો ‘જિપ્સી’ અને ‘છોરી’ને તથા બાળગીતોનો સંગ્રહ ‘બબલગમ’ને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષિક મળ્યાં છે. ‘સલામ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. તેમને 1956માં એમ. પી. લિટરરી ઍવૉર્ડ, 2008માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, 2012માં પુણે યુનિવર્સિટી દ્વારા જીવનસાધના ગૌરવ પુરસ્કાર અને 2013માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.