Categories
વાચન સમૃદ્ધિ

મેરી ક્યુરી

જ. 7 નવેમ્બર, 1867 અ. 4 જુલાઈ, 1934

રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ પોલિશ-ફ્રેન્ચ મહિલાવિજ્ઞાની. તેમનું મૂળ નામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. નાનપણથી જ ભણવામાં ખૂબ રસ તેથી હંમેશાં પુસ્તકો સાથે જ રાખતાં. નાની વયે જ માતાના અવસાનથી ઘણો આઘાત લાગ્યો પણ જિમ્નેસિયમ સેકન્ડરી સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ પૂરો કરી 12 જૂન, 1883માં ગોલ્ડ મેડલ સાથે હાઈસ્કૂલ ગ્રૅજ્યુએટ થયાં. પિતાના માથેથી આર્થિક બોજો હળવો કરવા ગવર્નેસ અને શિક્ષિકા તરીકે કામ કર્યું. પિતા પાસેથી વિજ્ઞાનના વિષયનો રસ મેળવ્યો હોવાથી 1891માં વોર્સો છોડી પૅરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક મર્યાદાઓને લીધે દિવસે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાત્રે ભંડકિયામાં પૂરતાં ગરમ કપડાં વગર પણ પરીક્ષાની તૈયારી કરતાં. આમ છતાં 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1895ના વર્ષમાં ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ પૅરિસની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં ડૉક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય કરી મહાનિબંધ લખી મેરી ક્યુરીને ડૉક્ટરેટની ઉપાધિ મળી. 1903માં  ક્યુરી દંપતીને બૅકરલની સાથે પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. બીજા જ વર્ષે સોરબોન યુનિવર્સિટીમાં પિયેરની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને મેરી તેમનાં સહાયક બન્યાં. 19 એપ્રિલ, 1906માં માર્ગ પર ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. પતિના અવસાન બાદ મેરી વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાનાં ઉપરી બન્યાં અને સોરબોન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલાવ્યાખ્યાતા બન્યાં. કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં રસાયણશાસ્ત્રમાં બીજું નોબેલ  પારિતોષિક મળ્યું. આમ બે જુદા જુદા વિષયોમાં નોબેલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે શોધેલાં બે નવાં રેડિયોઍક્ટિવ તત્ત્વો પૈકી એકનું નામ મેરી ક્યુરીના વતન પોલૅન્ડ પરથી પોલોનિયમ અને બીજાને રેડિયમ નામ આપ્યું. તેમણે પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું. 1932માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જે આજે ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું અગત્યનું કેન્દ્ર છે. આજે પણ ‘રેડિયમ થૅરપી’ કૅન્સરના રોગ માટે અગત્યની સારવાર ગણાય છે. લાંબા સમય સુધી શરીર પર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદ્ભાસન થવાથી તેઓ લ્યૂકેમિયાના દર્દથી અવસાન પામ્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

આગવો અભિગમ

અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના ઑટોમોબાઇલ શો-રૂમના સેલ્સમૅન એડૉલ્ફ સેલ્ત્ઝે મોટરકારના વેચાણની નવી જવાબદારી સ્વીકારી, ત્યારે કંપનીનું મોટરકારનું વેચાણ સાવ ઘટી ગયું હતું અને એના સેલ્સમૅનોમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એમાં નવી વ્યક્તિની પધરામણી સહુને નવા પ્રશ્નો સર્જનારી લાગી. એડૉલ્ફ સેલ્ત્ઝે ધૂંધવાયેલા સેલ્સમૅનોની મિટિંગ બોલાવી અને તદ્દન ભિન્ન અભિગમ દાખવ્યો. એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવા માગે છે અને કર્મચારીઓએ શું કરવાનું છે, એવું આદેશાત્મક કશું કહેવાને બદલે એણે શું કરવું જોઈએ એ વિશે સેલ્સમૅનોની અપેક્ષા પૂછી. આથી ઉશ્કેરાયેલા સેલ્સમૅનો શાંત પડ્યા અને પછી એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવું જોઈએ એ વિશે પોતાના વિચારો અને મુદ્દાઓ રજૂ કર્યા. એડૉલ્ફ સેલ્ત્ઝ બ્લૅકબોર્ડ પર આ બધું લખતા ગયા અને પછી કહ્યું, ‘તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો છો, તેને હું સંતુષ્ટ કરીશ. હવે તમે મને એ કહો કે મારે તમારી પાસેથી કંપની માટે કેવી અપેક્ષા રાખવી?’ પછી તો સેલ્સમૅનોએ કહ્યું, ‘અમારે કંપની પ્રત્યે વફાદાર, પ્રામાણિક અને સમર્પિત બનવું જોઈએ. નવો અભિગમ દાખવીને સંઘભાવનાથી કાર્ય કરવું જોઈએ.’ આમ નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે મિટિંગ પૂરી થઈ. આ બધા ગુણોને સાકાર કરવા માટે કેટલાક સેલ્સમૅનોએ તો દિવસના ચૌદ કલાક કામ કરવાની સામે ચાલીને ખાતરી આપી અને પરિણામે મોટરોના વેચાણમાં ખૂબ વધારો થયો. પોતાની આ કાર્યપદ્ધતિ વિશે એડૉલ્ફ સેલ્ત્ઝે કહ્યું કે મારા સાથીઓએ મારી સાથે કરેલા વચનને હું જીવીશ ત્યાં સુધી બરાબર પાળીશ અને તેઓ પણ એમના નિશ્ચયોને વળગી રહેવા માટે કટિબદ્ધ છે. પહેલાં એમની ઇચ્છા પૂછીને મેં હકીકતમાં તો એમનામાં રહેલી કાર્યશક્તિને જાગ્રત કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

કરણ દીવાન

જ. 6 નવેમ્બર, 1917 અ. 2 ઑગસ્ટ, 1979

ભારતીય સિનેમાજગતમાં હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા કરણ દીવાનનો જન્મ ગુજરાનવાલા પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમને પત્રકારત્વમાં રસ પડ્યો અને તેમણે ઉર્દૂ ફિલ્મ મૅગેઝિન ‘જગત લક્ષ્મી’નું સંપાદન શરૂ કર્યું હતું. કરણ દીવાને 1939માં કૉલકાતામાં પંજાબી ફિલ્મ ‘પૂરણ ભગત’માં ‘પૂરણ’ની ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની બીજી ફિલ્મ ‘મેરા માહી’ (1941) પણ એક પંજાબી ફિલ્મ હતી. ત્યારબાદ ‘રતન’માં તેમણે પહેલી વાર હિન્દી ફિલ્મોમાં નૌશાદ માટે ગીત ગાયું હતું. જે તે સમયે બી. આર. ચોપરા લાહોરમાં ફિલ્મપત્રકાર તરીકે કામ કરતા હતા, તેમણે કરણ દીવાનને દેવિકા રાની સાથે સંપર્ક કરવામાં મદદ કરી હતી, જેમણે દીવાનને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે આનાથી દીવાનને ફિલ્મો બનાવવામાં મદદ ન મળી ત્યારે તેમણે અભિનેતાઓ અને અભિનેત્રીઓને ઉર્દૂ ઉચ્ચારણ શીખવ્યું હતું. 1944માં કરણ દીવાને એમ. સાદિક દ્વારા દિગ્દર્શિત મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ‘રતન’માં અભિનય કર્યો હતો, જે તે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક બની હતી. 1944માં જ ‘ગાલી’ નામની સામાજિક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી હોવાનું કહેવાય છે. 1945માં ‘ભાઈજાન’ એક સફળ મુસ્લિમ સામાજિક કૌટુંબિક મેલૉડ્રામા હતી. 1947માં તેમણે ફિલ્મ ‘મહેંદી’માં અભિનય કર્યો હતો. 1948માં કરણ દીવાને ‘ફિર ભી અપના હૈ’, સ્વર્ણલતા સાથે ‘ચાંદ ચકોરી’ અને મીનાકુમારી સાથે ‘પિયા ઘર આ જા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1949માં બનેલી ભારત-પાકિસ્તાનના ભાગલાની લોકો પર અસર દર્શાવતી ફિલ્મ ‘લાહોર’માં તેમણે નરગિસ સાથે સહકલાકાર તરીકે કામ કર્યું હતું. કરણ દીવાને 1950માં છ ફિલ્મોમાં અને 1955માં આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1939થી 1979 સુધીમાં સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘જ્યૂબિલી સ્ટાર’ તરીકે ઓળખાતા હતા. તેમની વીસ ફિલ્મો સિલ્વર જ્યૂબિલી તરીકે હિટ રહી હોવાનું કહેવાય છે. સોહનલાલ કંવરની ‘આત્મારામ’ (1979) તેમની છેલ્લી ફિલ્મ હતી.