Categories
વાચન સમૃદ્ધિ

આર્થર સી. ક્લાર્ક

જ. ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭ અ. ૧૯ માર્ચ, ૨૦૦૮

સર આર્થર ચાર્લ્સ ક્લાર્ક એક બ્રિટિશ લેખક, દરિયાઈ જીવનના સંશોધક અને ટેલિવિઝન શ્રેણીના હોસ્ટ હતા. તેમનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. ખેતરમાં રખડવાની સાથે તેમને આકાશદર્શન, અશ્મિ એકત્ર કરવાનો અને અમેરિકન સાયન્સ ફિક્શન ‘પલ્પ’ મૅગેઝિન વાંચવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં તેઓ જુનિયર ઍસ્ટ્રૉનોમિકલ ઍસોસિયેશનમાં જોડાયા અને યુરેનિયા સોસાયટીના જર્નલમાં સેવાઓ  આપી હતી. તેઓ ૧૯૩૬માં લંડન ગયા અને ત્યાંના શિક્ષણ બોર્ડમાં પેન્શન ઑડિટર તરીકે જોડાયા હતા. ક્લાર્ક આજીવન અવકાશયાત્રાના સમર્થક હતા. ૧૯૫૦માં તેમણે ‘ઇન્ટરપ્લેનેટરી ફ્લાઇટ’ નામનું અવકાશ ઉડાનની મૂળભૂત બાબતોની રૂપરેખા આપતું પુસ્તક લખ્યું હતું. ક્લાર્ક એક ઉત્સાહી સ્કૂબા ડાઇવર હતા અને અંડરવૉટર એક્સપ્લોરર્સ ક્લબના સભ્ય પણ હતા. તેમની પાસેથી ૨૬ નવલકથાઓ, ૧૭ વાર્તાસંગ્રહો અને ૧૮ જેટલાં અન્ય પુસ્તકો પ્રાપ્ત થયાં છે. ક્લાર્કે વિજ્ઞાનસાહિત્યનાં ખાસ પ્રકારનાં કાર્યો માટે ડઝનથી વધુ વાર્ષિક સાહિત્યિક પુરસ્કારો જીત્યા હતા. ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ તરફથી સેટેલાઇટ કૉમ્યુનિકેશન્સ અને  અન્ય સન્માનો માટે  ૧૯૬૩નો સ્ટુઅર્ટ બેલેન્ટાઈન મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૧૯૫૬માં તેમની ટૂંકી વાર્તા ‘ધ સ્ટાર’ને હ્યુગો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૬૧માં તેમણે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો-કલિંગ પુરસ્કાર જીત્યો હતો. ક્લાર્કને તેમની ‘અ મિટિંગ વિથ મેડુસા’, ‘રેન્ડેઝ્વસ વિથ રામા’ અને ‘ધ ફાઉન્ટેન્સ ઑફ પેરેડાઇઝ’ જેવી નવલકથાઓને નેબ્યુલા અને હ્યુગો જેવા ઍવૉર્ડથી નવાજવામાં આવી હતી. ૧૯૮૮માં તેમને યુનિવર્સિટી ઑફ બાથ દ્વારા ડૉક્ટર ઑફ લેટર્સની માનદ પદવીથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૪માં તેમણે વિજ્ઞાનસાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હેનલેઇન ઍવૉર્ડ જીત્યો હતો. ૧૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ શ્રીલંકાએ ક્લાર્કને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રીલંકાભિમાન્ય (શ્રીલંકાનું ગૌરવ) એનાયત કર્યો હતો. આજે યુનાઇટેડ કિંગ્ડમમાં વિજ્ઞાન સાહિત્યલેખન માટે આર્થર સી. ક્લાર્ક પુરસ્કાર વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

બાળપણની સ્મૃતિ જાગે છે

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીનિવાસ શાસ્ત્રી એક વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે કામગીરી બજાવતા હતા. આ વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકોને વિદ્યાર્થીઓને નાની કે સામાન્ય ભૂલ બદલ દંડ કરવાની આદત હતી. કોઈ વિદ્યાર્થી વર્ગમાં એકાદ દિવસ થોડો મોડો આવે એટલે તરત દંડ ફટકારતા. કોઈ મેલાં કપડાં પહેરીને આવે તો એેને શારીરિક સજા ઉપરાંત અમુક રકમનો દંડ થતો. કોઈ એકાદ દિવસ ગેરહાજર રહે તોપણ એને દંડ ફટકારવામાં આવતો. ગુનો નાનો હોય કે મોટો, પણ તે દંડને પાત્ર ગણાતો. આવા વિદ્યાર્થીઓ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે આવતા અને પોતાની વાત રજૂ કરતા. શ્રીનિવાસ શાસ્ત્રી વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજતા હતા અને તેથી ક્યારેક દંડની સજા માફ પણ કરી દેતા. ધીરે ધીરે અધ્યાપકોને કાને આ વાત ગઈ. એમણે જાણ્યું કે તેઓ જે વિદ્યાર્થીને દંડ કરે છે, એમાંથી કેટલાકનો દંડ ઉપકુલપતિ માફ કરી દે છે ! અધ્યાપકો એકત્રિત થયા. એમણે વિચાર્યું કે આવી રીતે વિદ્યાર્થીને કરેલો દંડ માફ કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયની શિસ્ત કઈ રીતે જળવાય ? બીજી બાબતમાં સમાધાન થઈ શકે, પરંતુ સજા પામેલા વિદ્યાર્થીની બાબતમાં કોઈ સમાધાન હોય નહીં. જો આમ દંડ માફ કરી દેવાશે, તો આ વિદ્યાર્થીઓને કોઈની બીક રહે નહીં. તેઓ ગેરશિસ્ત આચરતાં સહેજે અચકાશે નહીં. અધ્યાપકોનું પ્રતિનિધિ મંડળ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ગયું અને એમણે એમની ફરિયાદ રજૂ કરી. શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. તમારા જેટલો હું  સંસ્થાની શિસ્તનો આગ્રહી છું, પરંતુ કોઈને દંડ કરું છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે.’

અધ્યાપકો આશ્ર્ચર્ય પામ્યા. આમાં વળી બાળપણની સ્મૃતિની વાત ક્યાંથી આવી ? ઉપકુલપતિ શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘બાળપણમાં મારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. ફીના પૈસા માંડ માંડ એકઠા થતા હતા. પાઠ્યપુસ્તકો તો બીજાનાં લાવીને વાંચતો હતો. ધોવાના સાબુના ઘરમાં પૈસા નહીં, આથી ક્યારેક મેલાં કપડાં પહેરીને નિશાળે જવું પડતું. એક વાર આવાં મેલાં અને ગંદાં કપડાં પહેરવા માટે વર્ગશિક્ષકે મને આઠ આનાનો દંડ કર્યો. જેની પાસે સાબુ ખરીદવાના પૈસા ન હોય, તે વળી આ દંડ ક્યાંથી ભરી શકે ? એ દિવસે ખૂબ રડ્યો. શિક્ષકને વારંવાર આજીજી કરી. છેવટે પડોશીએ મદદ કરતાં દંડ ભરીને અભ્યાસ ચાલુ રાખી શક્યો. આથી જ્યારે જ્યારે કોઈ વિદ્યાર્થીને દંડ કરવામાં આવે છે, ત્યારે મને મારા બાળપણની એ ઘટના યાદ આવે છે. એ ગરીબી યાદ આવે છે. એથી વિદ્યાર્થીની પરિસ્થિતિ જાણીને હું એના દંડને માફ કરું છું. એવું ન બને કે આ દંડને કારણે એને અભ્યાસ છોડી દેવો પડે.’ પોતાના બાળપણની સ્મૃતિ વર્ણવતાં શ્રીનિવાસ શાસ્ત્રીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

પોતે સહન કરેલી વેદના કે પરેશાની, બીજાને સહન કરવી ન પડે, તેની ચિંતા કરે, તે સાચો માનવ. અનુકંપા એ શીખવે છે કે બીજાના આત્મા પર  થનારી અસરનો વિચાર કરો. કોઈ લાચાર,  મજબૂર કે ગરીબ હોય, તો એની પરિસ્થિતિમાં તમારી જાતને મૂકીને જોતાં શીખો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યુત ઠાકર

જ. ૧૫ ડિસેમ્બર, ૧૯૨૯ અ. ૬ જૂન, ૨૦૨૩

રાજકીય સમીક્ષક અને કાબેલ પત્રકાર વિદ્યુત ઠાકરનો જન્મ ઉમરેઠમાં થયો હતો. ગુજરાતના પત્રકારત્વમાં રાજકીય વિશ્લેષણવાળા લેખનમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. તેમના પિતાનું નામ કૃપાશંકર અને માતાનું નામ તારાબહેન હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠ અને ધરમપુરમાં તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં લીધું હતું. જાહેર જીવનમાં પહેલેથી જ રસ ધરાવતા હતા. કૉલેજમાં વિદ્યાર્થી ચળવળોમાં આગેવાની લઈ હડતાળ પડાવેલી. કારકિર્દીની શરૂઆતમાં બૅન્કની નોકરી કરી, ત્યારબાદ ‘સંદેશ’માં જોડાયા અને પત્રકારત્વક્ષેત્રે કાર્યરત થયા. ૧૯૫૬માં પ્રજાસમાજવાદી પક્ષ સંચાલિત ‘નવગુજરાત’ દૈનિકમાં ઉપસંપાદક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનમાં જોડાયા. આ આંદોલન દરમિયાન તેઓએ ઇન્દુલાલ યાજ્ઞિક, દેવેન્દ્ર ઓઝા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેની સાથે જેલવાસ ભોગવ્યો. ૧૯૭૦-૭૧માં ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવ’ કાર્યક્રમ નિમિત્તે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો. બીજે વર્ષે અમદાવાદ શહેર કૉંગ્રેસના મંત્રી બન્યા. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં તેમણે કૉંગ્રેસનો ત્યાગ કર્યો. ૧૯૮૨થી ૧૯૮૯ સુધી રતુભાઈ અદાણીના રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ત્યારબાદ શ્રી ચીમનભાઈ પટેલના જનતા દળમાં સક્રિય બન્યા. ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ‘ગુજરાત લઘુઉદ્યોગ નિગમ’ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. અમદાવાદનાં જાણીતાં દૈનિકો અને સામયિકોમાં તેમણે નિયમિત રાજકીય કટારલેખન કર્યું. તેઓએ બાળપણથી ખૂબ વાંચન કર્યું હોવાથી તેમનાં લખાણો ઉત્તમ કક્ષાનાં બન્યાં. વિશ્વની રાજકીય ગતિવિધિના ઊંડા અભ્યાસી એવા વિદ્યુત ઠાકર ગુજરાતની સ્થાપના સમયથી કાર્યરત પત્રકારોમાંના એક હતા અને તેઓ લગભગ ૫૦ વર્ષ આ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમણે ચાર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમને ‘રમણભાઈ શાહ સાધના પત્રકારિતા પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ