Categories
વાચન સમૃદ્ધિ

મુખેથી માંદગીનું ભોજન

આરોગ્યના સંદર્ભમાં વિચારીએ તો આપણે ત્યાં માનવીના શરીરને રાજા રૂપે જોવામાં આવ્યું છે, પણ મહત્ત્વની વાત એ છે કે એ રાજા સ્વાધીન છે કે પરાધીન એનો વિચાર કરવો જોઈએ. સ્વાધીન રાજા પોતાના સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલું વિચારશે, કારણ કે એને એના જીવન-સંરક્ષણનો મજબૂત કિલ્લો માને છે. એને માટે પ્રધાન જેવી બુદ્ધિને યોગ્ય માર્ગ બતાવશે અને સેનાપતિ સમા મનને કાબૂમાં રાખશે. જ્યારે પરાધીન રાજાને બીજાની તાબેદારી ઉઠાવવી પડે છે. આવો પરાધીન રાજા ફાસ્ટ ફૂડનો ભોગ બને છે. ખાઉધરા જેવો એનો પ્રધાન હોય છે અને ચટાકેદાર સ્વાદ રૂપી એ ચંચળ મનનો ગુલામ હોય છે. સ્વાસ્થ્યની ઉપેક્ષા અંતે જીવનની ઉપેક્ષા થઈને રહે છે. ત્યારે સુંદર જીવન જીવવા માટે વ્યક્તિએ આહાર પર સંયમ કેળવવો જોઈએ. ઘણી વ્યક્તિ પોતાના જીભના સ્વાદને કારણે જીવનને રોગિષ્ઠ બનાવે છે. આવી વ્યક્તિઓ મુખમાં અન્ન મૂકતી નથી, પરંતુ માંદગી મૂકે છે. ખાઉધરા લોકો બેફિકર બનીને સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત ઉડાવતા હોય છે, પણ હકીકતમાં તો એવું ભોજન એમના સ્વાસ્થ્યને કે આયુષ્યને ઊધઈની માફક ખોખલું કરતું રહે છે. પોતાની ભૂખ કરતાં વધુ ખાનાર અતિભોગી આ જગતની વહેલી વિદાય લઈ લે છે. પોતાની ભૂખ કરતાં થોડું ઓછું ખાનાર થોડું વધુ આયુષ્ય ભોગવે છે. જો વ્યક્તિ પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ ન લે તો દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર પણ એને બચાવી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે, ‘સોના-ચાંદીના ટુકડા એ સાચી સંપત્તિ નથી. આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે.’ અને આપણે ત્યાં તો વારંવાર કહેવાય છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ વળી ચરકસંહિતામાં કહ્યું છે તેમ, ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન આરોગ્ય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

હર્બર્ટ સટક્લિફ

જ. 24 નવેમ્બર, 1894 અ. 22 જાન્યુઆરી, 1978

ઇંગ્લૅન્ડની યોર્કશાયર કાઉન્ટી તરફથી અને ઇંગ્લૅન્ડ તરફથી પ્રૉફેશનલ ક્રિકેટર તરીકે હર્બર્ટ સટક્લિફે 54 ટેસ્ટમાં 60 રનની સરેરાશથી 4555માં રન કર્યા હતા અને પ્રથમ કક્ષાની 754 મૅચમાં 52 રનની સરેરાશથી 50670 રન કર્યા હતા. ટેસ્ટમૅચ ક્રિકેટમાં 16 સદી કરનારા એ પ્રથમ ખેલાડી હતા અને હર્બર્ટ સટક્લિફ અને જેક હોબ્સની ઓપનિંગ જોડી અત્યંત વિખ્યાત બની હતી અને ક્રિકેટજગતની એ એક અત્યંત સમર્થ ઓપનિંગ જોડી ગણાતી હતી. પોતાની એકાગ્રતા અને દૃઢતાથી જમોડી બૅટ્સમૅન હર્બર્ટ સટક્લિફ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ટીમને માટે મહત્ત્વની રમત ખેલતો હતો. એમના સમયગાળા દરમિયાન યોર્કશાયરે બાર વખત કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં વિજય મેળવ્યો અને આજે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના હેડિંગ્લેનાં મેદાન પર બે ગેટને હર્બર્ટ સટક્લિફનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આઈ.સી.સી. ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં પણ હર્બર્ટ સટક્લિફને સ્થાન મળ્યું છે. આઠ વર્ષની વયથી જ ક્રિકેટની રમતને ગંભીરપણે ખેલતા હર્બર્ટ સટક્લિફ સતત પોતાની બૅટિંગ કલામાં વિકાસ સાધતા રહ્યા. તેરમા વર્ષે 1908માં નિશાળ છોડીને બૂટ કંપનીમાં ક્લિકર તરીકે જોડાયા. એમની ક્રિકેટ કામયાબીને લીધે એમને સ્થાનિક કાપડની મિલે કારકુન તરીકે રાખ્યા, જ્યાં એ હિસાબ-કિતાબ સંભાળતા હતા અને એમાંથી અંતે એ સફળ વેપારી બન્યા. એમણે યોર્કશાયર તરફથી ઇસેક્સની ટીમ સામે 313 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો અને પહેલી વિકેટની ભાગીદારીમાં પર્સી હોમ્સ સાથે 555 રનનો એ સમયે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. નિવૃત્ત થયા પછી યોર્કશાયરની ક્લબ કમિટીમાં 21 વર્ષ સુધી કામ કરનાર હર્બર્ટ સટક્લિફે ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

તકલામાકાન

ચીનની વાયવ્ય દિશાએ સિંક્યાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39O ઉ. અ. અને 83O પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે છે જે લોપનારના ખારા સરોવરમાં સમાઈ જાય છે. રણની સપાટી ઉપર ચમકતી રેતી છે. રેતીના ઢૂવા વાતા પવનને લીધે ખૂબ ગતિથી સરકતા રહે છે. તારીમ ઉપરાંત ત્યાં કાશ્ગર, હોનાન અને કરકન નદીઓ છે. ઝરણાંએ ખેંચી લાવેલા નિક્ષેપથી વાયવ્ય અને નૈર્ઋત્ય ભાગમાં રણદ્વીપો બનેલા છે.

તકલામાકાનનું રણ : વેરાન અને રેતાળ સૂકી ભૂમિનો પ્રદેશ

અહીંની આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો સખત હોય છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 38O સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન 9O સે. થઈ જાય છે. ઉનાળામાં વધુમાં વધુ તાપમાન 45O–48O સે. રહે છે. આ રણ પર્વતોથી ઘેરાયેલું હોય છે. તેથી ચોમાસાના ભેજવાળા પવનો અંદરના ભાગ સુધી પહોંચતા નથી. વચ્ચેનો ભાગ નિર્જન અને સાવ સૂકો છે. ક્યારેક વરસાદનાં ઝાપટાં પડે ત્યારે ટમારિસ્ક ઘાસ ઊગી નીકળે છે. રણદ્વીપમાં જ્યાં પાણીની સગવડ હોય છે ત્યાં અનાજ, ચણા, કપાસ તથા બી વિનાની દ્રાક્ષ ઊગે છે. રણદ્વીપની જમીન ફળદ્રૂપ છે. આ પ્રદેશમાં હરણ, જંગલી ભુંડ, વરુ અને શિયાળ વગેરે પ્રાણીઓ છે. પાળેલાં પ્રાણીઓમાં ઊંટ અને ઘોડા, બકરાં અને ઘેટાં છે. લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. રણદ્વીપો સિવાય અન્યત્ર ખેતી થતી નથી. લોકો તુર્ક જાતિના છે. ચીનથી ભારત આવવાનો ‘સિલ્ક રૂટ’ આ પ્રદેશમાંથી પસાર થાય છે. ઇટાલિયન પ્રવાસી માર્કોપોલોએ કાશ્ગર અને હોનાનની મુલાકાત લીધી હતી. તારીમ ખીણના પ્રદેશમાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. ઇસ્લામના આગમન પૂર્વે અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. આ પ્રદેશમાંથી ચાંદીના જેવી ખનિજો મળી આવવાની શક્યતા છે. રણદ્વીપોમાં વસ્તી પાંખી છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8