જ. 25 નવેમ્બર, 1879 અ. 16 જાન્યુઆરી, 1966

ભારતીય શિક્ષણવિદ, સ્વાતંત્ર્યતાસેનાની અને શિક્ષણક્ષેત્રે મીરાં આંદોલનના પ્રણેતા સાધુ વાસવાણીનું મૂળ નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. પોતાની અંદર વિકસિત થઈ રહેલ આધ્યાત્મિક શક્તિને બાળક વાસવાણીએ બચપણથી જ જાણી લીધી હતી. તેથી તેઓ સાંસારિક બંધનોને છોડીને ભગવત ભક્તિમાં પ્રવૃત્ત થવા માગતા હતા, પરંતુ તેમનાં માતાની ઇચ્છા હતી કે પુત્ર ગૃહસ્થાશ્રમ અપનાવી પરિવારમાં જ રહે, પોતાની માતાના આગ્રહને વશ થઈ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1902માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ સાધુ વાસવાણીએ વિવિધ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ટી. જી. કૉલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ પામ્યા હતા. લાહોરની દયાલસિંહ કૉલેજ, કૂચ બિહારની વિક્ટોરિયા કૉલેજ અને કૉલકાતાની મેટ્રોપોલિટન કૉલેજમાં ભણાવ્યા બાદ 1916માં તેઓ પટિયાળાની મહેન્દ્ર કૉલેજના આચાર્ય બન્યા હતા. સાધુ વાસવાણીએ જીવહત્યા અટકાવવા માટે જીવનપર્યંત પ્રયત્નો કર્યા હતા. સમસ્ત જીવોને તેઓ એકસમાન માનતા હતા. જીવહત્યા રોકવા માટે પોતાનું મસ્તક કપાવવા પણ તેઓ તૈયાર હતા. માત્ર જીવજંતુ જ નહિ, પરંતુ વનસ્પતિમાં પણ પ્રાણ હોય છે તેવો તેમનો મત હતો. યુવાનોને સારું શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવામાં તેમને ખૂબ રસ હતો. તેઓ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક સહિષ્ણુતા અને એકતાના પ્રખર હિમાયતી હતા. 30 વર્ષની વયે સાધુ વાસવાણી ભારતના પ્રતિનિધિ તરીકે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે બર્લિન ગયા હતા. ત્યાં પોતાનું અસરકારક ભાષણ કર્યા બાદ તેઓ સમગ્ર યુરોપમાં ધર્મનો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રભાવશાળી વક્તા હોવાથી ભારતના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ કરીને તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે સાધુ વાસવાણીએ સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો હતો. ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ જોડાયા હતા. તેઓ ખેડૂતોના હિતરક્ષક અને આધુનિક ખેતીના હિમાયતી હતા.
અશ્વિન આણદાણી

