અમેરિકાની વ્યવસાયી બૉક્સિંગમાં ૧૯૧૯થી ૧૯૨૬ સુધી વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયનશિપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની અસાધારણ શક્તિને કારણે બૉક્સિંગના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બૉક્સર તરીકે જાણીતો બન્યો. લોકો એની બૉક્સિંગ જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થતા હતા અને એને કારણે પ્રેક્ષકોની સંખ્યાના નવા વિક્રમો સધાતા હતા. પહેલી વાર એની બૉક્સિંગની મૅચમાં મિલિયન ડૉલરની આવક થઈ હતી. એક પછી એક વિજય ધરાવતા ‘જેક’ ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બૉક્સરે પરાજય આપ્યો. બૉક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો, પરંતુ બૉક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પૉઇંટથી ડેમ્પસેને હરાવ્યો. એક લાખ વીસ હજાર અને પાંચસો સત્તાવન પ્રેક્ષકોની હાજરીમાં આ ઘટના બની. ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં, ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રૉડવે પર ‘જેક’ ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી. એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઇનામો આપવા લાગ્યો અને એ રીતે એણે એક નવી જિંદગીનો પ્રારંભ કર્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું, ‘મારા ચૅમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લાં દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.’ સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.
કુમારપાળ દેસાઈ