Categories
વાચન સમૃદ્ધિ

કેસરબાઈ કેરકર

જ. 13 જુલાઈ, 1892 અ. 16 સપ્ટેમ્બર, 1977

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જયપુર-અત્રોલી ઘરાનાની પ્રસિદ્ધ ગાયિકા કેસરબાઈ કેરકરનો જન્મ ગોવાના કેરી નામના નાનકડા ગામમાં થયો હતો. આઠ વર્ષની કુમળી વયે તે કોલ્હાપુર ગયાં અને અબ્દુલ કરીમખાં પાસે સંગીતની તાલીમ લીધી. પછી પાછાં ગોવા ગયાં અને રામકૃષ્ણ બુવા વઝે પાસે તાલીમ લીધી. 1909માં તેઓ મુંબઈ આવ્યાં. પટિયાલા રાજ્યના સિતારવાદક અને દરબારી સંગીતકાર બરકતુલ્લા ખાંસાહેબ પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. તેમણે નૃત્યની પણ તાલીમ લીધી હતી. 1911માં તેમણે જયપુર ઘરાનાના સંગીતકાર ખાંસાહેબ અલ્લાદિયાખાં પાસેથી કઠિન શરતો સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેઓ દરરોજ નવથી દસ કલાક સુધી રિયાજ કરતાં. તેમણે 1929થી જાહેર કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. 1930માં પેશાવર ગાયિકી શરૂ કરી. તેનાથી કેસરબાઈને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ઉચ્ચ વર્ગના શ્રોતાઓની સામે પોતાની ગાયિકી રજૂ કરવા લાગ્યાં. તેઓ પોતાની પેઢીના સૌથી સારાં ખયાલ ગાયિકા બન્યાં. મોટા ભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમની રેકૉર્ડ બહાર પાડી હતી. સંગીતક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1953માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. તેમને 1948માં કૉલકાતાની સંગીતપ્રવીણ સંગીતાનુરાગી સજજન સન્માન સમિતિ દ્વારા સુરશ્રી સન્માન મળ્યું હતું. 1969માં ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી નવાજ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકાની ઉપાધિ અને 1975માં સૂરસિંગાર સંસદ દ્વારા શારંગદેવ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તેમની સ્મૃતિમાં કલા અકાદમી, ગોવા દ્વારા દર વર્ષે સુરશ્રી કેસરબાઈ કેરકર સ્મૃતિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. નાસાના 1977ના વૉયેજર મિશનમાં તેમનું રેકૉર્ડિંગ સુવર્ણ રેકૉર્ડમાં જળવાયેલું છે. આમ અવકાશમાં પ્રથમ ભારતીય અવાજ કેસરબાઈ કેરકરનો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

શત્રુને મિત્ર

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન(ઈ. સ. 1809થી ઈ. સ. 1865)ના સમયમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યો. લિંકનની સમવાય સરકાર અને અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો વચ્ચેનો આ વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ઉત્તરનાં રાજ્યોએ અબ્રાહમ લિંકનને તત્કાળ લશ્કરી પગલાં ભરવાની માંગ કરી અને અમેરિકામાં ખેલાયેલું ‘ધ બૅટલ ઑવ બુલ’ નામનું ઘમસાણ યુદ્ધ વાસ્તવમાં એનો લોહિયાળ આંતરવિગ્રહ હતો. આ યુદ્ધકાળમાં લિંકનની માનવતા વધુ ઝળકી ઊઠી. આ સમયે લિંકન કાર્યાલયમાં આવતા હજારો પત્રો પર જાતે નોંધ લખતા અને એ અંગે જરૂરી પગલાંઓ માટે સૂચન કરતા. એક વાર એક મહિલાએ નોકરીની શોધમાં મદદરૂપ થવા પ્રમુખને વિનંતી-પત્ર લખ્યો, ત્યારે પ્રમુખ અબ્રાહમ લિંકને તેની કામ કરવાની તૈયારીને પ્રોત્સાહન આપ્યું. પોસ્ટમાસ્તર જેવી સામાન્ય નિમણૂકો જાતે રસ લઈને કરતા. જાતે પોતાના બૂટની પૉલિશ કરતા અને રોજ એકાદ કલાકથી વધુ સમય નાગરિકોને મળવા પાછળ ફાળવતા. અબ્રાહમ લિંકને ગુલામી પ્રથાની નાબૂદીની ઘોષણા કરતાં ચાળીસ લાખ ગુલામો મુક્ત થયા અને યુદ્ધની બાજી પલટાવા લાગી. અનાથ બાળકો, નોંધારી વિધવાઓ અને લશ્કરી છાવણીમાં રહેલા યુદ્ધકેદી જવાનો પ્રત્યે અપાર સહાનુભૂતિ રાખતા. દરેકને માટે વ્યક્તિગત ધોરણે કંઈક કરી છૂટતા. તેઓ કહેતા, ‘અંતે તેઓ પણ આપણા જેવા સંવેદનશીલ માનવીઓ છે. યુદ્ધમાં પણ મર્યાદાની એક રેખા હોવી જોઈએ. એમાં ક્રૂર કે નિર્દય બનવાનું ન હોય.’ અબ્રાહમ લિંકનની આવી વાત સાંભળીને એક વૃદ્ધા ઉશ્કેરાઈ ગઈ. એણે કહ્યું, ‘પ્રમુખ, તમે તે કેવા છો ? જે શત્રુઓનો વિનાશ કરવો જોઈએ, એમની સાથે માનવતાભર્યો વ્યવહાર રાખવાની વાત કરો છો !’ અબ્રાહમ લિંકને વૃદ્ધાના ચહેરા પરના ઉશ્કેરાટને હસીને અળગો કરતાં કહ્યું, ‘મેડમ, એમને મિત્ર બનાવીને હું શત્રુઓનો વિનાશ કરું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

પાબ્લો નેરુદા

જ. 12 જુલાઈ, 1904 અ. 23 સપ્ટેમ્બર, 1973

દક્ષિણ અમેરિકાના જગપ્રસિદ્ધ સ્પૅનિશ કવિ પાબ્લો નેરુદાનો જન્મ ચિલીમાં થયો હતો. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી, લોકપ્રિય કવિ તથા રાજનેતા હતા. તેમનું મૂળ નામ નેફતાલી રિકાર્ડો રેઇસ બોસાલ્ટો હતું. તેમની ચાર વર્ષની વયે માતાનું અવસાન થતાં પિતાએ પુનર્લગ્ન કર્યાં અને ચિલીની દક્ષિણે તેમુકામાં રહેવા ગયા. ત્યાં વનપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને નેરુદાની કલ્પનાશક્તિને વેગ મળ્યો. ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ સાથે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમુકાનાં અખબારોમાં નેરુદાના આરંભનાં કાવ્યો પ્રગટ થવા માંડ્યાં. પોતાનો પુત્ર કવિ થાય તે સામે પિતાનો પ્રચંડ વિરોધ હતો આથી કવિએ પોતાના પ્રિય ચેક સાહિત્યકાર યાન નેરુદાની અટક અપનાવી પાબ્લો નેરુદા તખલ્લુસ અપનાવ્યું. સોળ વર્ષની વયે તેઓ ચિલીની રાજધાની સાન્ટિયાગોમાં વધુ અભ્યાસાર્થે ગયા. ત્યાંની શિક્ષણ-સંસ્થામાં તેમની કાવ્યકૃતિ ફિએસ્ટા સૉંગને પ્રથમ પારિતોષિક મળ્યું. 1923માં તેમનો પ્રથમ અને 1924માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતાં ચિલીમાં તેમની કીર્તિ ચારેકોર ફેલાઈ. ચિલીની સરકારે નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા માટે તેમને પ્રથમ યુરોપ અને ત્યારબાદ પૂર્વના દેશોમાં મોકલ્યા. 1932માં તેઓ ભારત સહિત કેટલાક દેશોમાં ફરી દક્ષિણ અમેરિકા પાછા ફર્યા. 1936માં સ્પેનમાં ફાટી નીકળેલ આંતરવિગ્રહ દરમિયાન તેમણે પ્રગતિવાદી દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈને કવિતાઓ લખી. 1943માં તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ ધારાસભામાં પણ સેનેટર તરીકે ચૂંટાયા. 1950માં તેમણે કેન્ટો જનરલ નામે દીર્ઘકાવ્ય પ્રગટ કર્યું. જે તેમનું ઉત્તમ, યશસ્વી મહત્ત્વાકાંક્ષી સર્જન છે. તેમણે લખેલું એલિમેન્ટલ ઓડ્ઝ 1954થી 1957 દરમિયાન ત્રણ ખંડોમાં પ્રકાશિત થયું. તેમણે લગભગ 12થી વધુ કાવ્યસંગ્રહો અને લગભગ 7000 પૃષ્ઠોમાં તેમણે કાવ્યો લખ્યાં છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેમનાં કાવ્યો તથા વ્યાખ્યાનોનો અનુવાદ થયેલો છે. ગહન પ્રેમ, પ્રકૃતિ, ક્રાન્તિ, માનવઅધિકારો પ્રત્યેની તેમની ભાવુકતા અને સશક્ત કવિતાઓ માટે પ્રસિદ્ધ નેરુદાને 1971માં સાહિત્યના નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.