Categories
વાચન સમૃદ્ધિ

મેઘધનુષના રંગો

બોરધીલ્ડ ડાહલે એના જીવનનાં લગભગ પચાસ વર્ષ અંધારી દુનિયામાં ગાળ્યાં. એણે એક આંખની રોશની ગુમાવી દીધી હતી અને બીજી આંખ પર થયેલા ઊંડા ઘાને કારણે એ પોણી ઢંકાયેલી રહેતી અને માત્ર બીજી આંખમાં આવેલા નાના કાણાથી એ માત્ર ડાબી બાજુનું જ જોઈ શકતી. આથી કંઈ પણ વાંચવું હોય, તો એને એ આંખની છેક નજીક રાખવું પડતું અને મહામુશ્કેલીએ થોડુંક વાંચી શકતી. ખેલકૂદના મેદાન પર જતી, ત્યારે મેદાન પર આંકેલી લીટીઓ એ જોઈ શકતી નહોતી, પછી રમવું કઈ રીતે? ડાહલ આ સ્થિતિથી મૂંઝાઈ નહીં. બધા રમીને જતા રહે પછી એ જમીન પર બેસીને અને ભાંખોડિયાભેર ચાલીને મેદાન પર આંકેલી એ લીટીઓ બરાબર જોતી અને મનમાં યાદ રાખી લેતી. એ પછી ધીરે ધીરે પ્રૅક્ટિસ કરવા લાગી અને બન્યું એવું કે ડાહલ એ રમત ખેલવા લાગી અને એમાં કામયાબ થવા લાગી. આંખની સાવ નજીક રાખીને પુસ્તક વાંચવું પડતું. ક્યારેક તો એની પાંપણ પાનાંને અડી જતી, આમ છતાં એણે યુનિવર્સિટીની બે-બે પદવી હાંસલ કરી. પહેલી પદવી મિનેસોટા યુનિવર્સિટીમાંથી મેળવી અને એ પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઑફ આર્ટ્સની પદવી મેળવી. સમય જતાં કૉલેજમાં અધ્યાપિકા બની. એ છેક બાવન વર્ષની થઈ ત્યારે એના જીવનમાં એક ચમત્કાર સર્જાયો. જાણીતા ક્લિનિકમાં એની આંખનું ઑપરેશન થયું અને એને ચાળીસ ટકા જેટલું દેખાવા લાગ્યું. બસ, પછી તો એની દુનિયા આનંદથી ઊભરાઈ ગઈ. સાબુના પરપોટાને પ્રકાશની વિરુદ્ધની દિશામાં રાખીને જોવા લાગી અને એમાં રચાતાં નાનાં નાનાં મેઘધનુષના રંગો આનંદભેર નીરખવા લાગી. બરફ વચ્ચે ઊડતી ચકલીને જોઈને આનંદથી નાચી ઊઠતી અને નાની નાની સુંદરતાઓનો અનુભવ મેળવીને પોતાની જિંદગીને આનંદથી ભરપૂર માણવા લાગી.

Categories
વાચન સમૃદ્ધિ

બળવંતરાય ભટ્ટ

જ. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૨૧ અ. ૨ મે, ૨૦૧૬

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર બળવંતરાય ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે મુંબઈની ‘ધ વિક્ટોરિયા મ્યુઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં ડૉક્ટર ઇન મ્યુઝિક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી. શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ પંડિત ઓમકારનાથજી પાસે લીધી. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા, અંધજનોની વિવિધ સંસ્થાઓ માટે પણ તેમણે સેવા બજાવી. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની ખયાલ ગાયકીમાં, ધ્રુપદ, તરાના ખયાલ ગાયકીની રચનાઓ સંગીતબદ્ધ કરવામાં અને મંત્રો તથા શ્લોકોના ગાયનમાં પ્રશંસનીય પ્રભુત્વ મેળવ્યું હતું. તેમને ભાવનગર મહારાજા તરફથી (૧૯૪૧-૪૨) અને હંસરાજ પ્રાગજી ઠાકરસી ટ્રસ્ટ તરફથી (૧૯૪૩-૪૫) શિષ્યવૃત્તિ મળી હતી. આ ઉપરાંત તાનસેન-વિષ્ણુ દિગંબર શિષ્યવૃત્તિ(૧૯૪૯)માં પ્રથમ વિજેતા બન્યા હતા. આકાશવાણીનાં કેન્દ્રો પરથી તેઓ ઈ. સ. ૧૯૩૩થી ગાયક તથા વાદક તરીકે કાર્યક્રમો આપતા હતા. દેશ-વિદેશમાં અનેક સ્થળે સંગીત પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ૨૫૦ ઉપરાંત વિવિધભાષી ભજનોનું સંગીતનિયોજન કર્યું હતું. અમેરિકાનો પ્રવાસ ખેડી અનેક વ્યાખ્યાન-નિદર્શનો યોજ્યાં હતાં. તેઓ ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીમાં સભ્યપદે હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી બજાવી હતી. ગાયક કલાકાર ઉપરાંત તેમણે સંગીતની અન્ય બાબતો પરત્વે પણ રસ લીધો હતો. ભારત સરકારે તેઓને ૧૯૯૦માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા, ૨૦૦૪માં સંગીત નાટક અકાદમી તરફથી ઍવૉર્ડ મળ્યો હતો. ત્યારબાદ ૨૦૦૭-૦૮માં તેમને કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ક્વૉશ

બંધિયાર કોર્ટમાં રમાતી બૉલ અને રૅકેટની રમત.

આ રમતની શરૂઆત ૧૮૫૦માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં ટેનિસ અને ક્રિકેટ ઉપરાંત વધારાની રમત તરીકે સ્ક્વૉશનો પ્રચાર થયો. ત્યારબાદ બ્રિટિશ સૈન્યમાં આ રમત રમાતી થઈ અને તે દ્વારા આ રમત ઇજિપ્ત અને ભારતમાં આવી. ૧૯૨૯માં આ રમતના નિયંત્રણ માટે સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ. ૧૯૬૭માં ઇન્ટરનેશનલ સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ ત્યારે ગ્રેટ બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ આરબ રિપબ્લિક તેના સભ્યો હતા. પાછળથી અમેરિકા અને કૅનેડાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. ભાઈઓ, બહેનો તથા જુનિયરો માટે આ રમતની સ્પર્ધાઓ યોજાય છે.

સ્ક્વૉશ રમતા ખેલાડીઓ

સ્ક્વૉશની રમત ચારેબાજુથી બંધિયાર કોર્ટમાં રમાય છે. તેની લંબાઈ ૯.૭ મી. તથા પહોળાઈ ૬.૪૦ મી. હોય છે. સામી દીવાલની છેક નીચે લાકડાની અથવા ધાતુની ૪૮ સેમી. પહોળી પટ્ટી હોય છે જે ટેલ્ટેલ, બોર્ડ અથવા ટિનથી ઓળખાય છે. તેના પર બૉલ અથડાય ત્યારે અવાજ થાય છે. કોર્ટની દીવાલો લીસી હોય છે. કોર્ટનું ભોંયતળિયું લાકડાનું અને દીવાલને સમાંતર હોય છે. ૫ સેમી. પહોળાઈની લાલ રંગની રેખાઓથી તે રેખાંકિત કરવામાં આવે છે. સ્ક્વૉશના રૅકેટનું માથું લાકડાની ફ્રેમવાળું જ્યારે હાથો લાકડું, ધાતુ અથવા ફાઇબર ગ્લાસનો બનેલો હોય છે. હાથા ઉપર પકડ માટે અનુકૂળ પદાર્થ લગાવી શકાય છે. રમતમાં વપરાતો દડો રબરનો અથવા મિશ્ર રબરનો હોય છે. તેનું વજન ૨૨.૩થી ૨૪.૬ ગ્રામ સુધીનું અને તેનો વ્યાસ ૩૯.૫ મિમી.નો હોય છે. સ્ક્વૉશની મૅચ પાંચ સેટની હોય છે; જેમાં ત્રણ સેટ જીતનાર ખેલાડી વિજેતા બને છે. રૅફરી ગૅલરીના મધ્યમાં બેસીને મૅચનું નિયંત્રણ કરે છે, જ્યારે માર્કર દરેક રમનારનો સ્કોર જાહેર કરે છે. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે. આ રમતમાં ફક્ત સર્વિસ કરનારને જ ગુણ મળે છે. દડો દીવાલને અથડાઈને પાછો આવે અને લાકડાના ભોંયતળિયે બે વખત અથડાય તો ભૂલ ગણાય છે. લાકડાના ભોંયતળિયાને ફક્ત એક જ વખત બૉલ અથડાયા પછી તુરત જ દડાને રમવાનો હોય છે. દડો સામી દીવાલ સુધી ન પહોંચે તો ફટકો મારનાર ગુણ ગુમાવે છે. દડાને સતત બે વાર ફટકારવામાં આવે અથવા દડો ફટકો મારનારનાં કપડાંને અડકે તોપણ ભૂલ ગણાય છે. દરેક રમત ૯ ગુણની હોય છે. જ્યારે ૮ ગુણ સરખા થાય ત્યારે દડો ઝીલનાર ‘નો સેટ’ બોલે અને એ રીતે રમત ૯ ગુણની રમાય અને ‘સેટ-૨’ બોલે ત્યારે રમત ૧૦ ગુણ સુધીની રમાય છે. ડબલ્સની રમત માટે ૧૩૭ મી. લાંબો અને ૭૬ મી. પહોળો કોર્ટ હોય છે. આ રમત ૧૫ ગુણની હોય છે. બાકીના નિયમો સિંગલ્સની રમત મુજબના હોય છે. દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોસાલ, ૠત્વિક ભટ્ટાચાર્ય, સાઇરસ પોંચા, જોશુઆ ચીનપ્પા, સિદ્ધાર્થ સચદે તથા હરીન્દરપાલ સન્ધુ ભારતના જાણીતા સ્ક્વૉશ-રમતવીરો છે. પાકિસ્તાનના સ્ક્વૉશ-રમતવીર જહાંગીરખાનનું નામ પણ ખૂબ જાણીતું છે. ત્યારબાદ પાકિસ્તાનના જ જનશેરખાને વિશ્વમાં સ્ક્વૉશ રમતમાં નામના મેળવી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦