Categories
વાચન સમૃદ્ધિ

એવરેસ્ટ, તને હરાવીશ

વિખ્યાત પર્વતારોહક સર ઍડમન્ડ હિલેરી(૧૯૧૯થી ૨૦૦૮)એ યુરોપના આલ્પ્સ પર્વતનાં અનેક શિખરો પર આરોહણો કર્યા પછી હિમાલયનાં અગિયાર જેટલાં શિખરો સર કર્યાં. એ પછી એમણે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર દૃષ્ટિ ઠેરવી. ૧૯૨૦થી ૧૯૫૨ વચ્ચે એવરેસ્ટ વિજય માટે સાત આરોહણો થયાં હતાં; પરંતુ બધાં જ નિષ્ફળ ગયાં હતાં. ૧૯૨૪માં તો વિખ્યાત પર્વતારોહક જ્યોર્જ લહ્ મેલોરીએ એવરેસ્ટ આરોહણમાં પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો. ૧૯૫૧ અને ૧૯૫૨માં હિલેરીએ એવરેસ્ટનો સર્વે કર્યો અને પોતાના નિષ્ફળ અભિયાન પછી થોડાં અઠવાડિયાં બાદ ઍડમન્ડ હિલેરીને ઇંગ્લૅન્ડની એક સંસ્થાએ વક્તવ્ય માટે બોલાવ્યા. મંચ પરથી ચાલીને એ સ્ટેજ પર બેઠા, ત્યારે એમણે પાછળ રહેલું માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર જોયું. એ જોઈને વિખ્યાત પર્વતારોહક અને માનવતાવાદી હિલેરી બોલી ઊઠ્યા, ‘માઉન્ટ એવરેસ્ટ ! તમે મને પહેલી વખત પરાજિત કર્યો છે, પણ હવે પછી હું તમને પરાજિત કરીશ. કારણ કે તમે જેટલા વિકસવાના હતા એટલા વિકસી ગયા છો, જ્યારે હું હજી વિકસી રહ્યો છું.’ આ ઘટનાના બરાબર એક વર્ષ બાદ ૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૧.૩૦ વાગ્યે હિલેરી અને તેનિંસગે દરિયાની સપાટીથી ૨૯૦૨૮ ફૂટ ઊંચા આ શિખર પર વિજય હાંસલ કર્યો અને અનેક સાહસભર્યાં આરોહણો અને પ્રવાસો કરનાર હિલેરીએ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો. ૧૯૯૨માં ન્યૂઝીલૅન્ડની પાંચ ડૉલરની ચલણી નોટ પર આ સાહસવીરની છબી અંકિત કરવામાં આવી. આવું બહુમાન મેળવનાર તે પહેલો ન્યૂઝીલૅન્ડવાસી છે. ‘હિમાલયન ટૂર્સ’ દ્વારા શેરપાઓની સુખાકારીનો પ્રયત્ન કરનાર હિલેરીને નેપાળ સરકારે માનદ નાગરિકત્વ આપ્યું હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જૉસેફ મૅકવાન

જ. ૯ ઑક્ટોબર, ૧૯૩૬ અ. ૨૮ માર્ચ, ૨૦૧૦

ગુજરાતના જાણીતા નવલકથાકાર જૉસેફ મૅકવાનનો જન્મ આણંદ જિલ્લાના ત્રણોલી ગામે થયો હતો. પિતાનું નામ ઇગ્નાસ અને માતાનું નામ હીરી. વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ નોકરીએ લાગ્યા. તેમણે બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા બાદ થોડા સમય ડાકોરની કૉલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પણ તેઓ માનતા કે માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ. આથી અધ્યાપક તરીકેની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષણકાર્યની સાથે તેઓ સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ કરતા. ૧૯૫૬થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પાસેથી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ચરિત્રસાહિત્ય મળ્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો સંગૃહીત થયાં છે. તેમની પાસેથી ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાત’, ‘બીજ-ત્રીજનાં તેજ’ જેવી સત્ત્વશીલ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. ‘આંગળિયાત’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદેમી દ્વારા આ નવલકથા પુરસ્કૃત થઈ હતી. ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની પાસેથી નિબંધસંગ્રહો તથા સંપાદનો પણ મળ્યાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દર્શક ઍવૉર્ડ વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને નવલકથાકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

સ્થળાંતર

૧. પશુપંખીઓનું સ્થળાંતર

વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા, ખોરાકની અછત નિવારવા, પ્રજોત્પત્તિ કરવા તથા બચ્ચાંના ઉછેર માટે પ્રાણીઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવર. આ ઘટના કીટકો, પક્ષીઓ, માછલીઓ, કાચબા અને સસ્તન પ્રાણીઓની બાબતમાં ઘટતી હોય છે. સ્થળાંતરની ક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ સમૂહમાં સ્થળાંતર કરતાં હોય છે. જીવશાસ્ત્રીઓ તો બે સ્થળો વચ્ચેની લાંબા ગાળાની ૠતુને અનુલક્ષીને નિયમિત થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે. પક્ષીઓનું સ્થળાંતર અદભુત અને નૈસર્ગિક ઘટના છે. તે ચોક્કસ સમય અને હવામાનને આધીન હોય છે. પક્ષીઓ નાજુક દેહ ધરાવતાં હોવા છતાં કલાકો અને દિવસો સુધી લગાતાર, થોભ્યા વિના ઊડીને સ્થળાંતર કરે છે. આ માટે ધ્રુવીય ટર્ન નામના એક પક્ષીનું ઉદાહરણ તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. આ પક્ષી શિયાળામાં ઉત્તર ધ્રુવથી ૧૮,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ધ્રુવના હૂંફાળા વાતાવરણમાં આવે છે. થોડા સમય બાદ જ્યારે દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે છે ત્યારે તે એટલી લાંબી ઉડાન કરી ફરી મૂળ સ્થળે પાછું આવે છે. આમ દર વર્ષે તે ૩૬,૦૦૦ કિલોમીટરની લાંબી મજલનું સ્થળાંતર કરે છે.

આફ્રિકાનાં જંગલોમાં થતું પશુઓનું સ્થળાંતર

યુરોપિયન વાર્બલર (Warbler) નામનું પક્ષી શિયાળામાં ૪,૦૦૦ કિલોમીટર જેટલું ઉડાન કરી એશિયા કે આફ્રિકા પહોંચે છે. ભારતમાં પણ શિયાળામાં અનેક યાયાવર પક્ષીઓ ઠેરઠેર આવે છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર પક્ષી-અભયારણ્ય આ માટે જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ તથા નળસરોવર અને થોળ તળાવ પાસે પણ ઘણાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં મુખ્યત્વે સુરખાબ (ફ્લૅમિંગો), ચોટીલી પેણ, ઢોંક, નીલકંઠી તથા વૈયું નામનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતાં હશે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાના આધારે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે કે રસ્તામાં આવતાં મુખ્ય સ્થાનોને આધારે સ્થળાંતર કરે છે તેવું અનુમાન કરવામાં આવે છે. આ માછલી ખંભાતના અખાતમાંથી નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર કે તેથી આગળ ઈંડાં મૂકવા જાય છે. અને બચ્ચાં ફરીથી ઊંધી દિશામાં પ્રસ્થાન કરી ખંભાતના અખાતમાં પ્રવેશે છે. દરિયાઈ કાચબીઓ ૨૦૦૦ કિલોમીટર દૂરથી સ્થળાંતર કરી દરિયાના બીચ પર ઈંડાં મૂકવા આવતી હોય છે. આફ્રિકાનાં જંગલોમાં ખોરાક મેળવવા માટે વાઇલ્ડ બીસ્ટ –જંગલી ભેંસો તથા ઝિબ્રા ટોળામાં સ્થળાંતર કરે છે. આ પ્રાણીઓ ખૂબ વેગથી, માર્ગમાં આવતા અવરોધોને ગણકાર્યા વિના ઊંધું ઘાલીને દોડતાં જ રહે છે. તેની અડફટમાં કોઈ બીજું પ્રાણી આવે તો તે કચડાઈ જાય.

અંજના ભગવતી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્થળાંતર, પૃ. ૭૧)