Categories
વાચન સમૃદ્ધિ

દિગ્બોઈ

આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23´ ઉ. અ. અને 95° 38´ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. આ પ્રદેશમાં વર્ષભર ભેજનું સરેરાશ પ્રમાણ 80%થી વધારે અને વરસાદનું પ્રમાણ 2,000 મિમી.થી વધારે હોય છે. અહીંનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. જેટલું રહે છે. આમ દિગ્બોઈ એકંદરે મોસમી પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવે છે. તેની આસપાસના પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલો છવાયેલાં છે.

દિગ્બોઈ અને તેની આસપાસની ધરતીમાં આવેલા તૃતીય જીવયુગના રેતીખડકો(sandstones)ના તળિયેથી ખનિજતેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો મળી આવ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ખનિજતેલ અને વાયુનાં આ ક્ષેત્રોમાંથી છેલ્લાં 90 વર્ષથી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ દ્વારા ક્રૂડ, ખનિજતેલ અને વાયુ મેળવવાની કામગીરી ચાલે છે. આ ઉપરાંત અહીં આસામ ઑઇલ કંપનીની રિફાઇનરીઓ દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું અને ગંધકના તેજાબનું ઉત્પાદન થાય છે. વળી આ શહેરમાં એક મોટી ઇજનેરી કાર્યશાળા (workshop) પણ આવેલી છે. આમ આ શહેરના વિકાસમાં ખનિજ તેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોએ તથા રિફાઇનરીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. ઉત્તરોત્તર વધતી જતી વસ્તીની સાથોસાથ આ શહેરમાં અનેક નવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત લાકડાં અને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગો અગત્યના છે. આ નગર રેલમાર્ગે દિબ્રુગઢ તથા અન્ય નગરો સાથે સંકળાયેલું છે. તે દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 38થી માર્ઘેરિતા (Margherita) તેમજ ઉત્તરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37થી દિબ્રુગઢ, દીસપુર અને દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. આ નગરની વસ્તી આશરે 34,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આયુર્વેદ

રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર.

જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા અવયવોને સ્થાને કૃત્રિમ અવયવો બેસાડવાના, આંખ, નાક, કાન વગેરેના રોગો દૂર કરવાના, તારુણ્ય જાળવી રાખવાના તથા કુષ્ઠરોગ મટાડવાના સફળ ઉપચારો થતા.

ઔષધિ અને વનસ્પતિઓનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. જાતજાતના રોગો દૂર કરવાના મંત્રો તથા જલચિકિત્સા, સૌરચિકિત્સાનાં વર્ણનો આયુર્વેદમાં છે. વેદોમાં રોગ થવાનાં કારણોમાં રોગ કરનાર કૃમિનો ઉલ્લેખ તથા તેનું વર્ગીકરણ વગેરેનો અભ્યાસ થયેલો છે. આ ઉપરાંત તેમાં વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ, તેનું વર્ગીકરણ વગેરે મળી આવે છે. લગભગ ૩,૦૦૦ જેટલી ઔષધિઓનો ઉલ્લેખ તેમાં છે. ધન્વંતરિ અને કશ્યપ ઋષિએ સૌપ્રથમ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે તેમણે તેમના શિષ્યોને આપ્યું. વનસ્પતિઓમાંથી ઔષધિ બનાવવાનું સંશોધન કરવામાં ચરકનો મોટો ફાળો છે. પુરાણકાળમાં ઈ. સ. પૂ. ૫૦૦૦થી ૫૦૦ વર્ષમાં આયુર્વેદનો પ્રચાર ભારતમાં ખૂબ થયો. ચરક, સુશ્રુત, ચ્યવન, કશ્યપ જેવા ઋષિઓએ આ ક્ષેત્રમાં ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું. રામાયણ અને મહાભારતમાં પણ આયુર્વેદીય ચિકિત્સાના ઉલ્લેખો આવે છે. તે કાળમાં યુદ્ધમાં રાજાઓ સાથે વૈદ્યો પણ રહેતા. આયુર્વેદમાં નાડીપરીક્ષા પરથી રોગપરીક્ષા થાય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ – એમ ત્રણ દોષો હોય છે અને તેની અસમાનતા દ્વારા રોગ ઉત્પન્ન થાય છે તેવી ધારણા છે. આયુર્વેદ પ્રમાણે સમગ્ર શરીરનો ઉપચાર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આયુર્વેદ, પૃ. 120)

Categories
વાચન સમૃદ્ધિ

દાલ સરોવર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના છેડે આવેલો દાલગેટ જેલમ સાથે જોડતા તેના જળપ્રવાહનું નિયંત્રણ કરે છે.

તેની લંબાઈ 8.4 કિમી. અને પહોળાઈ 4 કિમી. છે. શ્રીનગરમાં વહેતી જેલમ નદી સાથે તે નહેરથી જોડાયેલું છે. 33.6 ચો.કિમી.નું ક્ષેત્રફળ ધરાવતું આ વિશાળ સરોવર ગગરી દાલ, લોકુટ દાલ અને બોડ દાલ નામે ઓળખાતા ત્રણ જુદા જુદા જળમાર્ગ વિભાગોમાં વહેંચાયેલું છે. સરોવરના ઉત્તર ભાગમાં સોનાલંક અને પૂર્વ ભાગમાં રૂપાલંક નામના બે રમણીય બેટ આવેલા છે. આ બેટ ઉપર આવેલાં ચિનારનાં અને આજુબાજુમાં આવેલાં ગગનચુંબી પૉપલરનાં વૃક્ષો તેની શોભામાં વધારો કરે છે. એક બાજુએ તખ્તે-સુલેમાન ટેકરી અને બીજી બાજુએ હરિ પર્વતથી ઘેરાયેલું આ સરોવર પહાડો પરથી જોતાં મનોહારી દૃશ્ય ખડું કરે છે. શંકરાચાર્ય ટેકરીના તળેટીભાગવાળા આ સરોવરના દક્ષિણ કાંઠા પર નેહરુ પાર્ક વિકસાવવામાં આવેલો છે. અહીંથી શિકારામાં બેસી પ્રવાસીઓ સરોવરની સહેલ માણે છે. સરોવરના વાયવ્ય કાંઠા પર હઝરતબાલ્દરગાહ આવેલી છે, તેમાં મહંમદ પયગંબરસાહેબનો પવિત્ર વાળ રાખવામાં આવેલો છે, જેના વર્ષમાં એક જ વાર દીદાર (દર્શન) કરી શકાય છે. મુઘલોના શાસનકાળ દરમિયાન આ સરોવરની નજીક સુંદર બગીચાઓનાં નિર્માણ કરવામાં આવેલાં છે : અકબરના સમયમાં તે જમાનાના શ્રેષ્ઠ ગણાતા સ્થપતિ અને રાણી નૂરજહાંના ભાઈ આસફખાન દ્વારા તૈયાર કરવામાં આવેલો નિશાત બાગ, જહાંગીરે તૈયાર કરાવેલો શાલીમાર બાગ અને શાહજહાંએ તૈયાર કરાવેલો ચશ્મેશાહી ઉદ્યાન સહેલાણીઓ માટે આકર્ષણનાં સ્થાનો બની રહેલાં છે. ચશ્મેશાહીની બાજુમાં નેહરુ મેમોરિયલ આવેલું છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી